Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

અમરેલી સામાજીક વનીકરણના નિવૃત કર્મચારીની કાયદેસરની આવકની સરખામણીમાં ૮૦.૫૯ ટકા વધુ હોવાનું ખુલ્યુ

એસીબી ટીમ દ્વારા ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૨૫: અમરેલી જિલ્લામાં અગાઉ જુદા જુદા સરકારી કર્મચારીઓ પાસેથી કરોડોની બેનામી સંપતિનો પર્દાફાશ થયા બાદ અમરેલીના સામાજિક વનીકરણ કરોડની બેનામી સંપતિ મળી આવતા એસીબી દ્વારા ગુનો નોંધાયો છે.

આ અંગેની વિગતો આપતા અમરેલી એસીબીના પીઆઇ રમેશભાઇ દવેએ જણાવ્યું કે, સામાજિક વનીકરણ રેન્જમાં વર્ગ-૩ના કર્મચારી ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતા અને હાલમાં વય મર્યાદાના કારણે નિવૃત થયેલા કર્મચારી વાઘજીભાઇ મુળુભાઇ ડવએ પોતાના અને પરિવારના સભ્યોના નામે મોટી રકમની ગેરકાયદેસરની મિલકત એકઠી કરી હોવાની એસીબીેને અરજી મળી હતી જેના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. તેના બેંક ખાતાઓ, તેની અને પરિવારના લોકોની મિલકતો, દસ્તાવેજો વગેરેની માહિતી મેળવવામાં આવી હતી.

તેમની કાયદેસરની આવક ૧ કરોડ ૪૭ લાખ ૪ હજાર ૧૭૩ હતી અને તેની સામે તેમના દ્વારા કુલ રૂ. ૨ કરોડ ૫૧ લાખ ૬૯ હજાર ૮૫૩નું ખર્ચ અને રોકાણ કરવામાં આવ્યુ હતું. જેથી તેમની રૂ. ૧ કરોડ ૪ લાખ ૬૫ હજાર ૬૮૦ની બેનામી સંપતિ મળી હતી. જે તેમની કાયદેસરની આવકની સરખામણીમાં ૮૦.૫૯% વધુ છે. તેમના દ્વારા પોતાના અને આશ્રીતોના બેંક ખાતામાં ૪૫ લાખ ૩૯ હજાર ૮૬૦ની રોકડ જમા કરાવાઇ હતી.

૧૬ લાખ ૪૬ હજાર ૦૭૫ નો અન્ય ખર્ચ કરાયો હતો. કુલ ૧ કરોડ ૪ લાખનો ખર્ચ અને રોકાણ આવક કરતા વધુ થયુ હોવાનું ખુલતા એસીબી દ્વારા ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(2:32 pm IST)