Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

માં આશાપુરાના ધામ માતાના મઢ કચ્છ તરફના માર્ગો આજથી પદયાત્રીઓના પગરવથી ધમધમશે

રાજકોટ તા.૨૫ : કચ્છના પશ્ચિમ છેવાડે આવેલ માં આશાપુરાના પ્રખ્યાત તીર્થધામ માતાના મઢ ખાતે દર વર્ષે ચૈત્રી નવરાત્રી તેમન આસો નવરાત્રીની ભાવભેર ઉજવણી કરવામાં આવે છે. હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુ માઇ ભકતો માતાજીની માનેલ માનતા પૂર્ણ કરવા પગપાળા માતાના મઢ કચ્છ આવે છે. આ પદયાત્રીઓની સેવા કરવા પદયાત્રાના માર્ગમાં ઠેરઠેર રાવટીઓ લાગી જાય છે. જયાં રહેવા જમવા, ચા-નાસ્તાની ભેદભાવ વગર સુવિધાઓ ઉભી કરાઇ હોય છે. જરૂર હોય તેમના માટે મેડીકલ સારવારની વ્યવસ્થા પણ હોય છે. નવલા નોરતામાં કચ્છના માર્ગો માં આશાપુરાના નામથી ગુંજી ઉઠે છે. રાસ ગરબાની રમઝટ બોલે છે. પદયાત્રીઓની સેવા કરવા માટે સેવકો પણ એટલા જ આતુર હોય છે. પદયાત્રીઓની સેવા કરીને તેઓ ધન્યતા અનુભવે છે. મુંબઇ, સુરત, ભરૂચ, જામનગર, રાજકોટ, ભાવનગર, પોરબંદર, સુરેનદ્રનગર અને અન્ય ગામડાઓમાંથી પદયાત્રી સંઘો, ગ્રુપો, મિત્ર મંડળો સાથે માં આશાપુરાના ધામ કચ્છ આવે છે. આજે તા. ૨૫ સપ્ટેમ્બરથી વિવિધ સ્થળેથી પદયાત્રીઓ માતાના મઢ કચ્છ તરફ પ્રયાણ કરશે. માર્ગમાં સામખીયાળી, વોંઘ, નખત્રાણા, રવાપર, દેશલપર, માનકુવા, ભુજ, અંજાર, ભચાવ, માળીયા સહીતના સ્થળોએ કેમ્પ લાગશે. જો કે આ વર્ષે કોરોના પરિસ્થિતિ ધ્યાને લઇ પદયાત્રીઓની સંખ્યા ઓછી રહેશે. અમુક સ્થળે સેવા કેમ્પો પણ બંધ રખાયા છે. દરેક ભાવિકોએ માસ્ક, સેનેટાઇઝર સહીતના સરકારી ગાઇડ લાઇનના નિયમોને અનુસરવા જાહેર અનુરોધ કરાયો છે. (સંકલન : વિનોદ પોપટ, રાજકોટ)

(11:42 am IST)