Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ને કારણે દેશના ૧૨૦ કરોડથી વધુ લોકો ભયમુકત બન્યા : શ્રી શંકરાનંદજી

ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી તથા ભારતીય શિક્ષણ મંડળના સંયુકત ઉપક્રમે 'રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું અસરકારક અમલીકરણ' વિષયે પરિસંવાદ યોજાયો

જુનાગઢ તા. ૨૫ : ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ તથા ભારતીય શિક્ષણ મંડળ, સૌરાષ્ટ્ર પ્રાંતના સયુંકત ઉપક્રમે યુનિવર્સિટી ખાતે 'રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું અસરકારક અમલીકરણ' (ઈફેકટીવ ઈમ્પલીમેન્ટેશન ઓફ એન.ઈ.પી.) વિષયે માહિતીપ્રદ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બીજરૂપ વકતા અને ભારતીય શિક્ષણ મંડળના સહ સંગઠન મંત્રીશ્રી શંકરાનંદજીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ ને કારણે દેશના ૧૨૦ કરોડથી વધુ લોકો ભયમુકત બન્યા છે. નવી શિક્ષણ નીતિને કારણે સમગ્ર દેશમાં આત્મહત્યાના પ્રમાણમાં પણ ઘટાડો થશે અને સાથે સાથે રોજગારીમાં ઘણો વધારો થશે. કારણ કે એન.ઈ.પી.-૨૦૨૦ માં તમામ કક્ષાએ વિદ્યાર્થી કેન્દ્રમાં રહેશે અને રીસર્ચ બેઝડ, એકટીવીટી બેઝડ તથા ડિબેટ બેઝડ લર્નીગ ઉપર ભાર મુકવામાં આવ્યો છે, જે વિદ્યાર્થીઓની સાચી ક્ષમતાઓને બહાર લાવે છે. અત્યાર સુધીની શિક્ષણ નીતિ માત્ર ગુલામ બનાવનારી અને વિદ્યાર્થીઓની પ્રતિભાને બહાર લાવવામાં અડચણરૂપ હતી તેવું શ્રી શંકરાનંદજીએ જણાવ્યું હતું. અંતમાં તેઓએ 'ન રૂકના, ન થકના, ન ઝૂકના તથા ન બીકના' સૂત્ર આપીને જીંદગીમાં માત્ર લક્ષ્યને જ સામે રાખવાની શીખ વિદ્યાર્થીઓને આપી હતી. તેમની સાથે ગુરૂકુળ પ્રકલ્પના રાષ્ટ્રીય સહ સંગઠન મંત્રી ડો.દીપ કોઈરાલા પણ જોડાયા હતાં અને એન.ઈ.પી.-૨૦૨૦ વિષે માહિતી આપી હતી.

અધ્યક્ષ સ્થાનેથી બોલતા ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢના કુલપતિશ્રી પ્રો.ડો. ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ ને કારણે દેશની સાચી દિશા નક્કી થઈ છે અને સ્કીલ બેઝડ રોજગારીમાં ચોક્કસપણે વધારો થશે. આજનો વિદ્યાર્થી ભવિષ્યમાં જોબ સીકર નહિ, પરંતુ જોબ ગીવર બને તેવી અસંખ્ય બાબતો એન.ઈ.પી.-૨૦૨૦ માં જોવા મળે છે. 'લર્નીંગ ઈઝ જોયફુલ, ટીચિંગ ઈઝ નોટ જોયફુલ' સુત્રને સાર્થક કરતી એન.ઈ.પી.-૨૦૨૦ સાચા અર્થમાં રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરે છે.

કાર્યક્રમની શરૂઆતમાં યુનિવર્સિટીના એન.ઈ.પી.-૨૦૨૦ ના કો ઓર્ડીનેટર ડો.જયસિંહ ઝાલાએ સ્વાગત પ્રવચન કરીને પરીસંવાદની રૂપરેખા આપી હતી. કાર્યક્રમનું સંચાલન ભારતીય શિક્ષણ મંડળના અત્રેની યુનિવર્સિટીના સભ્ય ડો.ઋષિરાજ ઉપાધ્યાયે કર્યું હતું. પરીસંવાદમાં ઈતિહાસ ભવનના અધ્યક્ષ ડો.વિશાલભાઈ જોશી, ડો.રમેશભાઈ ચૌહાણ, સમાજશાસ્ત્ર ભવનના ડો.પરાગ દેવાણી, પ્રા.લલીત પરમાર સહિતના પ્રાધ્યાપકો તથા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

(12:57 pm IST)