Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

'સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શાળા'નો એવોર્ડ આટકોટની વિદ્યાવિહાર શાળાને : ૧ માર્ચે અર્પણ સમારોહ

શ્રેષ્ઠ શિક્ષિકા સન્માન માટે શિશાંગ પ્રા.શાળાના શીતલબેન વાછાણી તેમજ શ્રેષ્ઠ શિક્ષક સન્માન માટે લાખાપર તા.શાળાના રાકેશભાઇ વાદીની પસંદગી

રાજકોટ તા. ૨૬ : જે. વી. શેઠિયા રાજકોટ તથા અશોક ગોંધિયાની સ્મૃતિમાં વાય.એમ.જી.એ. રાજકોટના આર્થિક સહયોગથી સિસ્ટર નિવેદિતા સ્કુલ ઓન વ્હીલ્સની ૯૧ સંલગ્ન શાળાઓ તથા તેમાં કાર્યરત ૬૫૦ જેટલાં શિક્ષકોમાંથી ગુણવત્તાને આધારે પસંદગી પામેલ એક શાળા અને બે શિક્ષકોને ગ્રામિણ વિસ્તારના બાળકો માટે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને ઉજવળ સેવા આપવા બદલ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે.

જે મુજબ વર્ષ ૨૦૧૮-૧૯ નો 'સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શાળા એવોર્ડ' આટકોટની વિદ્યાવિહાર પ્રાથમિક શાળાને અને શ્રેષ્ઠ શિક્ષકાનો એવોર્ડ શીતલબેન હરીભાઇ વાછાણી (શિશાંગ પ્રા.શાળા, તા.કાલાવડ) તેમજ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ રાકેશભાઇ મનસુખભાઇ વાદી (લાખાપર તાલુકા શાળા) નેે એનાયત કરવા પસંદગી ઉતારવામાં આવી છે. તેઓને ઠેરઠેરથી અભિનંદનવર્ષ થઇ રહી છે.

તા. ૧ માર્ચાના રવિવારે સવારે ૧૦ વાગ્યે વિદ્યાવિહાર પ્રાથમિક શાળા, આટકોટ તા. જસદણ મુકામે યોજાનાર સમારોહમાં શ્રેષ્ઠ શાળાને રૂ. ૩૧૦૦૦ નો ચેક, પુસ્તકો, સન્માનપત્ર અને ટ્રોફી તેમજ શ્રેષ્ઠ શિક્ષક-શિક્ષિકાને રૂ.૨૧૦૦૦ નો ચેક, પુસ્તકો, સન્માનપત્ર અને ટ્રોફી અર્પણ કરી બહુમાન કરાશે.

સમારોહના અધ્યક્ષસ્થાને રાજકોટના જાણીતા આર્કીટેકટ અને સામાજીક કાર્યકર ગિરીશભાઇ મારૂ ઉપસ્થિત રહેશે. તેમ સંસ્થાની યાદીમાં જણાવાયુ છે.

(11:41 am IST)