Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

મોરબીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીની સભા વરરાજા વગરની જાન

હાર્દિક પટેલના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની પર પ્રહાર : મોરબી ખાતે ચૂંટણી પ્રચાર કરતી વખતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ હાર્દિક પટેલને કોંગ્રેસ પાર્ટીના નોકરિયાત ગણાવ્યા હતા

મોરબી,તા.૨૪ : ગુજરાતમાં આઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે હાલ જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. તમામ બેઠક પર ભાજપ અને કૉંગ્રેસના દિગ્ગજો પ્રચારમાં ઉતર્યાં છે. શુક્રવારે સાંજે મોરબીના જેતપર ગામ ખાતે કૉંગ્રેસના સમર્થનમાં જંગી સભા યોજાઈ હતી. રેલીમાં હાર્દિક પટેલે ભાજપ પર ધારદાર પ્રહાર કર્યાં હતાં. સાથે તેમણે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીને પણ જવાબ આપ્યો હતો. મોરબી ખાતે ચૂંટણી પ્રચાર કરતી વખતે સ્મૃતિ ઇરાનીએ હાર્દિક પટેલને કૉંગ્રેસનો નોકરિયાત ગણાવ્યા હતા. હાર્દિકે પોતાની સભામાં સ્મૃતિ ઇરાનીને જવાબ આપ્યો હતો. મોરબીમાં કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ કૉંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલને જીતાડવા ગામે ગામના પ્રશ્નો જાણવા અને તાગ મેળવવા છેલ્લા પાંચ દિવસથી પ્રયાસ કરી રહ્યા છે. શુક્રવારે સાંજે હાર્દિક પટેલે મોરબી શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ કર્યો હતો અને ખેડૂતો તેમજ ગ્રામ્ય વિસ્તારોના પ્રશ્નો જાણ્યા હતા.

ભાજપના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના ગામમાં કૉંગ્રેસને જબરું સમર્થન મળ્યું હોવાનું જોવા મળ્યું હતું. ગામ ખાતે હાર્દિક પટેલને સાંભળવા બે હજારથી વધુ જનમેદની ઉમટી પડી હતી. હાર્દિક પટેલે સભાને સંબોધી ભાજપ અને સ્મૃતિ ઈરાની પર ધારદાર પ્રહારો કર્યાં હતાં. એટલું નહીં ભાજપ દ્વારા ફક્ત વાયદાઓ કર્યા હોવાના આક્ષેપો કરી સ્મૃતિ ઈરાનીની સભાને વરરાજા વગરની જાન ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે સ્મૃતિ ઇરાનીની મોરબી ખાતેની સભા ખુદ બેઠક પરથી ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા ગેરહાજર હતા. જે બાદમાં અને તર્ક-વિતર્ક સર્જાયા હતા. સભામાં સ્મૃતિ ઇરાનીએ હાર્દિક પટેલને કૉંગ્રેસના નોકરિયાત ગણાવ્યા હતા. સ્મૃતિ ઈરાનીને જવાબ આપતા હાર્દિકે જણાવ્યું હતું કે, કૉંગ્રેસ પાર્ટી સારી છે.

નોકરીએ તો રાખે છે. ભાજપની જેમ ગદ્દારોને સ્થાન નથી આપતી. હાર્દિકે પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, ૨૦૧૫માં હતા એવાને એવા રસ્તા છે. સાથે હાર્દિકે જયંતિ પટેલને ૨૫ હજારની લીડથી જીતાડવા માટે લોકોને અપીલ કરી હતી. ભાજપની સભામાં ભાજપના કાર્યકરોના ખિસ્સા કપાઈ ગયા હોવાની વાત કરતા હાર્દિકે રમૂજ કરી હતી કે, ભાજપના લોકો આખા દેશના ખિસ્સા કાતરી ગયા છે, ત્યારે ખિસ્સા કાતરુંનો શું વાક છે? જેતપુર ખાતે મંદિર દર્શન કરીને હાર્દિક પટેલ પ્રચાર માટે લીંબડી જવા રવાના થયા હતા.

(7:32 pm IST)