Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

ભેસાણના તત્કાલીન પીએસઆઇ અને વાંકાનેર સીપીઆઇ બી.પી. સોનારાને ત્રણ વર્ષની સજા.

યુવાનનું મોં કાળું કરી સરઘસ કાઢવાના ગુન્હામાં નીચલી કોર્ટે ફટકારેલી સજાને સેસન્સ કોર્ટે યથાવત રાખી, અન્ય 3 પોલીસ કર્મીઓને પણ એક-એક વર્ષની સજા



ફોટો sonara
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના તત્કાલીન પીએસઆઇ અને હાલ વાંકાનેર સર્કલ પીઆઇ તરીકે ફરજ બજાવતા બી પી. સોનારા કાયદાકીય સંકજામાં આવી ગયા છે. જેમાં ભેસાણમાં યુવાનનું મોં કાળું કરી ટકો કરી જાહેરમાં સરઘસ કાઢવાના ગુન્હામાં ત્રણ વર્ષ પહેલા નીચલી કોર્ટે બી.પી. સોનારાને ત્રણ વર્ષની અને અન્ય ત્રણ પોલીસ કર્મીઓને એક-એક વર્ષની સજા ફટકારી હતી. આ કેસની વિસાવદરની ઉપલી કોર્ટમાં અપીલ થતા આ સેંસન્સ કોર્ટે નીચલી કોર્ટનો ચૂકાદો યથાવત રાખ્યો છે. અને બી.પી. સોનારા સહિતના ત્રણેય પોલીસ કર્મીઓની સજા કાયમ રાખી છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હાલ વાંકાનેર સર્કલ પીઆઇ તરીકે ફરજ બજાવતા બી.પી. સોનારા અગાઉ જૂનાગઢ જિલ્લાના ભેસાણમાં પીએસઆઇ તરીકે ચાર્જમાં હતા. તે કાર્યકાળ દરમિયાન બી.પી સોનારા તેમજ ત્રણ પોલીસ કર્મી વિરુદ્ધ એક યુવાનનું મોં કાળું કરી માથે ટકો કરી જાહેરમાં સરઘસ કાઢવાના ગુન્હાની ભેસાણ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ થઈ હતી. અને ત્રણ વર્ષ પહેલાં ભેસાણની નીચલી કોર્ટે આ કેસમાં દોષિત ઠેરવી બી.પી. સોનારાને ત્રણ વર્ષની સજા અને અન્ય ત્રણ પોલીસ કર્મીઓને એક-એક વર્ષની સજા ફટકારી હતી.આથી બી.પી.સોનારાએ ચુકાદાને વિસાવદરની ઉપલી કોર્ટ એટલે સેંસન્સ કોર્ટમાં પડકાર્યો હતો.
દરમિયાન વિસાવદરની ઉપલી કોર્ટ એટલે સેંસન્સ કોર્ટમાં આ કેસ ચાલી જતા કોર્ટે નીચલી કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો હતો અને નીચલી કોર્ટના ચુકાદા મુજબ બી.પી. સોનારાને ત્રણ વર્ષની કેદની સજા અને અન્ય ત્રણ પોલીસ કર્મીઓને એક એક વર્ષની સજાને કાયમ રાખી છે. જો કે હાલ બી.પી. સોનારા વાંકાનેર સર્કલ પી.આઈ તરીકે ફરજ બજાવે છે. કડક પોલીસ અધિકારી તરીકે છાપ ધરાવતા પીઆઇ બી.પી. સોનારાને જુના કેસમાં ત્રણ વર્ષની સજા પડતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
જો કે હાલમાં ત્રણેય આરોપીઓએ વડી અદાલતમાં જવા હુકમ મોકૂફ રાખવા અરજી કરતા નામદાર વિસાવદર સેસન્સ કોર્ટ દ્વારા દરેક આરોપીઓને રૂપિયા 15 હજારના જામીન આપ્યેથી 30 દિવસના વચગાળાના જામીન મંજુર કર્યા છે.આ કેસમાં સરકાર પક્ષે વિદ્વાન એડી.પબ્લિક પ્રોસિક્યુટર વી.એન.માઢક રોકાયા હતા.

(11:57 am IST)