Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

મોરબીનો પીપળી રોડ ફોરલેન બનશે, નટરાજ ફાટક અને મહેન્દ્રનગર ચોકડીએ ફ્લાયઓવર કામો કરાશે.

મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ રાજકોટ સર્કીટ હાઉસ ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી.

રાજયના પંચાયત મંત્રી અને મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ મોરબીના માર્ગ અને મકાન વિભાગના સંબંધિત અધિકારીઓ સાથે મોરબી-માળિયા વિસ્તારના બિસ્માર રસ્તાનું કામ તાત્કાલિક ચાલુ થાય તેમજ અનેકવિધ નવા વિકાસ કામો માટે રાજકોટના સરકીટ હાઉસ ખાતે તાકિદની સમિક્ષા બેઠક યોજી હતી.
આ બેઠકમાં રસ્તાની કામગીરી સાથે સંકળાયેલા નાયબ કાર્યપાલક ઇજનેર, કાર્યપાલક ઇજનેર, અધિક્ષક ઇજનેર, નાયબ કાર્યપાલક ઉપસ્થિત રહયા હતા. જેમાં મોરબી-પીપળી-જેતપર-અણીયારી રોડનું સત્વરે સમાર કામ શરૂ થઇ ગયાની જાણકારી મંત્રીએ મેળવી હતી. તેમજ મોરબી-પીપળી-જેતપર-અણીયારીનો બિસમાર રોડ મોટરેબલ- વાહન વ્યવહારની સાનુકુળતા માટે પેચવર્ક  અને પટ્ટા કરવાની કામગીરી શરૂ થઇ ચૂકી છે.  તેમજ આ માર્ગ રૂ. ૧૧૮.૦૯ કરોડના ખર્ચે ચારમાર્ગીય રસ્તો બનાવવા ટેન્ડર પ્રક્રિયા સત્વરે હાથ ધરવાની તાકિદ કરી હતી
ઉપરાંત ટેન્ડર પ્રક્રિયા હેઠળ કેટલાક કામો તાકિદે લેવામાં આવ્યા છે. જેમાં મોરબીના નટરાજ  ફાટક ઉપર રૂ.૮૦ કરોડના ખર્ચે ઓવર બ્રીજ તેમજ મહેન્દ્રનગર ચોકડી પાસે ફલાયઓવરનું કામ પણ રૂ.૮૦ કરોડના ખર્ચે કરાશે. જે માટેની ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ થઇ ગઇ હોવાનું મંત્રીએ જણાવ્યુ હતું.  આ ઉપરાંત રૂ.૨૫ કરોડના ખર્ચે સ્ટાફ કવાટર્સ પણ બનાવાશે. તેમજ મોરબીને જનતાને નવી કોર્ટ પણ રૂ. ૪૦ કરોડના ખર્ચે મળી રહે તે માટે વિભાગમાંથી વિવિધ મંજૂરીઓ અને વિવિધ વિભાગમાંથી ફોલોઅપ પણ મેળવવામાં આવી રહયુ છે તેમ મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યુ હતું.

(12:01 pm IST)