Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

અમો કોડીનાર નગરપાલીકાનાં પ્રમુખ બનશું તેનો કયારેય સપનામાં ય વિચાર નહોતો કર્યોઃ ફાતમાબેન

દેશનાં વડાપ્રધાન પણ 'ચા' વેંચીને વડાપ્રધાન બન્યા, : જયારે અમે ચા વેંચતા પાલીકા પ્રમુખ, આવુ ભારત દેશમાં જ શકય! ભાજપે મુસ્લીમ સમાજને પ્રમુખપદ આપી-મુસ્લીમ : સમાજને દેશની મુખ્ય રાજકીય પ્રવાહમાં ભેળવી અનખી મિશાલ કાયમ કરી છેઃ રફીકભાઇ જુણેજા ચા વાળા દૂધમાં સાકર ભળે તેમ કોડીનારનાં વિકાસ માટે સર્વ સમાજ માટે એક થઇ પૂર્વ સાંસદ દિનુભાઇ સોલંકીનાં વિકાસનાં કાર્યોમાં કદમથી કદમ મિલાવી અગ્રેસર રહેશું: ફાતમાબેન જુણેજા

કોડીનાર તા. ર૬ :.. સંઘર્ષનાં દિવસોમાં ઉના ઝાપા વિસ્તારમાં ચા ની લારી નાખી ગ્રીન ટી નાં નામે ચા વેંચી સફળતા હાંસલ કરી પ્રમુખપદ સુધી પહોંચ્યાની સંઘર્ષ પુર્ણ સફર કરનારા રફીકભાઇ જુણેજા અને તેમની પત્નીને તેઓ કોડીનાર નગરપાલીકાનાં પ્રમુખ બનશે તેનો કયારેય સપનામાં ય વિચાર નહોતો કર્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું. સતત પાંચ-પાંચ ટર્મથી પાલીકાનાં સભ્ય તરીકે ચૂંટાયા બાદ તેમને તેમની ધગશ અને કાર્યશૈલી અને પાર્ટીના વફાદાર સૈન્ય તરીકે પાલીકા પ્રમુખ પદનું  ઇનામ મળતાં આ તકે નવ નિયુકત પ્રમુખ ફાતમાબેન અને તેમના પતિ રફીકભાઇ જુણેજાએ જણાવ્યું હતું કે મુસ્લીમ સમાજમાંથી અમોને આ મોભાનું સ્થાન મળતાં જેમ દૂધમાં સાકર ભળે તેમ કોડીનારનાં વિકાસ માટે સર્વ સમાજને સાથે લઇ પુર્વ સાંસદ દિનુભાઇ સોલંકીનાં વિકાસનાં કાર્યોમાં કદમથી કદમ મિલાવી અગ્રેસર રહેશું.

એક ચા વેચનારા સામાન્ય માણસને પ્રમુખપદે બેસાડવા અંગે જણાવ્યું હતું કે ચા વાળો વડાપ્રધાન અને પાલીકા પ્રમુખ બને તે માત્ર ભારત દેશમાં જ શકય હોવાનું જણાવી ભાજપે મુસ્લીમ સમાજને આ પદ ફાળવી મુસ્લીમોને દેશની મુખ્ય ધારામાં ભેળવવા જે પહેલ કરી છે, સમગ્ર દેશમાં ઉદાહરણ બની રહેવાની આશા વ્યકત કરી હતી.

પ્રમુખપદનું સ્થાન ધારણ કર્યા બાદ રફીકભાઇ જુણેજાએ પોતાનો વર્ષો જૂનો ચા નો ધંધો કે જે હાલ તેમનાં ભત્રીજા સંભાળી રહ્યા છે ત્યાં ચા ની લારી એ જઇ ચા બનાવી પાલીકાના પ્રમુખ અને ઉપપ્રમુખ શિવાભાઇ સોલંકી સહિત આગેવાનો - પત્રકારો ને પોતાનાં હાથે ચા પીવડાવી ખુશી વ્યકત કરી હતી.

રફીકભાઇ જુણેજા અને તેમની પત્ની સતત પ મી ટર્મમાં ચૂંટાયા હોવા ઉપરાંત રફીકભાઇ જુણેજા, જુણેજા જમાતનાં પ્રમુખ, નઇ મસ્જીદનાં મુતવલ્લી પ્રમુખ સહિત અનેક  સામાજીક અને સેવાકીય કાર્યોમાં આગળ રહેતા હોય હિન્દુ-મુસ્લીમ સમાજમાં તેમણે અનેરૂ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. (પ-૧૧)

(11:57 am IST)