Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

વાંકાનેર નજીક પતાળીયા પુલ નવો કયારે બનશે

દરરોજ હજારો વાહન ચાલકોને ભારે મુશ્કેલી

વાંકાનેર તા.ર૬ : વાંકાનેરથી રાજકોટ તરફ જતા રસ્તા વચ્ચે આવેલા પતાળીયા પુલ કે જે બેઠો પુલ હતો અને દર ચોમાસે પતાળીયા નદીમાં વધુ પાણી આવ્યે ત્યાંથી લોકો ચાલી શકતા નથી કે વાહનો પસાર થઇ શકતા ન હોવાથી આ પુલ ઉંચો-મોટો બનાવવાની ઘણા સમયની માંગણીને અનુસંધાને આ પુલ નવો બનાવવા તા.ર૩-ર-૧૮થી કલેકટરશ્રી મોરબીના આદેશથી કામગીરી શરૂ થયેલ છે.

જાહેરનામુ પ્રસિધ્ધ કરાઇને જુનો પુલ તોડવાનુ કામ શરૂ થયેલ છે. જો કે આ નવો પુલ કયારે બનશે ? તેની જાણ લોકોને થઇ શકી નથી. સતત ટ્રાફીકથી ધમધમતા રસ્તાને હાલ બંધ કરી દેવાયેલ છે. આ રાજકોટ તરફ જતા રસ્તા ઉપરથી રાજકોટ-અમદાવાદ-માટેલ તરફનો રોડ હોઇ નિત્ય હજારો વાહનોની આવક-જાવક અહીથી જ થતી હતી. મામલતદાર કચેરી-ન્યાયાલય-દોશી કોલેજ, કે.કે.સ્કુલ તથા વિદ્યાભારતી સ્કુલ, આંખ હોસ્પિટલ, એસ.ટી. ડેપો જવા-આવવા આ જ મુખ્ય માર્ગે છે. આ રસ્તો બંધ થતા ઉકત સ્થળોએ પહોંચવા પ્રતાપ રોડ પરથી જવુ પડે જે પાલિકાનો ગાડા માર્ગ છે ત્યાંથી પસાર થતા વાહન ધારકોનો ઘણો સમય વ્યય થવા ઉપરાંત ભારે ટ્રાફિકને કારણે ટ્રાફીકજામની ફરિયાદો ઉઠવા પામી છે.

પુલ બનાવવા અર્થે રસ્તો મહિનાઓ સુધી બંધ કરી દેવા અંગે કલેકટરશ્રીએ તપાસ કરી છે ? કે કોઇના સુચનો લીધા છે કે કેમ ? આ અંગે શહેરભરમાં ચર્ચાઓ થઇ રહી છે.

શહેરભરના મુખ્ય રસ્તાઓ જે સીંગલ રોડ હાલ ખાબડ-ધાબડ સ્થિતિમાં હોઇ, રાજકોટ હાઇવે, મોરબી-અમદાવાદ-માટેલ જવા આ રસ્તાઓ પર હવે ટ્રાફીકજામ જોવા મળે છે. હવે ફરી આ પુલ બનાવવા અર્થે રસ્તો બંધ કરાતા ટ્રાફીક સમસ્યા વિકરાળ સ્વરૂપ લઇ શકે છે.(૩-૧)

(9:52 am IST)