Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

ડુંગરપુર ગામે RFO અને ૩ શખ્સો વચ્ચે બબાલ બાદ એસ.ટી.ની બે બસોમાં તોડફોડ

છુટ્ટા કરી દીધેલા બે કર્મચારીઓએ બોલેરોનો પીછો કરી મોબાઇલમાં શુટીંગ ઉતાર્યુ અને રિવોલ્વર બતાવી ફરજમાં રૂકાવટ કરેલ : બીજી તરફ એક શખ્સને વનવિભાગે ટૂરિસ્ટ થાણાએ ઉઠાવી જઇ માર મારેલઃ બંને ઘટના બાદ દલિતોએ જુનાગઢમાં ચક્કાજામ કર્યોઃ સામસામે ફરિયાદ

જૂનાગઢ તા. ૨૫ : જુનાગઢના ડુંગરપુર ગામે આરએફઓ અને ૩ શખ્સો વચ્ચે બબાલ થઇ હતી. આ બનાવના પગલે જુનાગઢના બીલખા રોડ પર એકત્ર થયેલા લોકોએ એસટીની બે બસનાં કાચની તોડફોડ કરી હતી.

આ બનાવમાં તાલુકા પોલીસમાં સામસામી ફરીયાદ થઇ હતી. સાંજની આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

આ બનાવની વિગતો એવી છે કે, વન વિભાગના આર.એફ.ઓ. જગદીશ અરજણભાઇ મ્યાત્રા તથા તેમની સાથે જંગલખાતામાં ફરજ બજાવતા તેમના પત્ની ગઇકાલે સાંજે બોલેરો કારમાં ડુંગરપુર જતા હતા.

ચારે જુનાગઢના આંબેડકરનગરમાં રહેતા વિપુલ વાળ, કિશોર મહિડા સહિતના શખ્સોએ મોટરસાયકલ પર દંપતીની બોલેરોનો પીછો કરી મોબાઇલમાં શુટીંગ ઉતારેલ અને અમોને છુટા કેમ કરી દીધા તેમ જણાવી ગાળો કાઢી હતી.

આ બનાવનાં પગલે આરએફઓ મ્યાત્રા તેમના પત્ની સાથે થાણા પર જતા રહ્યા હતા. જ્યાં આ શખ્સોએ જગદીશભાઇને રિવોલ્વર બતાવી અને ફરજમાં રૂકાવટ કરી હતી.

બીજી તરફ જુનાગઢના આંબેડકરનગરના દલિત પ્રફુલ દુધાભાઇ મહિડા તથા તેનો ભાઇ કિશોર અને વિપુલ ગઇકાલે સાંજે ડુંગરપુર ગામે બાઇક પર મચ્છી ખરીદવા ગયા હતા.

જ્યાં આરએફઓ જે.એ.મ્યાત્રા, વન વિભાગના કછોટ, ૩ અજાણ્યા શખ્સો અને એક મહિલાએ બોલેરો અને અન્ય એક વાહનમાં પહોંચ્યા હતા અને કિશોર મહિડાને ઉઠાવી જઇ ટુરીસ્ટ થાણા પર લઇ ગયા હતા જ્યાં તેને માર મારવામાં આવેલ.

દલિત યુવાનને વન વિભાગનો કાફલો ઉઠાવી ગયો હોવાની જાણ થતાં જુનાગઢમાં આંબેડકરનગર પાસે બીલખા રોડ પર ટોળાએ એકત્ર થઇ ચક્કાજામ કર્યો હતો અને જીજે૧૮વાય-૯૮૬૭ નંબરની આંકોલવાડી - ઉપલેટા રૂટની એસ.ટી. બસ તેમજ જીજે૧૮વાય-૭૫૬૪ નંબરની જેતપુર - વિસાવદર - જુનાગઢ રૂટની બસના કાચની તોડફોડ કરી હતી. જોકે સદ્નસીબે કોઇને ઇજા થઇ ન હતી.

ડુંગરપુરની માથાકુટ અંગે આરએફઓ મ્યાત્રા અને પ્રફુલ મહિડાએ સામસામી ફરીયાદ કરતાં તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

(3:30 pm IST)