Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

મોરબીમાં કારખાનેદારની આંખમાં મરચુ છાંટી ૧૮ લાખની લૂંટ

કારખાનેદાર હિતેશ પટેલ વાવડી રોડ પર આવેલ સોમૈયા સોસાયટી સ્થિત ઓફિસે પહોંચ્યાને બે બાઈકસવાર ૧૮ લાખની રોકડ લઈ છનનઃ જિલ્લાભરમા નાકાબંધી : લૂંટારૂ બાઈકસવાર સીસીટીવી કેમેરામાં કેદઃ બન્ને નવલખી તરફ ભાગ્યા

તસ્વીરમાં કારખાનેદારની ઈનોવા કાર, ઘટના સ્થળે એકત્રીત લોકોના ટોળા અને પોલીસ તેમજ નીચેની તસ્વીરમાં ઘટના સ્થળે પોલીસ કાફલો અને બે બાઈકસવાર લૂંટારૂ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા તે નજરે પડે છે (તસ્વીરઃ પ્રવીણ વ્યાસ-મોરબી)

મોરબી, તા. ૨૫ :. મોરબીમાં બેંક લૂંટની ઘટનાના હજુ પડઘા સમ્યા નથી ત્યારે આજે સવારે કારખાનેદાર પટેલ યુવાનની આંખમાં મરચુ છાંટી બે બાઈકસવાર શખ્સો ૧૮ લાખની રોકડની લૂંટ કરી નાસી છૂટતા સનસનાટી મચી ગઈ છે. બનાવને પગલે પોલીસે જિલ્લાભરમાં નાકાબંધીના આદેશો આપ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રવાપર રોડ પર રહેતા અને વાવડી રોડ પર આવેલ સોમૈયા સોસાયટીમાં ઓફિસ ધરાવતા સિરામીકના કારખાનેદાર હિતેશ લાલજીભાઈ સરડવા (પટેલ) આજે સવારે ૧૦ વાગ્યે પોતાની ઈનોવા કારમાં ૧૮ લાખની રોકડ લઈ સોમૈયા સોસાયટીમાં આવેલ ઓફિસે પહોંચ્યા હતા ત્યારે ઓફિસ પાસે અગાઉથી ઉભેલા બે બાઈકસવાર શખ્સોએ કારખાનેદાર હિતેશ પટેલની આંખમાં મરચાની ભૂકી છાંટી તેની પાસે રહેલ ૧૮ લાખની રોકડ રકમ લૂંટી નાસી છૂટયા હતા.

બનાવ અંગે કારખાનેદાર હિતેશ પટેલે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. બનાવને પગલે જિલ્લાભરમાં નાકાબંધીના આદેશો અપાયા છે. આ લખાય છે ત્યારે બપોરે ૧૧ વાગ્યા સુધીમાં બન્ને બાઈકસવાર લૂંટારૂઓના કોઈ સગડ મળ્યા નથી. પોલીસે બાઈકસવાર બે અજાણ્યા શખ્સો સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

દરમિયાન લૂંટ કરી નાસી છૂટેલ બન્ને બાઈકસવાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા પોલીસે બન્નેની ઓળખ મેળવી તેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે. વધુ તપાસ એ-ડિવીઝનના પીઆઈ આર.જે. ચૌધરી ચલાવી રહ્યા છે.

સિરામીકના ઉદ્યોગ માટે વિખ્યાત મોરબી ક્રાઈમ કેપીટલનગરી બની રહ્યુ હોય તેમ છેલ્લા ૧૫ દિવસમાં હત્યા, બેંક લૂંટ અને ફાયરીંગના સતત બનાવો બની રહ્યા છે. ગત સપ્તાહમાં ધોળા દિવસે બેંક લૂંટની ઘટના બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ પંજાબની લૂંટારૂ ગેંગને ઝડપી લીધી હતી. બેંક લૂંટના પડઘા સમ્યા નથી ત્યાં આજે વધુ એક સરાજાહેર ૧૮ લાખની રોકડ રકમની લૂંટનો બનાવ બનતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

(3:52 pm IST)