Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

કાર્તિકી પૂનમે પાલિતાણાની જાત્રા થશેઃ પણ સેવા-પૂજા નહીં

ગુજરાતમાં ફેલાયેલી કોરોનાનાં સેકન્ડ વેવને કારણે શત્રુંજય તીર્થના મુખ્ય જિનાલયની ૪૯૦મી વર્ષગાંઠ નિમિત્તે શિખરની ધજાની બોલી પણ મોકૂફ રખાઈ

મુંબઇ, તા.૨૫: કાર્તિકી પૂનમ જૈનો માટે અત્યંત પવિત્ર દિવસ છે. એ દિવસે ચાતુર્માસ દરમ્યાન કરાતી શત્રુંજયની યાત્રા શરૂ થાય છે અને ચાર મહિના બાદ આદેશ્વર દાદાને રૂબરૂ ભેટી શકાય છે, પરંતુ આ વખતે જૈનોએ દાદાનાં દર્શન માત્રથી જ સંતોષ માનવો પડશે. પક્ષાલ, પૂજા, સ્પર્શના નહીં થઈ શકે. એ સંદર્ભે અહીંનો વહીવટ સંભાળતી શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના અમદાવાદની હેડ ઓફિસના જનરલ મેનેજર હર્ષદભાઈ મહેતાએ 'કહ્યું હતું કે 'ભાવિકોએ ગિરિરાજની જાત્રા કરતાં પૂર્વે હાથ-પગ સેનિટાઇઝ કરવાના રહેશે તેમ જ ટેમ્પરેચર-ગનથી તેમનું તાપમાન પણ મપાશે. બધું બરાબર હોય તો જ તેમને જય તળેટીમાં પ્રવેશ અપાશે અને ચડાણ શરૂ કરી શકશે.

દિવાળી બાદ ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે એથી અહીં દરેક ધર્મનાં તીર્થસ્થાનોમાં ભાવિકો માટે આવનારા દિવસોમાં ઉત્સવની ઉજવણી, દર્શન, સેવા-પૂજા માટેની નવી નિયમાવલિ બહાર પડાઈ છે એ અનુસંધાને ૨૪ નવેમ્બરે શેઠ આણંદજી કલ્યાણજી પેઢીએ શત્રુંજય મહાતીર્થની યાત્રા વિશે માર્ગદર્શિકા જાહેર કરી હતી. એ મુજબ ગિરિરાજમાં દર વર્ષે ભગવાનના જન્મ કલ્યાણકના દિવસે યોજાતા અઢાર અભિષેક અને વૈશાખ મહિનામાં આવતી શંત્રુજય તીર્થના મુખ્ય જિનાલયની ૪૯૦મી વર્ષગાંઠના દિવસે થતા ધ્વજારોહણના ચડાવા કારતક સુદ ચૌદસે રવિવારે પાલિતાણામાં થવાના હતા એ પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈને મોકૂફ રખાયા છે તેમ જ ગયા મહિને શરૂ થયેલી અહીંની જય તળેટીની સેવા-પૂજા પણ બંધ કરાશે.

ચોમાસામાં લીલ શેવાળ, વનસ્પતિ તેમ જ જીવજંતુની ઉત્પત્ત્િ। વધુ પ્રમાણમાં થાય છે. આ હિંસાથી બચવા જયણારૂપે જૈન શાસ્ત્રોમાં ચાર મહિના શત્રુંજયની યાત્રા કરવાનો નિષેધ કરાયો છે. કારતક સુદ ચૌદસના ચાતુર્માસની પૂર્ણાહુતિ બાદ પૂર્ણિમાથી અહીંથી યાત્રાનો પુનઃ આરંભ થાય છે. એ ઉપરાંત એ દિવસે દ્રાવિડ અને વારિખ્ખલજી ૧૦ કરોડ મુનિઓ સાથે અહીંથી સિદ્ઘ ગતિને વર્યા હતા એથી આ દિવસે પાલિતાણાની યાત્રાનું મહત્ત્વ અદકેરું છે. નોર્મલ પરિસ્થિતિમાં અહીં આ પૂનમે ૧૦થી ૧૨ હજાર જૈનો જાત્રા કરે છે.

હાલના સંજોગોને જોતાં આ વર્ષે એવી ભીડ નહીં થાય એમ જણાવતાં હર્ષદભાઈ મહેતા આગળ કહે છે, 'એમ છતાં અમે ૬ ફુટના અંતરે સર્કલ બનાવ્યાં છે. જરૂરિયાત મુજબ રેલિંગ ઊભી કરી છે જેથી આવનાર દરેક વ્યકિત યોગ્ય અંતર જાળવે. એ ઉપરાંત અમારા પૂજારી, સફાઈ-કર્મચારી, સુરક્ષા-કર્મચારી દરેકને યાત્રાળુઓ પાસે આ નિયમો પળાવવાની સૂચના આપી છે. મુખ્ય દાદાના દેરાસરમાં તેમ જ નવટૂંક સહિત તમામ ૮૬૩ જિનાલયોમાં સેવા-પૂજા, સ્પર્શના પર પ્રતિબંધ છે. ભકતોએ ફકત દર્શન જ કરવાનાં રહેશે. હા, મુખ્ય જિનાલય રાબેતા મુજબ ખુલ્લું રહેશે, પરંતુ દરેક યાત્રાળુઓએ જિનાલયના સંકુલ તેમ જ ગિરિરાજ ચડતી વખતે સોશ્યલ ડિસ્ટન્સ મેઇન્ટેન કરવાનું રહેશે.'

જૈનોના પ્રથમ તીર્થંકર આદેશ્વર ભગવાન આ ગિરિવર પર પૂર્વે ૯૯ વખત પધાર્યા હતા અને ટોચ પર આવેલા રાયલ વૃક્ષની નીચે દેવોએ રચેલા સમવશરણ પર બેસીને ધર્મદેશના આપી હતી એના પ્રતીક રૂપે જૈનો ગિરિરાજની ૯૯ યાત્રા કરે છે. મોટા ભાગના યાત્રાળુઓ એની શરૂઆત કાર્તિકી પૂનમથી કરતા હોય છે, પણ આ વખતે ૯૯ યાત્રાના મહાઆયોજનની શકયતા દેખાતી નથી.હર્ષદભાઈ મહેતાએ કહ્યું કે 'ધર્મશાળા અને ડોલીવાળાનું સંચાલન પેઢી હસ્તક નથી. ડોલીવાળાનું પોતાનું અસોસિએશન છે એ જ રીતે ધર્મશાળા પણ પ્રાઇવેટ છે. અમે તેઓને કોઈ ફરજ ન પાડી શકીએ. તેઓ પણ ભાવનગરના કલેકટરની સૂચના પ્રમાણે પગલાં ભરશે.

(11:25 am IST)
  • અમદાવાદમાં નવી કોવીદ હોસ્પિટલો શરૂ : અમદાવાદમાં છ નવી કોવિડ હોસ્પિટલો શરૂ કરવામાં આવી છે જે પૈકી ત્રણ હોસ્પિટલોમાં વધારાની બેડ ખાલી હોવાનું અમદાવાદ કોર્પોરેશને જણાવ્યું છે. access_time 9:53 pm IST

  • અમદાવાદમાં 45 નવા કન્ટેન્મેન્ટ ઝોન જાહેર : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદ શહેરમાં 45 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા. access_time 9:54 pm IST

  • ગુજરાતમાં મોટી હલચલ? : ગુજરાતમાંથી ખૂબ જ મોટા સમાચારોનો ટૂંક સમયમાં ધડાકો થવા જઈ રહેલ હોવાનું ‘ન્યુઝ ફર્સ્ટ’ નોધે છે access_time 12:25 pm IST