Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

કાલે છ ગાઉ યાત્રાઃ પાલીતાણામાં જૈન- જૈનેતરો પુણ્યનું ભાથુ બાંધશે

ભગવાન શ્રી કૃષ્ણના પુત્રો શામ્બ અને પ્રધ્યુમને સાડા આઠ કરોડ મુનિઓ સાથે અનસન કરીને છ ગાઉની પ્રદક્ષીણા કરી ''મોક્ષ'' પ્રાપ્ત કરેલ હોવાની લોકવાયકઃ સૌરાષ્ટ્ર- કચ્છમાંથી મોટી સંખ્યામાં ભાવીકો શેત્રુંજયના દર્શન કરશેઃ દેરાસરોમાં શેત્રુંજય ભાવ યાત્રાના આયોજનઃ પાલમાં વિવિધ જૈન વાનગીઓ દ્વારા ભકિતઃ એસ.ટી. દ્વારા વધુ બસો ફાળવાઈઃ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

રાજકોટ, તા.૨૬: જૈન સમાજમાં વિશેષ મહત્વ ધરાવતી શેત્રંુજય તિર્થની છ ગાંઉ યાત્રાનો પ્રારંભ પાલીતાણા ખાતે કાલે વહેલી પરોઢે શરૂ થશે. ઢેબરા તેરસ તરીકે ઉજવાતી આ યાત્રામાં લાખો જૈન- જૈનેતરો તેમજ વિદેશી ભાવિકો જોડાશે.

સમગ્ર જૈન સમાજમાં પાલીતાણા છ ગાઉ યાત્રાનું વિશેષ મહત્વ રહેલું છે. એક લોકવાયકા મુજબ આજના ફાગણ શુદ ૧૩ના શુભ દિવસે ભગવાન શ્રીકૃષ્ણના પુત્રો શામ્બ અને પ્રદ્યુમન સાડા આઠ કરોડ મુનિઓ સાથે અનશન કરીને પાલીતાણા પર્વત ઉપર છ ગાઉની પ્રદિક્ષણા કરીને 'મોક્ષ' પદને પામ્યા હતાં. શેત્રુંજય પર્વત ઉપર ૩૫૦૦ પગથીયા ચડીને ફકત આજના દિવસે જ ખુલ્લો રહેતો કેડી રસ્તો પસાર કરી, આદેશ્વર દાદાના પક્ષાલનું જલ જે  કુંડમાં આવે છે ત્યાં દર્શન કરી, ત્યાંથી અજીતનાથસ્વામી અને શાંતિનાથસ્વામીની ડેરીએ દર્શન કરી યાત્રાળુઓ શાંતિ સ્ત્રોત્રનું સ્મરણ કરે છે. ત્યારબાદ ચંદન તલાવડીએ યાત્રાળુુઓ પહોંચી ઉકાળેલા પાણીનું સેવન કરી, આદપૂર ગામે પાલમાં પહોંચશે. રસ્તામાં ઠેર- ઠેર પાણીની વ્યવસ્થા, બંદોબસ્ત, મેડીકલ સહાય, કોલનવોટરના નેપકીનો, પાણીના ફુવારા વિ.વ્યવસ્થા શેઠ  શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા કરવામાં આવી છે.

ભાવનગર જીલ્લામાં આવેલ પાલીતાણા ખાતે દર વર્ષની માફક જૈનોના શેત્રુંજય તીર્થની છ ગાઉં અને નવ ગાઉંની જાત્રાનો પ્રારંભ  કાલે ફાગણ સુદ તેરસ તા.૨૭ને મંગળવારના વહેલી સવારથી થાય છે. તેને ઢેબરા તેરસ તરીકે ઉજવવામાં આવે છે.

પાલીતાણાનું પ્રાચીન નામ પાદલિપ્ત પુર હતું. એક એવી માન્યતા છે કે આ જગ્યાએ આઠ કરોડ મુનિઓને મોક્ષ પ્રાપ્ત થયો છે. તે સિધ્ધાચલ જૈન પ્રમુખ અને અત્યંત પવિત્ર સ્થાન માનવામાં આવે છે.

આ શેત્રુંજય પર્વત ઉપર આશરે સાઠાચાર હજાર પગથીયા છે. જુદી- જુદી જગ્યા પર ૧૨૫૦ નાના મોટા દેરાસર આવેલ છે. આ તીર્થસ્થાન ૯૦૦ એકર ભૂમિ પર પથરાયેલ છે.આ યાત્રાના લીધે પાલીતાણા ગામમાં મેળા જેવું વાતાવરણ ઉભુ થાય છે. રસ્તાઓ ચીકકાર હોય છે. પાલીતાણામાં આરાધના ભવન, યાત્રિકભવન, આલિશાન વૈભવી ધર્મશાળાઓ હાઉસફુલ થઈ જાય છે. જગ્યા મેળવવા માટે પડા- પડી થાય છે. મો માગ્યાદામ લેવાય છે.

ફાગણ સુદ-૧૩ની વહેલી સવારના શેત્રુંજય ડુંગર પાસેથી ભારે ભીડ જામે છે. જે જૈન, જૈનેતર, જાત્રા કરવા આવે છે. તેમાં મોટી ઉંમરના લોકો પગથીયા ચડી શકતા નથી તે ડોલીમાં બેસીને જાત્રા કરે છે. નાના-નાના ભૂલકાને તેડીને લઈ જવામાં મુશ્કેલી પડે છે. આજુબાજુના ગામના લોકો બાળકોને તેડીને જાત્રા કરાવે છે.

શેત્રુંજય ડુંગર ચડવા માટે સીધા પગથીયા આવતા નથી. થોડુંક ચાલીએ એટલે પગથીયાને બદલે સીધો રસ્તો આવે છે. ફરીને પગથીયા આવે છે. આમ યાત્રાળુંઓને મુશ્કેલી પડતી નથી.આ પર્વત માળા ચઢતા રસ્તામાં ઘણા બધા દેરાસર તેમજ જુદા- જુદા ભગવાનના આરસ- પારસના પગલા આવે છે. જૈન દેરાસર જેમ કે બાવન જીનાલય, ભરત ચક્રવર્તી, નેમીનાથ ભગવાનના ગણધરવરદ્ત આદિશ્વર- પાશ્વનાથની ચરણ પાદુકા વગેરેના દર્શન થાય છે.આદિશ્વર દાદાનું દેરાસર શેત્રુંજય ડુંગરની ટોચ ઉપર આવેલ હોવાથી વહેલી સવારના વાદળો ટોચ ઉપરથી પસાર થતા જોવાનો અનેરો આનંદ પ્રાપ્ત થાય છે. આદિશ્વર દાદાના દેવ- દર્શન કરવા માટે લાંબી લાઈનની કતાર જામે છે.

આ શેત્રુંજય પર્વત ઉપર ખાવા પીવા વસ્તુઓ વેચવાની મનાઈ છે. પણ આદિશ્વર દાદાના દેરાસર પાસે વરસો પહેલાથી આજુબાજુના ગામડાના લોકો માટીના વાસણ (પાટીયા)માં દહીં જમાવીને વેચાણ કરવા આવે છે. તેમાં નમક (મીંઠુ),  જીરાનો ભૂકો ઉમેરીને વહેચે છે. આચ દહીં નો છરીથી કાપોતો જાણે બરફીનો કટકો હોય તેવું લાગે છે. આ મધુર દહીં નો સ્વાદ ચાખવા લોકો કતારો લગાવે છે.

આદિશ્વર દાદાના દેરસર પાસેથી બે ફાંટા પડે છે. એક નવ ગાઉં તરફ જવાનો  અને બીજો છ ગાઉંનો રસ્તો પસાર થાય છે. આદિશ્વર દાદાના દર્શન, પૂજા, પ્રાર્થના કરીને આગળ જતા ઘેટીપાલ દેરાસર આવેલ છે. યાત્રાળુઓને સવારના મીઠી ગુંદી, તીખી સેવ (ભાતુ) નાસ્તો આપવામાં આવે છે. હજારો લોકો આનો લાભ લેવાનું ચુકતા નથી. થોડીવાર આરામ કરે છે. થાક ઉતારે છે. પછી નીચે ઉતરતા પાલ તરફ જવાનો રસ્તો આવે છે.

પાલ એટલે શું?

વિશાળ મેદાનમાં તથા જિનાલયોમાં મંડપ બાંધીને પાલ બનાવવામાં આવે છે. આશરે એકસો જેટલા પાલ બનાવવામાં આવે છે. જુદા- જુદા પાલમાં ખટારા ભરીને લીલી- કાળી દ્રાક્ષ, સફેદ દ્રાક્ષ, તરબૂચ, સંતરા, બુંદીના લાડું, ગાંઠીયા, થેપલા, પુરી, દહિં, ચા, દુધ, ઉકાળો, ખાખરા, ઢેબરા, કાચી કેરીનું રાયતા મરચા વગેરે વસ્તુઓ જોઈએ તેટલુ આપવામાં આવે છે.

ઢેબરા બનાવવા માટે મોટા ચૂલા ઉપર લોખંડની મોટી પ્લેટ ઉપર ૬ થી ૮ વ્યકિત બનાવવા બેસી જાય છે. ઢેબરા સાથે દહિં પણ હોય છે. તેથી ઢેબરા તેરસ તરીકે ઓળખાય છે.સવારના ૧૦ વાગ્યાથી સાંજના ૫ વાગ્યા સુધી લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આ પાલનો લાભ લ્યે છે. જુદા- જુદા શહેર જેમ કે મદ્રાસ, કલકત્તા, મુંબઈ, રાજકોટ, જામનગર, ભાવનગર, થરાદ, સુરેન્દ્રનગર, પાલીતાણા વગેરે ગામના સંઘપતિ ઉપસ્થિત રહીને બે હાથ જોડીને પાલમાં પધારવા આગ્રભરી વિનંતી કરે છે. યાત્રાળુઓને આરામ કરવા માટે વિશાળ સમીયાણામાં વ્યવસ્થા પણ કરવામાં આવે છે.

જે લોકો નવ ગાઉની જાત્રા પુરી કરીને પરત ફરે છે. તેને રસ્તામાં જમણા પગનો અંગુઠો પાણીની ધારથી ધોવામાં આવે છે. કપાળમાં સંઘ પૂજનનો ચાંદલો કરવામાં આવે છે. તેને શ્રીફળ, ચાંદીના સીકકા અથવા રૂપીયાના પ્રમાણમાં પ્રભાવના અમુક દાતા તરફથી કરવામાં આવે છે અને જાત્રા કરનારના પૂણ્યનો લાભ મેળવે છે. આ જૈન જૈનેતર યાત્રાળુઓ પાલનો લાભ લેવા જાય છે. પાલમાં શ્રીમંત વર્ગના કુંટુમ્બના દિકરા, દિકરી ઘેર કોઈ દિવસ ઘરકામ કર્યા ન હોય પણ આ દિવસે તનતોડ મહેનત કરી સેવા કરવાનો લાભ જતો કરતા નથી.

 ખાનગી વાહનો, સ્પેશ્યલબસ, તથા એસ.ટી.બસ, રેલ્વે માર્ગે તથા ભાવનગરથી રાત્રીના સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં આવે છે. લાખો લોકો ઉમટી પડે છે. પોલીસની  કામગીરી પ્રસંશનીય હોય છે. (૩૦.૩)

(12:04 pm IST)