Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

મોરબી જીલ્લામાં કોરોનાની ફરી એન્ટ્રી ટ્રાવેલ હિસ્ટ્રીના હોવા છતાં રવાપરના મહિલા સંક્રમિત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૨૫:મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં રાહત જોવા મળ્યા બાદ ફરી કોરોનાની એન્ટ્રી જોવા મળી રહી છે જેમાં રવાપર ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ૩૬ વર્ષના મહિલાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

રવાપર ગ્રામ્ય વિસ્તારના ૩૬ વર્ષના મહિલાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે દર્દીના શંકાસ્પદ લક્ષણો જણાતા સેમ્પલ ખાનગી લેબોરેટરી ખાતે ટેસ્ટીંગમાં મોકલ્યું હતું જે રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે દર્દીએ કોરોના વેકસીનના બંને ડોઝ લીધેલ છે જેને હાલ ગંભીર લક્ષણો કે અસર નથી તો દર્દીની બહારની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી પણ ના હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.

સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ મોકૂફ

રાજય ચૂંટણી પંચ ધ્વારા માહે-ડિસેમ્બર-૨૦૨૧ ના માસમાં યોજાનાર ગ્રામ પંચાયતોની સામાન્ય તથા વિભાજન/મધ્યસ્થ/ચૂંટણીના અનુસંધાને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે,

જિલ્લા સ્વાગત તા.૨૫ના રોજ યોજાનાર કાર્યક્રમ મોકુફ રાખવામાં આવે છે, જેની મોરબી જિલ્લાની જાહેર જનતા તેમજ સંબંધિત અધિકારીઓએ નોંધ લેવા જિલ્લા નિવાસી અધિક કલેકટર મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

નિઃશુલ્ક મલ્ટીસ્પેશિયાલીટી નિદાન કેમ્પ

શેલ્બી હોસ્પિટલ અમદાવાદ, મોરબી સિરામિક એસોસિયેશન અને સ્વામિનારાયણ સંસ્કાર ધામ ટ્રસ્ટ, મોરબીના સહયોગથી મલ્ટીસ્પેશિયાલિટી નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન તા. ૨૮મી નવેમ્બર રવિવારેના રોજ સંસ્કાર ઇમેજીંગ સેન્ટર, જી.આઈ.ડી.સી. રોડ, મોરબી ખાતે કરવામાં આવેલ છે. કેમ્પનો સમય સવારે ૧૦ થી ૧નો છે.

આ કેમ્પમાં દ્યૂંટણ તથા અન્ય સાંધાની તકલીફો, કરોડરજ્જુની તકલીફો, કિડની-પેશાબની તકલીફો, નાક-કાન-ગળા તેમજ પેટ તથા આંતરડાને લગતી તકલીફો માટે સુપરસ્પેશિયાલિસ્ટ તજજ્ઞો હાજર રહેશે. આ કેમ્પમાં સિનિયર જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડો. નિતીન બુધ્ધદેવ, ડો. અંકુર મહિન્દ્રુ, યુરોસર્જન ડો. નીલય જૈન, નેફ્રોલોજિસ્ટ ડો. મયંક શાહ, ઈ.એન.ટી. સ્પેશિયાલિસ્ટ ડો. અવની શાહ, લેપ્રોસ્કોપીક સર્જન ડો. હાર્દિક પટેલ તથા સ્પાઇન સર્જન ડો. અનિલ સોલંકી સેવાઓ આપશે. કેમ્પ માં આવનાર દર્દીએ જૂના રિપોર્ટ ની ફાઇલ લઇને આવવાનું રહેશે.

ડોકટર નિતીન બુધ્ધદેવ એ જણાવ્યું કે શેલ્બી હોસ્પિટલના વિવિધ સુપરસ્પેશ્યલિસ્ટ ડોકટરો જયારે પોતાની નિઃશુલ્ક સેવા માટે મોરબી આવી રહ્યા છે, તો લોકોએ એમની સેવાનો લાભ જરૂરથી લેવો જોઈએ.

વધુ વિગત માટે મો. ૯૫૧૨૦ ૦૧૩૯૨ અથવા ૯૫૭૪૭ ૬૨૫૫૫ પર સંપર્ક કરવો.

કેન્સર નિદાન કેમ્પ યોજાશે

વિસાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ પરિવાર આયોજિત ડી.સી. મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી-૩ નવાડેલા રોડ મોરબીમાં તા. ૦૪-૧૨ ને શનિવારે સાંજે ૪ થી ૭ કલાકે અને તા. ૦૫-૧૨ ને રવિવારે સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન કેન્સર નિદાન કેમ્પ યોજાશે

જે કેમ્પમાં મુંબઈના કેન્સર નિષ્ણાંત સર્જન ડો. વિક્રમભાઈ સંદ્યવી દર્દીઓને તપાસીને યોગ્ય માર્ગદર્શન આપશે નિશુલ્ક કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડિસ્પેન્સરીના મેડીકલ ઓફિસર ડો. હિરેન ચૌહાણ પાસે અગાઉ નોંધાવી જવા જણાવ્યું છે.

૨૭-૨૮ મીએ શારીરિક કસોટી

મોરબી જિલ્લામાં ગ્રામ રક્ષક દળ તથા સાગર રક્ષક દળમાં ખાલી રહેલી સભ્યોની ભરતી કરવા માટે ઉમેદવારી ફોર્મ મુજબના ઉમેદવારોની શારીરિક કસોટી તારીખ ૨૭/૧૧ અને ૨૮/૧૧ ના રોજ મોરબી સીટી એ ડીવીઝન,પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ઠાકર લોજની બાજુમાં,જેલરોડ, મોરબી ખાતે યોજવામાં આવનાર છે. જેથી ઉમેદવારોએ જે પોલીસ સ્ટેશન ખાતેથી ફોર્મ ભરેલ હોય તે પોલીસ સ્ટેશનના નામ સામે જણાવેલ તારીખ અને સમયે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હાજર રહેવાનું રહેશે.

તારીખ ૨૭ના રોજ સવારે ૮ કલાકે માળીયા(મી)પોલીસ સ્ટેશન, ૧૧:૩૦ કલાકે ટંકારા પોલીસ સ્ટેશન તેમજ ૪ કલાકે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ ઉપરાંત તારીખ ૨૮/૧૧ના રોજ સવારે ૮ કલાકે હળવદ પોલીસ સ્ટેશન તેમજ ૩ કલાકે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાજર રહેવા જણાવાયું છે.

(10:58 am IST)