Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

કચ્છમાં સસ્તા સોનાની લાલચે તેલાંગાણાનો યુવાન ૨૫ લાખમાં મુંડાયો : ઢાબો ચલાવતાં ચલાવતાં પૈસાદાર થવાની લાલચ ભારે પડી

પહેલા સાચુ સોનું આપ્યા બાદ લાલચ જાગી અને છેતરપીંડીનો ભોગ બન્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૨૫: મુન્દ્રા અને કંડલા બંદરના નામે કચ્છમાં સસ્તું સોનું, ચાંદી કે કોમ્પ્યુટર, ઈલેકટ્રીકલ ગેજેટ્સ સસ્તા મેળવવાની લાલચમાં ઠગાઈ કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે. આવા જ એક વધુ એક કિસ્સામાં તેલંગાણાના મેડચલમાં ઢાબો ચલાવનાર યુવાન ૨૫ લાખ રૂપિયામાં મુંડાયો હતો. એક જૂની કહેવત આજે પણ એટલી જ સાચી પડી રહી છે, કે, જયાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. ખરેખર લાલચ એ બુરી બલા છે. ઝડપથી પૈસાદાર થવાની ઈચ્છા મગજની વિચાર શકિત છીનવી લે છે.

જયારે વ્યકિત રૂપિયા ગુમાવે ત્યારે જ તેને ખ્યાલ આવે છે કે, લાલચમાં મુંડાઈ ગયો છું. તેલંગાણાના મેડચલમા ઢાબો ચલાવતાં રાહુલ શંભુ દુબેને તેના મિત્ર કમલેશ ઝા સાથે આવેલ સંજીત પાલ નામના શખ્સે ગુજરાતમાં સસ્તું સોનું મળે છે વાત કરી રૂપિયા કમાઈ લેવાની લાલચ આપી હતી. જેને પગલે રાહુલ તેના અન્ય બે મિત્રો કમલેશ ઝા, સર્વોત્ત્।મ પાંડે સાથે તેમને સસ્તું સોનું આપવાની લાલચ આપનાર સંજિત પાલ સાથે ગાંધીધામ થઈ અંજાર આવ્યો હતો. અહીં અંજારમાં સફેદ કલરની નંબર વગરની કારમાં અલીભાઈ નામનો શખ્સ આવ્યો અને સોનાની વાત કરી એક ટુકડો આપ્યો હતો, જેના પેટે ૧૦ હજાર રૂપિયા લીધા હતા. બાદમાં રાહુલ આ ટુકડો લઈ બજારમાં તપાસ માટે ગયો હતો.

જયાં આ સોનુ સાચું હોવાનું જણાઈ આવતા વિશ્વાસ બેસી ગયો હતો. અલીભાઈ નામના શખ્સે બાદમાં ફોન કરીને રાહુલને કહ્યું કે, મારી પાસે દુબઈથી સોનુ આવે છે. તમને જોઈતું હોય તો ૩૫ થી ૪૦ ટકા ડિસ્કાઉન્ટમાં આપીશ, જેથી ભોગ બનનારને લાલચ જાગી અને ૫.૫૦ લાખ રૂપિયા અલીભાઈને અંજાર બગીચા પાસે આપ્યા હતા. બાદમાં અલીભાઈએ કહ્યું કે, સોનુ જોઈતું હોય તો ૧૦ લાખ રૂપિયા પુરા કરવા પડશે, જેથી ત્રણ મિત્રો પાસેથી ટુકડે ટુકડે રૂપિયા લઈ એચડીએફસી બેંકના ખાતામાં ૪.૫૦ લાખ જમા કરાવ્યા હતા. થોડા દિવસો સુધી ફોન બંધ આવ્યા બાદ અલીભાઈએ કહ્યું કે, હવે સોનુ જોઈતું હોય તો ૨૦ લાખ પુરા કરો, તેનાથી ઓછા રૂપિયામાં માલ નહીં મળે અને ર૦ લાખ પુરા કરશો તો એક કિલો સોનુ મળી જશે. પહેલા સાચું સોનુ મળ્યું હોવાથી ફરિયાદીને વિશ્વાસ આવ્યો અને મિત્રો પાસેથી ઉછીના લઈ અન્ય ૧૦ લાખ રૂપિયા પણ જમા કરાવ્યા હતા.બાદમાં ૭ ઓકટોબરના તે ફરીથી અંજાર આવ્યો ત્યારે અલીએ કહ્યું કે, સોનુ જોઈતું હોય તો હજુ પણ પાંચ લાખ રૂપિયા આપો, જેથી દાગીના ગીરવે મૂકી પાંચ લાખ રૂપિયા અલીભાઈને ચૂકવ્યા હતા. આમ રપ લાખ રૂપિયા ચૂકવ્યા, પરંતુ અલીભાઈએ સોનુ આપતો ન હતો અને તેણે તેના બે સાગરિતો સાથે મુલાકાત કરાવી હતી અને વાયદા આપી સોનુ આપ્યું ન હતું તેમજ પોલીસ કેસ કરશો તો ફરિયાદી સામે રૂપિયા ડબલ કરવાનો ખોટો કેસ ઠોકી દેવાની ધમકી અપાઈ હતી.

ફરિયાદીના રૂપિયાની સાથે આમાં તેના મિત્રોના પણ રૂપિયા ડૂબી ગયા હોવાથી વિચાર-વિમર્શ કર્યા બાદ અંજાર પોલીસમાં અલીભાઈ ઉર્ફે લિયાકતઅલી ઉર્ફે અલી રસીસુલ્લા નોડે (રહે. લુડિયા, તા. ભુજ), સુલેમાન મામદ શેખ (રહે. અંજાર) તથા અલીશા કાસમશા શેખ (રહે. ઢોરી, ભુજ) સામે ગુનો દાખલ કરાયો હતો.

(10:38 am IST)