Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

પહેલી વખત રાત્રીના સમયે 450 કિ.મી.નું અંતર કાપીને કચ્‍છથી આવેલ ગૌમાતા માટે દ્વારકાધીશ મંદિરના દ્વાર ખોલાયા

લમ્‍પી વાયરસમાંથી મુક્‍તિ અપાવવા પશુપાલકે માનતા રાખી હતી

દ્વારકાઃ લમ્‍પી રોગમાંથી મુક્‍તિ થાય તો ગૌમાતાને દ્વારકાધીશ ભગવાનના દર્શને લઇ જવાની માનતા કચ્‍છના પશુપાલકે પુરી કરી છે.

છેલ્લા કેટલાક સમયથી લમ્પી નામના વાયરસે ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો હતો. લમ્પી વાયરસે અનેક ગાયોનો જીવ લીધો છે. થોડા સમય પહેલા એક બાદ એક પશુઓ મોતને ભેટતા જોવા મળી રહ્યા હતા. જેથી પશુપાલકો ભારે ચિંતામાં મૂકાયા હતા. આવા સમયે કચ્છના એક પશુપાલકની 25 ગાયો લમ્પી રોગની ઝપેટમાં આવી ગઈ હતી. તે સમયે પશુપાલકે બધુ દ્વારકાધીશ પર છોડી એક માનતા માની હતી. જે પુરી થતા ગઈકાલ રાત્રે દ્વારકામાં કંઈક એવું થયું જે કદાચ જ આજ સુધી થયું હશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, કચ્છના પશુપાલક મહાદેવ દેસાઈને ત્યાં 25 ગાયો છે. જે થોડા સમય પહેલા લમ્પી વાયરસથી પીડાઈ રહી હતી. બઘી જ ગાયો લમ્પી વાયરસની ઝપેટમાં આવી જતા પશુપાલક મહાદેવભાઈ ચિંતમાં મૂકાઈ ગયા હતા. જો કે, મહાદેવભાઈએ ભગવાન પર ભરોસો રાખી દ્વારકાની એક માનતા માની હતી. તેમણે માનતા માની હતી કે, ઠાકોરજી મારી ગાયોને લમ્પી રોગમાંથી બચાવી લેજે, હું એમને પગપાળા લાવીને તારા દર્શન કરવા લઈ આવીશ.

ભગવાન પર ભરોસો રાખીને માનતા રાખતાના થોડાક સમય બાદ મહાદેવભાઈ દેસાઈની તમામ ગાયો રોગમાંથી મુક્ત થઈ ગઈ હતી. જેથી મહાદેવભાઈએ પોતાની માનતા પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, મહાદેવભાઈ પાસે સૌથી મોટો પડકાર ભક્તોથી ભરેલા મંદિરમાં ગાયોને કેવી રીતે દર્શન કરાવશે તે હતો. મહાદેવભાઈની આસ્થા જોતા આ કામગીરીમાં વહીવટી તંત્ર પણ સામેલ થયા હતા.

પોતાની માનતા પૂરી કરવા માટે માવજીભાઈ 25 ગાય અને 5 ગોવાળ સાથે 17 દિવસનું અંતર કાપીને દ્વારકા મંદિરે પહોંચ્યા હતા. આ ગાયો હાઈવે પર ચાલીને દ્વારકા મંદિરે 450 કિલોમિટર કાપી પહોંચી હતી. દ્વારકાધીશના મંદિરના દ્વાર રાત્રે 09:30ની આસપાસ બંધ થઈ જતા હોય જે બાદ તે સવારે વહેલા 05:00 વાગે જ ખૂલતા હોય છે. પરંતુ ગઈકાલે પહેલીવાર ગાયો માટે મધરાત્રે મંદિરનાં દ્વાર ખોલવામાં આવ્યાં હતા. 450 કિમી પગપાળા કરીને આવેલી 25 ગાયે મંદિરની અંદર જઈ ભગવાન દ્વરકાધીશનાં દર્શન કર્યાં હતાં.

ભગવાન દ્વારકાધીશને ગાયો ખૂબ પ્રિય છે. તેઓ હંમેશા ગાયો વચ્ચે જ જોવા મળ્યા છે. ત્યારે ગઈકાલે રાત્રે દ્વારકામાં બનેલી આ ઘટનાએ શ્રીકૃષ્ણ અને ગાય માતા વચ્ચેના સંબંઘની યાદ અપાવી દીધી હતી. એટલું જ નહિ લોકોએ આ સુંદર નજારાને પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી.

Video Link: https://twitter.com/i/status/1595724417996578817

(6:01 pm IST)