Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

માણાવદર પાનેરા કોલેજ ખાતે વિદ્યાર્થી સન્માન વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ તા.૨૬ : માણાવદર જે.એમ.પાનેરા કોલેજ ખાતે તાજેતરમાં વાર્ષિકોત્સવનું આયોજન કરાયુ હતુ. આ પ્રસંગે પીએચડી થયેલ ચાર અધ્યાપકો અને વિદ્યાર્થીઓનુ સન્માન તથા વિદ્યાર્થી દ્વારા ભવ્ય કાર્યક્રમ તેમજ એનએસએસ અને એનસીસીમાં વિવિધકક્ષાએ સિધ્ધિ મેળવેલ. વિવિધ વિદ્યાર્થીઓનુ પણ સન્માન કરાયુ હતુ.

આ કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા દ્વારા દિપપ્રાગટય કરાયુ. અધ્યક્ષ સંસદ સભ્ય રમેશભાઇ ધડુક, નરસિંહ મહેતા યુનિ.ના સીન્ડીકેટ સભ્ય ચંદ્રેશભાઇ હેરમા, જયભાઇ ત્રિવેદી, ભાવનાબેન અજમેરા તથા ડો.જે.એસ.વાળા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સંસ્થાના મે. ટ્રસ્ટી જેઠાભાઇ પાનેરાએ સૌનુ શબ્દોથી સ્વાગત કરતા જણાવેલ કે, આપ સૌ મહેમાનો, વાલીઓ વિદ્યાર્થીઓ કેળવણીકારો ઉપસ્થિત રહી મને હંમેશ પ્રોત્સાહિત કરો છો. સંસ્થામાં ગુણવતાલક્ષી શિક્ષણ અપાઇ છે અને શિક્ષણ સાથે સંસ્કારનુ પણ સિંચન કરે છે. છેલ્લા ૩૦ વર્ષમાં આ સંસ્થા છેવાડાના માણસ સુધી શિક્ષણ પહોચે તેનુ ધ્યાન રાખે છે. પ્રિન્સીપાલ ડો.મેતરા સાહેબે સંસ્થાના વિવિધ સોપાનો તેમજ સંસ્થાના વિકાસલક્ષી કાર્યોનો પરિચય આપ્યો.

આ પ્રસંગે કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડાએ જણાવેલ કે, આ વિસ્તારની શિક્ષણમાં શ્રેષ્ઠ સંસ્થા ગણી શકાય તેવી સંસ્થાની સ્થાપના જેઠાભાઇ પાનેરાએ કરી છે. હુ છેલ્લા ૩ દાયકાથી આ સંસ્થાના વિવિધ આયામોથી પરિચિત છુ. તેમણે વિદ્યાર્થીઓના ઘડતરમાં જ્ઞાન સાથે શારિરીક ક્ષમતા પણ હોવી જોઇએ એ બાબત પર ભાર મૂકયો હતો.

રમેશભાઇ ધડુકએ સંસ્થાના પ્રમુખ જેઠાભાઇ પાનેરાએ જાહેર જીવનને ખૂબ સારી રીતે બિરદાવ્યુ હતુ. તેમણે વધુમાં જણાવેલ કે શિક્ષણની સંસ્થાઓમાં સંસ્કાર અને સમાજવ્યવસ્થાના સંસ્કાર અપાઇ છે જે આ વિસ્તાર માટે ગૌરવ સમાન છે. આ કાર્યક્રમમાં જૂનાગઢ મનપા મેયર ધીરૂભાઇ ગોહેલ જણાવેલ કે, માણાવદર જેવા તાલુકામાં આવેલ આ સંસ્થામાં ૩ હજાર જેટલા વિદ્યાર્થીઓ પાયાની સગવડતાઓ સાથે અભ્યાસમાં આગળ વધતા હોય તે આનંદ અને ગૌરવની વાત છે.

 કાર્યક્રમની અધ્યક્ષ ભકતકવિ નરસિંહ મહેતા યુનિ.ના વાઇસ ચાન્સેલર ડો.ચેતનભાઇ ત્રિવેદીએ તેમના વકતવ્યમાં જણાવેલ કે જેઠાભાઇ પાનેરાના સાંસ્કૃતિક, સામાજીક અને ધાર્મિક ગુણો તેમની સંસ્થાના વિદ્યાર્થીઓમાં સારી રીતે ઉતર્યા છે તે પ્રશંસનીય છે તેમણે કાર્યક્રમમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા.

આલ્ફા સ્કુલ જૂનાગઢના સંચાલક જી.પી.કાઠી તથા જૂનાગઢના કેળવણીકાર ડી.જી.મોદીએ પ્રાસંગીક પ્રવચનો કરેલ.

આ કાર્યક્રમમાં માણાવદર, વંથલી અને મેંદરડા તાલુકાના વિવિધ આગેવાનો અને શિક્ષણની વિવિધ સંસ્થાના પ્રિન્સીપાલ, વાલીઓ તથા વિશાળ સંખ્યામાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જેઠાભાઇ પાનેરાના જીવન પર આલેખાયેલ ડોકયુમેન્ટરીનુ પણ વિમોચન કરવામાં આવ્યુ. કાર્યક્રમનું સંચાલન આદિત્ય સ્કુલના પ્રિન્સીપાલ પ્રવિણભાઇ સોલંકી તથા કોલેજની સાંસ્કૃતિક કમિટિએ કરેલ.

(11:40 am IST)