Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

જેતપુરના દેવકી ગાલોળમાં ધો.૧૦ના વિદ્યાર્થીઓને પ૦ કિ.મી. દૂર પરીક્ષા કેન્‍દ્ર આવતા પરીક્ષા બહિષ્‍કાર અને ઉપવાસ આંદોલનની ચિમકી

જેતપુર : ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણી સર્વ શિક્ષા અને ભણે ગુજરાત આગળ વધે ગુજરાતના નારા લગાવવામાં આવે છે પણ હકીકત અલગ જ છે. હાલમાં એક સરકારી નિર્ણયને કારણે જેતપુર તાલુકાના દેવકીગાલોળ ગામમાં અભ્યાસ કરતા 150 જેટલા વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ થઇ ગયું છે. અહીં ધોરણ 10ના વિદ્યાર્થીઓને 50 કિલોમીટર દૂર પરીક્ષા કેન્દ્ર આપવામાં આવતા આ વિદ્યાર્થીઓએ પરીક્ષાના બહિષ્કારની તેમજ જરૂર પડે તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી છે.

જેતપુર તાલુકાનું છેલ્લા અને અમરેલી જિલ્લાની બોર્ડર પર આવેલ દેવકી ગાલોળ ગામના ધોરણ 10ના વિદ્યાર્થીઓ હાલ મોટી મુશ્કેલીમાં છે. અહીં આસપાસના ઘંટીયાળ, રાંધીયા અને ધારી ગુંદાળી વગેરે ગામોના 150 જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. આ વર્ષે તેમને ધોરણ 10ની પરીક્ષા આપવા માટે જેતપુર શહેરમાં કેન્દ્ર આપવામાં આવેલ છે. પહેલાં તેમને ગામની 10 કિલોમીટર નજીક હોય એવું કેન્દ્ર આપવામાં આવતું હતું પણ નવું કેન્દ્ર 50 કિલોમીટર જેટલું દૂર છે. હવે પરીક્ષાના સવારના સમયે કોઈ ST બસ કે ખાનગી વાહનો મળી શકે એમ ન હોવાથી વિદ્યાર્થીઓ પરેશાન થાય એવી શક્યતા છે. વળી, આ કેન્દ્ર સુધી પહોંચવા માટે 4-4 કલાકનો પ્રવાસ કરવો પડે એમ છે.

પરીક્ષાનો બહિષ્કાર કરવાની ચીમકી આપનાર 150 જેટલા વિદ્યાર્થીઓમાં 50% જેટલી તો દીકરીઓ જ છે. પરીક્ષાના બહિષ્કારની ચીમકી આપી રહેલા વિદ્યાર્થીઓ બાબતે શાળાના આચાર્યને પૂછતાં તેમણે પણ વિદ્યાર્થીઓની સમસ્યાને સમર્થન આપ્યું હતું. સરકારની બેદરકારીને લઇને હાલ તો આ 150 જેટલા વિદ્યાર્થીઓનું ભાવિ અદ્ધરતાલ થઇ ગયું છે ત્યારે સરકાર યોગ્ય પગલાં લઇને આ વિદ્યાર્થીઓની સમસ્યા હાલ ઉકેલે એ જરૂરી છે.

(4:41 pm IST)