Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

ર સગાભાઇઓ પાણીમાં ડુબ્યા : એકનું મોત : એકની શોધખોળ

દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના બામણાસા ગામે કરૂણાંતિકા સર્જાતા અરેરાટી

(કૌશલ  સવજાણી દ્વારા) ખંભાળીયા તા. રપ :.. કલ્યાણપુર તાલુકાના બામણાસા ગામે ર સગાભાઇએ પાણીમાં ડૂબી જતા એક યુવાનનો મૃતદેહ સાંપડયો હતો. જયારે એક યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ કલ્યાણપુર તાલુકાના બામણાસા ગામે રહેતા અજીતસિંહ નારૂભા તથા તેમના ભાઇ દશરથસિંહ નારૂભા નામના બે સગા ભાઇઓ આજરોજ સવારે તેમની વાડી નજીક ઢોર ચરાવવા હતા, ત્યારે નજીકમાંથી ચિકકાર પાણી ભરેલી એક નદી પરના ચેક ડેમની પાજ પરથી તેઓ પસાર થઇ રહ્યા હતા ત્યાં તેમના પગ લપસતા તેઓ નદીના પાણીમાં ખાબકયા હતાં.

થોડી જ વારમાં આ બંને યુવાનો પાણીમાં ડૂબવા લાગ્યા હતાં. આ બનાવ બનતા નજીકના રહીશો તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયા હતા અને સ્થાનીક પોલીસને આ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતાં. આના અનુસંધાને કલ્યાણપુરના પીએસઆઇ એફ. બી. ગગનીયા તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને નજીક આવેલી ઘડી કંપનીની રેસ્કયુ ટીમ તથા એનડીઆરએફની ટીમ અને સ્થાનિક તરવૈયાઓની જહેમતથી દશરથસિંહ નારૂભાનો મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો હતો. જયારે નારૂભાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ બનાવની કરૂણતા તો એ છે કે બંને યુવાનોને તરતા પણ આવડતું હતું. પરંતુ ગઇકાલના ભારે વરસાદથી ધસમસતા પાણીમાં તેઓ ડૂબવા લાગ્યા હતા અને દશરથસિંહનો નિષ્પ્રાણ દેહ સાંપડયો હતો. આ બનાવે નાના એવા બામણાસા ગામ સાથે ક્ષત્રીય સમાજમાં ભારે અરેરાટી પ્રસરાવી છે. 

(3:35 pm IST)