Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

દેવભૂમિ દ્વારકા ડ્રગ્સ કાંડમાં સલાયામાંથી ઝડપાયેલા કરોડના ડ્રગ્સ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓ જેલ હવાલે

ડ્રગ્સ કેસમાં ૭ આરોપીઓ પૈકી ૫ આરોપીઓને પહેલા જેલ હવાલે કરવામાં આવ્યા હતા : બાકીના બે આરોપીઓના આજરોજ ૫ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા જેલમાં મોકલી આપ્યા : અત્યાર સુધીમાં કુલ ૭ આરોપીઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા,તા. ૨૫ : ૧૦ નવેમ્બરના રોજ આરાધના ધામ પાસેથી મહારાષ્ટ્રના સિકંદર ઘોસી નામના આરોપી પાસેથી ૧૭ કિલોગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું અને પોલીસે તપાસ હાથ ધરી હતી.

પોલીસ દ્વારા સિકંદર દ્યોસી પુછપરછ કરતા અન્ય બે શખ્સો નામ ખુલ્યા બાદ પોલીસે સલાયાના સલીમ કારા અને અલી કારાના રહેણાંક ઘરે ૪૫ કિલોગ્રામ ડ્રગ્સ સાથે બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

૧૧ નવેમ્બરના રોજ પોલીસ દ્વારા સિકંદર દ્યોસી તથા સલીમ કારા અને અલી કારા ને કોર્ટમાં રજૂ કરતા ૯ દિવસનાં રિમાન્ડ મેળવ્યા હતા.

સિકંદર ઘોસી તથા સલીમ કારા અને અલી કારાને પોલીસ રિમાન્ડ પર લેતાં ૧૨ નવેમ્બરના રોજ સલાયાથી સલીમ ઉંમર જુસબ જશરાયા અને ઈરફાન ઉંમર જુસબ જશરાયા ને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી.

૧૩ નવેમ્બરના રોજ પોલીસે સલીમ ઉંમર જુસબ જશરાયા અને ઈરફાન ઉંમર જુસબ જશરાયા ને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટ દ્વારા ૭ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતાં.

ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા પાંચેય આરોપીઓને ૧૪ નવેમ્બર થી ૧૮ નવેમ્બર સુધી પુછપરછ કરતા સલાયા ના ઓસમાણભાઈ આમદભાઈ સેતા અને દિલ્હી થી નાઈજીરીયન ચીજીઓકે અમોસ પૌલ ન્વગ્બરા નામના શખ્સની ધરપકડ કરીને ૧૯ નવેમ્બરના રોજ પોલીસે બંને આરોપીને કોર્ટમાં રજુ કર્યા હતાં અને કોર્ટ દ્વારા ૫ દિવસના રિમાન્ડ આપ્યા હતા.

પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ૩૧૫ કરોડનું ડ્રગ્સ પાકિસ્તાન થી સલાયા સુધી લાવવામાં આવ્યા હતું અને ડ્રગ્સ કેસમાં અત્યાર સુધી કુલ ૭ આરોપીઓને ઝડપી લીધા બાદ રીમાન્ડ પૂર્ણ થતા તમામ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.

(12:36 pm IST)