Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

મોટી પાનેલીમાં મગફળીનાં વેચાણના પૈસા સમયસર ન મળતા ખેડૂતો હેરાન

પાનેલી મોટી, તા. ૨૬ :. ચાલુ સાલ સૌરાષ્ટ્રમાં મગફળીનું ખૂબ જ મોટા પ્રમાણમાં ઉત્પાદન થયેલ છે. ગુજરાત સરકારે ટેકાના ભાવથી ખરીદ કેન્દ્રોથી કરેલ. જેમાં ગુજકેટ વતી મોટી પાનેલી ખાતે ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ હતું. જેમા સહકારી મંડળી દ્વારા ખરીદી કરવામાં આવેલ. શરૂઆતમાં મગફળીના પેમેન્ટ સમયસર મળતા હતા. છેલ્લા અઢી માસ થયા મગફળીના ખેડૂતોના પેમેન્ટ મળતા નથી. જેથી કરી ખેડૂતો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયેલ છે. નાના ખેડૂતોને જીવન જીવવુ કઠીન થઈ ગયુ છે. આ અંગે સહકારી મંડળીના સત્તાધીશોએ રૂબરૂ અમદાવાદ જઈને તથા અવારનવાર ટેલીફોનીક રજુઆત કરેલ છે છતા આજ દિવસ સુધી મગફળીના પેમેન્ટ મળતા નથી.

સહકારી મંડળીમાં રોજ અનેક ખેડૂતો આવે છે પેમેન્ટ ન મળવાથી નારાજ થઈને ઉગ્રરોષ કાઢીને જતા રહે છે. પેમેન્ટ બાબતે અહીંના સરપંચશ્રી તથા ઉપસરપંચશ્રીએ સંસદ સભ્ય, ધારાસભ્ય, કલેકટરશ્રી તથા મામલતદારશ્રીને પેમેન્ટ ચુકવવા રજુઆત કરેલ છે. તેમજ ૧૦ દિવસમાં પેમેન્ટ ચુકવવામાં નહી આવે તો પાનેલી મોટી ગામ બંધ, રસ્તા રોકો આંદોલન તેમજ સહકારી મંડળીને પણ બંધ જેવા કાર્યક્રમો આપવાની ફરજ પડશે. ગઈ સાલનો કપાસનો પાકવીમો ચુકવવા પણ રજુઆત કરેલ છે.(૨-૨૪)

(11:56 am IST)