Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

સામખીયાળી મોરબી ધોરીમાર્ગ પર સુરજબારી નજીક 12 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો

રોંગ સાઈડથી આવતું એક ટ્રેક્ટર અજાણ્યા ટ્રેલર સામે અથડાઈ જતા તેના ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત: અકસ્માત બાદ વાહનોની લાંબી કતાર

કચ્છને સોંરાષ્ટ્ર સાથે જોડતા સામખીયાળી મોરબી ધોરીમાર્ગ પરના સુરજબારી પાસે ફરી એક વખત 12 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. આ દરમિયાન ટ્રાફિક વચ્ચેથી નીકળવા રોંગ સાઈડથી આવતું એક ટ્રેક્ટર અજાણ્યા ટ્રેલર સામે અથડાઈ જતા તેના ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. વહેલી સવારે બનેલા અકસ્માતના કારણે ટ્રાફિકજામમાં વાહનોની કતારોમાં વધારો થયો છે. અહીં ચાલી રહેલા બ્રિજ નિર્માણના કાર્યથી છેલ્લા 17 કલાકથી ટ્રાફિકજામ સર્જાયો છે.

આ ટ્રાફિકજામના કારણે બન્ને તરફના માર્ગે વાહનોની કતારો જોવા મળી રહી છે. કલાકોના જામના પગલે વાહન ચાલકો, મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હાઇવે પેટ્રોલિંગની ટીમ ટ્રાફિક નિયંત્રણમાં જોતરાઇ છે. આ અંગે આધારભૂત સૂત્રો પાસેથી માહિતી મુજબ માળિયાના હરિપર અને સુરજબારી વચ્ચેના બ્રિજનું સમારકામ ચાલુ હોવાથી ટ્રાફિક એક તરફના માર્ગે ડાયવર્ટ કરાતા ગઈકાલ સમી સાંજથી વાહનોની ગતિ ધીમી પડી જતા ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે. જે આજ સવારે આજ માર્ગે સર્જાયેલા ટ્રેક્ટર અકસ્માતના કારણે 12 કિલોમીટર સુધી પહોંચી ગયો છે. અકસ્માતમાં આધેડ વયના ટ્રેક્ટર ચાલકનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે ટ્રેક્ટરને ઠોકર મારનાર અજાણ્યું ટ્રેલર નાસી ગયું છે. અલબત્ત ટ્રાફિક પૂર્વવત કરાવવા સુરજબારી ટોલ ગેટ અને હાઇવે પેટ્રોલિંગ ટીમ કામે લાગી હોવાનું જાણવા મળ્યું છે

(3:57 pm IST)