Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

શિહોરમાંથી ૯૩ લાખનો અધધધ દારૂ-બિયર ઝડપાયો

ગણવા માટે પોલીસને ૪ કલાકનો સમય લાગ્યોઃ પોલીસ મથકે પહોંચાડવા ૪ વાહનોનો ઉપયોગ કરવો પડયોઃ નરેશ ઉર્ફે પિન્ટુ ઝડપાયોઃ મુખ્ય આરોપી જયેશ ભાણજી મકવાણા-અશોક હિરા મારવાડી ફરાર

ભાવનગરઃ છોટે કાશી તરીકે જાણીતા ભાવનગર નજીકના શિહોરમાંથી પોલીસે વિદેશી દારૂ-બિયરનો રૂ. ૯૩ લાખની કિંમતનો જંગી જથ્થો ઝડપી લેતા ચકચાર મચી જવા પામી છે (તસ્વીરઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

 ભાવનગર, તા. ૨૬ :. સમગ્ર ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઠેર ઠેર દારૂના હાટડાઓ શરૂ છે. ભાવનગર નજીકના શિહોર કે જે છોટે કાશી તરીકે વિખ્યાત છે, ત્યાં ભાવનગર એસ.ઓ.જી.ની ટીમે દરોડો પાડી વિદેશી દારૂની ૬૫૯૭૩ બોટલો (૧૬૦૭ પેટી) અને બિયરની ૯ પેટી (૨૧૬ ટીન) સહિત રૂ. ૯૩ લાખની કિંમતનો દારૂ-બિયરનો મસમોટો જથ્થો ઝડપી લઈ એક શખ્સની ધરપકડ કરી છે. જ્યારે બે શખ્સો નાસી છૂટયા છે. દારૂ-બિયરનો જથ્થો ગણવામાં પોલીસને ૪ કલાકથી વધુ સમય થયો હતો અને દારૂને પોેલીસ મથક સુધી પહોંચાડવામાં ચાર વાહનોનો ઉપયોગ કરવો પડયો હતો.

મ ળતી વિગતો મુજબ ભાવનગર એસ.ઓ.જી. પોલીસને મળેલી બાતમીને આધારે શિહોરમાં એકતા સોસાયટીમાં રહેતા જયેશ ભાણજીભાઈ મકવાણાના ગોડાઉનમાં દરોડો પાડી પોલીસે જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની કાચ તથા પ્લાસ્ટિકની કુલ ૬૫૯૭૩ બોટલો (૧૬૦૭ પેટી) તથા બિયર ટીન ૨૧૬ (૯ પેટી) મળી કુલ રૂ. ૯૩ લાખની કિંમતનો દારૂ-બિયરનો જથ્થો ઝડપી લીધો હતો અને નરેશ ઉર્ફે પિન્ટુ અમરદાસ (રહે. મુળ રાજસ્થાન હાલ શિહોરમાં જયેશ મકવાણાની સાથે)ને ઝડપી લીધો હતો.

જ્યારે મુખ્ય આરોપી જયેશ ભાણજીભાઈ મકવાણા તથા અશોક હિરાભાઈ મારવાડી (રહે. નડીયાદ) નાસી છૂટયા હતા.

મસમોટો દારૂ-બિયરનો જથ્થો ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર જાગી હતી અને બુટલેગરોમાં ફફડાટ ફેલાય ગયો હતો.

પોલીસને દારૂની બોટલોની ગણતરી કરવામાં ૪ કલાકથી વધુ સમય લાગ્યો હતો અને ચાર આઈસર ગાડી ભાડે કરી દારૂ-બિયરનો જથ્થો પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા જ ભાવનગરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ શિહોર દોડી ગયા હતા.

આ સફળ કામગીરીમાં એસ.ઓ.જી. પોલીસના પી.આઈ. ડી.ડી. પરમાર તથા સ્ટાફના નીતિનભાઈ પટાણી, હરદેવભાઈ લઘધીરભાઈ તથા સિહોરના પો.સ.ઈ. રીઝવી તથા સ્ટાફ જોડાયો હતો. પોલીસે ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુન્હો નોંધી નાસી છુટેલા બે શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

(11:58 am IST)