Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

સોમનાથ મહાદેવની તપોભૂમિ પર સંતોનું આગમનઃ મહાભંડારો યોજાયો

પ્રભાસ પાટણ તા. ર૬ :..  વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવની ર્તીથભૂમિ ગીરનાર મહાશિવરાત્રી મેળામાં આવેલ સંતો-મહંતો- અને અખાડાઓના મઠાધિપતિઓથી છવાઇ હતી. પ્રતિ વર્ષ એક પરંપરા છે કે ગિરનારની શિવરાત્રીનો મેળો પુર્ણ થયા બાદ તે મેળામાં આવેલ ભારતભરના સંતો તુલશીશ્યામ, સતાધાર, બિલખા અને ગીર કનકાઇ સહિતના ર્તીથોની યાત્રા કરી અંતિમ પડાવ  પ્રભાસ - પાટણના પવિત્ર ત્રિવેણી સંગમ - સ્મશાન ઘાટે આવેલ મહાકાલી મંદિર ખાતે સમુહમાં આવે છે.

મહાકાલી મંદિરના મહંત તપસી બાપુના આશ્રમે તપસીબાપુ સૌને આવકારી ભોજન પ્રસાદનો મહાભંડારો તે સ્થળે યોજાયો હતો અને સૌને ભેટપૂજા આપી ભોજન પ્રસાદ અપાયા બાદ અહીંથી સૌ પોત-પોતાના ભારતભરના આશ્રમોએ શિવરાત્રી મેળા સમાપન ગણી પ્રસ્થાન કરે છે.

પધારેલ સંતોમાં જૂના અખાડાના સભાપતિ ઉમાશંકર ભારથીજી, શિવાનંદજી સરસ્વતીજી, મોહનભારથીજી, જૂનાઅખાડા, રમતા પંચ મહંત, ભાલપુરીજી આવાહન અખાડા રમતા પંચના મહંતશ્રી ભારદ્વાજગીરીજી, મહેન્દ્રપુરીજી, શરદભારથીજી ચેતનગીરીજી, જૂના અખાડા સેક્રેટરી કમલગીરીજી, રામાનંદપુરીજી આવાહન અખાડાના મહંત થાનાપતી ગંગાગીરીજી મહંત સેક્રેટરી રાજહંસગીરીજી વિગેરે સંતો ઉપસ્થિત રહ્યા હતાં.

સંતોના દર્શન અને પાવન પ્રસંગે આર્શીવાદ લેવા સોમનાથ અને આસપાસના લોકો ઉમટયા હતાં. આવેલા સંતોમાં મહિલા સંતો પણ હતાં. અંદાજે ૧ર૦૦ થી ૧પ૦૦ જેટલા સંતો સોમનાથ આવતાં મીની કુંભ મેળા જેવું વાતાવરણ રચાયું હતું.

સેવાભાવથી પ્રભાસ પાટણના સેવાભાવી ડોકટર આર. ડી. સાવલીયા તેમના ધર્મપત્ની  કૈલાસબહેન સાવલીયા તથા દવાખાનાના સ્ટાફ તેમજ દવાઓ-સાધનો સાથે તપસી બાપુના આશ્રમે સેવાભાવથી હાજર રહી માનદ મેડીકલ સેવા આપી હતી.

જૂના અખાડાના રમતા પંચના મહંત શ્રી ભારદ્વાજગીરીજીએ એક મુલાકાતમાં જણાવ્યું કે જુનાગઢ ખાતે મહાશિવરાત્રી મેળો પુરો થયા બાદ જૂનાગઢથી વિવિધ અખાડાઓના તમામ સંતો સોરઠના ર્તીથોના દર્શન કરી સોમનાથ પ્રતિવર્ષ આવે છે અને અહીં ભોજનપ્રસાદી ભંડારામાં ભાગ લઇ  શિવરાત્રી સમાપન કરી સૌ પોત-પોતાના રાજયના સ્થાનકોમાં જવા રવાના થાય છે.

(11:37 am IST)