Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

કેશોદ શહેર તાવ, શરદી અને ઉધરસના રોગના ભરડામાં આવે એ પહેલા તંત્ર આરોગ્યલક્ષી કાર્ય કરે

શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાઇ જતા મચ્છર-માખીનો ઉપદ્રવ વધી જતાં રોગચાળો ફેલાવાની દહેશત : માખી-મચ્છરના ત્રાસથી રખડતા ઢોર રોડ પર બેસી જતા ટ્રાફિકજામની રોજીંદી સમસ્યા ઉભી થઇ

(સંજય દેવાણી દ્વારા) કેશોદ તા. ૨૫ : કેશોદ શહેરમાં છેલ્લાં એક સપ્તાહથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીને બદલે છુટોછવાયો વરસાદ પડતાં સમગ્ર શહેરમાં તુટી ગયેલાં બેસી ગયેલાં રોડ રસ્તા પર પાણીનાં ખાડા ખાબોચિયા ભરાયેલા હોવાથી માખીઓ અને મચ્છરનો ત્રાસ વધવાની સાથે ઉકળાટ બફારા વચ્ચે વરસાદનાં છાંટા પડતાં તાવ શરદી અને ઉધરસનાં વાયરા વચ્ચે શહેરીજનો માંદગીનાં ખાટલે પડયા છે.

કેશોદના શેરી વિસ્તારમાં માખીઓ મચ્છરનો ત્રાસ અને પાણીનાં ખાબોચિયાં ભરાયાં હોવાથી રખડતાં ઢોર હાઈવે રોડ પર અડીંગો જમાવી બેસી જતાં ટ્રાફિક જામ ની સમસ્યાઓ ઉભી થઈ છે. અને ખુટીયાઓ લડવા લાગે તો વાહનોનું કચ્ચરઘાણ કાઢી નાખે અને રાહદારીઓને કે વાહનચાલકો ને ઝપટે ચડાવે તો ઈજાગ્રસ્ત કરી નાખે છે. શહેરના નગરપાલિકા વિસ્તારન બ્લોક રોડ, સીમેન્ટ રોડ અને ડામર રોડ વરસાદ પડતાં જ બેસી જવાથી તુટી જવાથી તંત્રની પોલ મેઘરાજાએ ખોલી નાંખી છે ત્યારે ઠેરઠેર પાણીના ખાબોચીયા ભરાતા મચ્છર માખીના ત્રાસને લઈને વિના કારણે શહેરીજનો માંદગીનાં ખાટલે પડયા છે. કેશોદ નગરપાલિકાની મેલેરીયા શાખા દ્વારા દવા છંટકાવ કરવામાં આવેલ નથી કે આરોગ્ય શાખા દ્વારા ડીડીટી છાંટવામાં આવેલ ન હોવાથી સમગ્ર શહેરમાં રોગચાળો ફેલાય જાય તો નવાઈ નહી. ચોમાસામાં વિતરણ કરવામાં આવતાં પાણીમાં લીકેજ વાલ્વ અને લીકેજ પાઈપલાઈન નાં કારણે માટી વાળું પાણી ભળી રહ્યું છે ત્યારે કલોરીન કે ફટકડીનો ઉપયોગ કરવાને બદલે સપ્લાય અટકાવી દેવામાં આવી રહી છે. કેશોદ શહેરમાં મેલેરિયા, ડેંગ્યૂ અને ચીકનગુનીયાનાં દર્દીઓ દેખાવા લાગ્યા છે ત્યારે જવાબદાર તંત્ર આળસ મરડીને આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરશે નહીં તો કોરોના મહામારી ની ત્રીજી લહેરને આવતી અટકાવી શકાશે નહી.

નેત્ર નિદાન કેમ્પ અને આયુર્વેદ કેમ્પ

પુરુષોત્ત્।મ લાલજી ગૌ સેવા ટ્રસ્ટ કેશોદ દ્વારા આયોજીત અને શ્રી રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહકારથી પુરુષોત્તમલાલજી ગૌ સેવા ટ્રસ્ટ, બાય પાસ ચોકડી પાસે, જુનાગઢ હાઇવે, કેશોદ ખાતે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ તથા આયુર્વેદ ફ્રિ કેમ્પનુ તા. ૨૬ને રવિવાર સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ આયોજન કરેલ છે. ભોજનના દાતાગિરિરાજ ડેરી વાળા દુર્લભજીભાઈ જે. પરમાર રહેશે. વધુ માહિતી માટે (૧) ભગવતસિંહ રાયજાદા મો.૯૪૨૭૭ ૩૫૫૦૯(૨) ભીખુભાઈ ગોટેચા મો.૯૮૨૪૨ ૮૪૨૭૧(૩) મહેશભાઈ ઠુંબર મો.૯૮૨૫૭ ૪૯૨૭૯(૪) દિનેશભાઈ કાનાબાર મો.૯૯૧૩૯ ૫૬૩૭૩નો સંપર્ક કરવા આયોજકોની યાદી જણાવેછે.

(1:02 pm IST)