Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

હરિપ્રસાદ સ્વામીના અસ્થિપુષ્પોનું ગોંડલી નદીમાં વિસર્જન

રાજકોટ  : યોગી ડિવાઇન સોસાયટીના પ્રણેતા વિશ્વવંદનીય પૂજય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનાં દિવ્ય અસ્થિ પુષ્પોને ગોંડલમાં શ્રી અક્ષરમંદિર સ્થિત અક્ષરઘાટથી ગોંડલી નદીમાં વિસર્જિત કરવામાં આવ્યાં છે. સંતો –ભકતોની વિશાળ ઉપસ્થિતિમાં પૂજય પ્રેમસ્વરૂપ સ્વામી અને સંતોએ અસ્થિપુષ્પોને જળપ્રવાહમાં સમર્પિત કર્યાં ત્યારે ભાવવિભોર દ્રશ્ય સર્જાયાં હતાં.  આ પહેલાં હરિધામ-સોખડાથી પૂજય પ્રેમસ્વરૂપ સ્વામીનાં નેતૃત્વમાં સંતો, સાધકો અને ભકતો અસ્થિ વિસર્જન યાત્રા લઈને રાજકોટ પધાર્યા ત્યારે માલીયાસણ નજીક અમદાવાદ રોડ ઉપર અને આત્મીય યુનિવર્સિટી પરિસરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.  ગત શનિવારે બપોરે આ યાત્રા ગોંડલ સ્થિત શ્રી અક્ષરમંદિર પહોંચી હતી.  વિશાળ ભકત સમુદાયે મંદિરની પાછળના ભાગે અક્ષરદ્યાટ પર યાત્રાનું સ્વાગત કર્યું હતું.  શ્રી અક્ષરઘાટ પર ફૂલોની વિશિષ્ટ શોભા કરવામાં આવી હતી તેમજ અસ્થિ વિસર્જન માટે વિશેષ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું હતું.  રાજકોટના વિદ્વાન શાસ્ત્રી શ્રી કૌશિકભાઈ ત્રિવેદીએ શાસ્ત્રોકત વિધિથી અસ્થિપુષ્પોનું પૂજન કરાવ્યું હતું.  વેદોકત ગાન અને સ્વામિનારાયણ મહામંત્રનાં રટણ સાથે પૂજય પ્રેમસ્વરૂપ સ્વામીજીએ અસ્થિપુષ્પોને જળપ્રવાહમાં સમર્પિત કર્યાં હતાં.  પૂજય સંતવલ્લભસ્વામી, પૂજય પ્રબોધજીવન સ્વામી, પૂજય ત્યાગવલ્લભ સ્વામી, પૂજય હરિપ્રકાશ સ્વામી સહિતના વડીલ સંતો તેમની સાથે રહ્યા હતા.રાજકોટમાં દિવ્યાંગ બાળકો માટે સેવારત સ્વૈચ્છીક સંસ્થા 'પ્રયાસ'નાં બાળકોએ ગૌદ્રવ્યમાંથી બનાવેલ એક હજાર કોડિયાંથી અસ્થિ વિસર્જન સમયે મહાઆરતી કરવામાં આવી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે, પરમ પૂજય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનાં અસ્થિપુષ્પોનું વિસર્જન સૌપ્રથમ તા. ૧૮ ઓકટોબરે ઋષિકેશમાં ગંગાજીમાં કરાયું હતું.  ગોંડલની ગોંડલી નદીમાં અસ્થિપુષ્પો વિસર્જિત કરાયા બાદ હવે જુનાગઢના નારાયણધરામાં, ગઢડા ખાતે ઘેલા નદીમાં તેમજ ઝાડેશ્વર ખાતે નર્મદા નદીમાં  અસ્થિપુષ્પોનાં વિસર્જન થશે. કાર્યક્રમનું સંચાલન કરતાં પૂજય ગુણગ્રાહક સ્વામીએ અક્ષરપુરુષોત્ત્।મ સ્વામિનારાયણ પરંપરામાં ગોંડલી નદીનું મહાત્મ્ય સમજાવ્યું હતું અને શ્રી અક્ષરમંદિરનો ઇતિહાસ વર્ણવ્યો હતો. આ પ્રસંગે સાંસદ રમેશભાઈ ધડુક, પૂર્વ કેન્દ્રિય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયા, જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા, ભાજપ અગ્રણી ચેતનભાઈ રામાણી, કોંગ્રેસ અગ્રણી અશોકભાઇ ડાંગર, યોગી ડિવાઇન સોસાયટીના સેક્રેટરી જયંતભાઈ દવે, ઓમદેવસિંહ, કિશોરભાઇ પાંભર, રાજકોટ આત્મીય સમાજના પ્રમુખ કિશોરભાઇ માવદીયા, ડો. સમીર વૈદ્ય, નિરંજનભાઈ ત્રાંબડીયા, આત્મીય યુનિ.ના ડો. જી. ડી. આચાર્ય, ડો. ડી.ડી.વ્યાસ વગેરે અગ્રણીઓ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી હરિભકતો વિશાળસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ત્યાગવલ્લભ સ્વામીનાં માર્ગદર્શન પ્રમાણે ધર્મેશ જીવાણી, પરાગભાઈ સહિતના સ્વયંસેવકો મોટી સંખ્યામાં સેવારત રહ્યા હતા.

(3:37 pm IST)