Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ભચાઉ-ભૂજ વચ્ચે ગઇકાલે સાંજે ૭ સેકન્ડ અને રાજકોટ-મોરબીમાં ૩થી ૪ સેકન્ડ ધરતી ધ્રુજી

રાજકોટ-ભુજ તા.૨૬: ગઇકાલે સાંજના સમયે ભચાઉ-ભુજ વચ્ચે ૪.૧ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

આ ભૂકંપનો અનુભવ રાજકોટના અમુક વિસ્તારોમાં થયો હતો અને ૩ થી ૪ સેકન્ડ ધ્રુજારી અનુભવાઇ હોવાનુ જાણવા મળ્યુ છે.

આ ભૂકંપનો અનુભવ મોરબીના પણ જુદા-જુદા વિસ્તારોમાં થયાનુ જાણવા મળ્યુ છે.

ગઇકાલે રવિવારની રજાની સાંજે ફરી એકવાર ભૂકંપે કચ્છી માડુઓમાં ગભરાટ સજર્યો હતો. સાંજે ૪ વાગીને ૩૬ મીનીટે આવેલા ભૂકંપના આંચકાએ ૪.૧ની તીવ્રતાના કારણે ધ્રુજારી વધુ હોઇ લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ૭ સેકન્ડ સુધી ચાલેલી આ ધ્રુજારીએ ભય સર્જ્યો હતો.

બહુ માળી મકાનોમાં રહેતા લોકો રસ્તા ઉપર દોડી આવ્યા હતા. આંચકોની સાથે ભૂગર્ભના અવાજે લોકોમાં ડર સર્જ્યો હતો. ભચાઉ નજીક કેન્દ્ર બિંદુ ધરાવતા ભૂકંપના આ આંચકાનુ કારણ વાગડ ફોલ્ટ હોવાનું ભુસ્તરશાસ્ત્રીઓ માની રહ્યા છે.

ગત ૧૬ મી જાન્યુઆરીએ ખાવડા નજીક કેન્દ્રબિંદુ ધરાવતા આંચકાએ કચ્છને ધણધણાવ્યુ હતુ ૪૦ દિવસ બાદ પશ્ચિમ કચ્છ પછી હવે પૂર્વ કચ્છમા આવેલા ૪.૧ના આંચકાએ લોકોમાં ભૂકંપના ભયનેે પુર્નજીવીત કર્યો છે.(૧.૧૨)

(11:49 am IST)