Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

પાલીતાણામાં કાલભૈરવ દાદાના મંદિરે કાળીચૌદશે મહાયજ્ઞ

૪૦ મણ તલ, ૧૫૦ મણ કાસ્ટ, પ હજાર શ્રીફળ અને ૧૧ કિલો ગુગળની આહુતિ અપાશે : સવારે ધ્વજારોહણ : બપોરે રાજભોગ અને સાંજે મહાઆરતી : 'યજ્ઞ હિન્દુસ્તાન' નો ધર્મપ્રેમીજનોએ લાભ લેવા આચાર્ય શ્રી રમેશભાઇ શુકલ દ્વારા જાહેર અનુરોધ

રાજકોટ તા. ૨૫ : શ્રી ભૈરવદાદાના ભારતના ચાર મોટા મંદિરોમાં કાશી, ઉજજૈન, ઇન્દોર અને પાલીતાણાનો સમાવેશ થાય છે. ત્યારે ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલ શ્રી કાલભૈરવ પીઠ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ કાળી ચૌદશ (કાલરાત્રી) ના મહાયજ્ઞનું આયોજન કરાયુ છે.

આચાર્યશ્રી રમેશભાઇ શુકલે વર્ણવેલી વિગતો મુજબ આ વર્ષનો મહાયજ્ઞ ''યજ્ઞ હિન્દુસ્તાન'' શીર્ષકતળે તા. ૩ ના બુધવારે યોજાશે. સવારે ૬ વાગ્યે રૃદ્રાભિષેક, સવારે ૭ વાગ્યે ધ્વજા આરોહણ, બપોરે ૧૨ વાગ્યે રાજભોગ અને ૬.૩૦ વાગ્યે મહાઆરતી થશે.

સનાતન હિન્દુ ધર્મમમાં ચાર રાત્રીની પુજાનું મહત્વ છે. શિવરાત્રી, નવરાત્રી, મોહરાત્રી અને કાળરાત્રી. કાળરાત્રી એટલે કાળી ચૌદશ. પાંચ કર્મેન્દ્રીય પાંચ જ્ઞાનેન્દ્રીય વગેરે મળી ૧૪ થાય. આ ચઉદને જીત્યા પછી જીવનમાં ઉજાસનો અવસર એટલે દિવાળી. ભગવાન શ્રી રામ ગાદી પર બેસે એટલે નુતન વર્ષ મનાવવામાં આવે.

ત્યારે દિવાળીની પૂર્વ રાત્રી કાળરાત્રીના પાલીતાણા ખાતે કાળભૈરવ પીઠ ખાતે 'યજ્ઞ હિન્દુસ્તાન' શીર્ષકતળે મહાયજ્ઞ યોજવામાં આવેલ છે. ૮ વાગ્યાથી રાત્રીના ૧૨ કલાક સુધી ચાલનાર આ યજ્ઞમાં ૧૫૦ મણ લાકડા (કાસ્ટ), ૨૫ ડબ્બા તેલ, પ હજાર શ્રીફળ, પ હજાર લીંબુ, ૧૧ કિલો ગુગળની સવાલક્ષ આહુતિ અપાશે.

આ યજ્ઞની વિશિષ્ટતા એ છે કે ભારતમાં મોટામાં મોટો કુંડ છે. પદ્દમકુંડને રાજકુંડ પણ કહે છે. જેમાં અગીયાર કમળની પાંખડી આવેલી છે. અગ્નિની શિખા (જવાળા) ૮ ફુટ નિકળે છે.

આ યજ્ઞની વિશેષતા જોઇએ તો તેમાં બેસનાર વ્યકિતએ ખાસ કાળા વસ્ત્રો ધારણ કરવા પડે છે. વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શબરી મંત્રોનો ઉચ્ચાર થાય છે. શ્રી કાલભૈરવ દાદાને નૈવેદ્ય ધરાવવામાં આવે છે. મગજના લાડુ અને લીલુ શ્રીફળ ખાસ ધરાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે શ્રી ભૈરવદાદા એ શિવજીનું પાંચમું સ્વરૃપ છે. આ પાંચમાં અવતારની ભકિત કળીયુગમાં ખાસ ફળદાયી રહે છે.

તા. ૩ ના બુધવારે પાલીતાળા કાળભૈરવ પીઠ ખાતે યોજાયેલ 'યજ્ઞ હિન્દુસ્તાન' માં પધારી દરેક ભકતોએ રાષ્ટ્રયજ્ઞમાં આહુતિનો લાભ લેવા આચાર્યશ્રી રમેશભાઇ શુકલ (મો.૯૪૨૬૪ ૬૮૮૩૬) એ જાહેર અનુરોધ કરેલ છે.

(11:03 am IST)