Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

મોરબીમાં ગાર્બેજ કલેકશનમાં દાદાગીરી સામે તંત્રની લાલ આંખ

મોરબી તા. ૨૬ : મોરબી નગરપાલિકામાં અગાઉ ડોર ટૂ ડોર ગાર્બેજ કલેકશન માટે પાલિકાએ આઠ વાહનો ફાળવ્યા હતા અને સુરતની ઓમ શાંતિ કોર્પોરેશન નામની પેઢીને કોન્ટ્રાકટ આપ્યો હતો જે ઘરે ઘરેથી કચરો એકત્ર કરવાનું કામ કરતી હતી જેમાં પાલિકનું વાહન વાપરે તો એક ટનના ૯૫૦ અને કંપની પોતાના વાહનમાં ૧૧૫૦ રૂપિયા ખર્ચ થાય છે અને દર માસે ૨૫ લાખ જેટલો ખર્ચ થતો હોય છે છતાં યોગ્ય કામગીરી ના થતી હોવાની ફરિયાદોને પગલે કોન્ટ્રાકટ રદ કરવામાં આવ્યો છે તેમજ પાલિકાના વાહનોમાં નુકશાન થયા હોય જેથી કોન્ટ્રાકટરને નોટીસ ફટકારી વાહન નુકશાની પણ વસુલ કરવામાં આવશે. પાલિકા આ કામગીરી જાતે સંભાળશે જેથી એક માસના ૨૫ લાખને બદલે માત્ર ૭-૮ લાખનો ખર્ચ થશે અને પાલિકાને મોટી બચત થશે. તેમ પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ જણાવ્યું છે.

મોરબી પાલિકાએ ગાર્બેજ કલેકશનનો કોન્ટ્રાકટ ચાલુ માસની ૧૫ તારીખે રદ કરવામાં આવ્યો છે જેથી શહેરમાં ગંદકીના ગંજ ખડકાયા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગાર્બેજ કલેકશન અટકી જતા ઠેર ઠેર ઉકરડાના દ્રશ્ય સર્જાયા છે. વિવિધ વિસ્તારના જાહેર ઉકરડામાં વધુને વધુ ગંદકી ઉમેરાઈ રહી છે અને ગાંધી ચોકમાં પાલિકા કચેરીના સામેનો વિસ્તાર પણ ગંદકીથી બચી શકયો નથી જોકે આ સમસ્યા ટેમ્પરરી હોવાનું જણાવ્યું હતું અને પાલિકા હસ્તક કામકાજ શરુ થયા બાદ સ્થિતિ સામાન્ય બની જશે જયારે સામાપક્ષે ગંદકીથી પરેશાન મહિલા જણાવે છે કે ચુંટણી બાદ તેમના વિસ્તારમાં સફાઈ થઇ જ નથી ઙ્ગઆમ એક પાલિકા કચેરીએ નાગરિકોના પરસેવાની કમાણીનો દુરુપયોગ ના થાય અને પાલિકા તંત્રને લાખોની બચત થાય તેવો આવકારદાયક નિર્ણય કર્યો છે જોકે કોન્ટ્રાકટ રદ કરાયાના સપ્તાહથી વધુ સમય વીતી ગયો છે અને સફાઈ તેમજ ડોર ટૂ ડોર ગાર્બેજ કલેકશન કામ ઠપ્પ બન્યું છે જેથી શહેરમાં ગંદકી ફેલાઈ છે ત્યારે પાલિકાએ લીધેલા નિર્ણયને સૌ કોઈ આવકારી રહ્યા છે સાથે જ પાલિકા ગાર્બેજ કલેકશન કામગીરી વહેલા સર શરુ કરે તેવી માંગ પણ નગરજનો કરી રહ્યા છે.

ગાર્બેજ કલેકશન ઝડપથી શરૂ કરાશે : ઇન. ચીફ ઓફિસર

પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર ગીરીશ સરૈયા જણાવે છે કે કોન્ટ્રાકટ રદ કરાતા સફાઈ કામગીરી ખોરંભે પડી છે જોકે પાલિકા તંત્ર શકય તેટલી ઝડપથી કામગીરી પુનઃ શરુ કરશે અને સફાઈ અભિયાન પુરજોશમાં ચલાવીને લોકોની સુખાકારીમાં વધારો કરાશે.(૨૧.૨૧)

(1:05 pm IST)