Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

કોડીનારની આમજનતાને રોજીરોટી આપતા બિલેશ્વર ખાંડ ઉદ્યોગ ફરી ચાલુ કરવા માંગ

આર્થિક સહાયની માંગ સાથે ખેડૂતોએ શેરડીના સાંઠા સાથે રજૂઆત

(કુલદીપ પાઠક દ્વારા) કોડીનાર તા.રપ : કોડીનાર તાલુકાના ખેડૂતો અને આમ જનતાની જીવાદોરી સમાન છેલ્લા પાંચ વર્ષથી બંધ પડેલો બિલેશ્વર ખાંડ ઉદ્યોગ ફરીથી ધમધમતો કરવા માટે રાજય સરકાર દ્વારા આર્થિક સહાય આપવાની માંગણી સાથે કોડીનાર તાલુકાભરના ખેડૂતો ખેત ઉત્પન્ન એવા શેરડીના સાંઠા સાથે એક વિશાળ રેલી યોજી કોડીનાર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.

આવેદનપત્રમાં જણાવ્યુ હતુ કે, કોડીનારમાં સહકારી ધોરણે ચાલતા ખાંડ ઉદ્યોગમાં ૭૦૦ જેટલા કાયમી કર્મચારી, ૫૦૦ જેટલા સીઝનલ કર્મચારી તેમજ શેરડી કટાઇ માટે આશરે ૫૦૦૦ મજૂરો રોજગારી મેળવતા હતા. આ ઉદ્યોગના કારણે ખેડૂતો ઉપરાંત નાનામાં નાના ધંધાથી લઇ મોટા ધંધા રોજગાર વાળાને આર્થિક ફાયદો થતો હતો અને તાલુકાના લોકોની જીવાદોરી સમાન આ ઉદ્યોગ પાંચ લાખ ટન ઉપરાંત શેરડીનુ પીલાણ કરતો હતો જે આર્થિક કટોકટીના કારણે છેલ્લા પાંચ વર્ષથી બંધ પડેલો છે.

વખતો વખતની ચુંટણીઓ દરમિયાન આ વિસ્તારના લોકોની માંગણીને ધ્યાને લઇને તાત્કાલીક મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ચુંટણી પ્રચાર દરમિયાન આ ખાંડ ઉદ્યોગ પુનઃ ચાલુ કરવા રાજય સરકાર દ્વારા આર્થિક આપી પુનઃધમધમતો કરવા વચન આપેલ.

આ ઉપરાંત ગત લોકસભાની ચુંટણીના ઉમેદવાર અને સાંસદ રાજેશભાઇ ચુડાસમાના પ્રચારમાં આવેલા હાલના ગૃહમંત્રી અમિતભાઇ શાહે પણ ચુંટણી સભામાં એક જ મુદ્દાની માંગણીને ધ્યાને લઇ ખાંડ ઉદ્યોગ ચાલુ કરવા વચન આપેલ જે વચનનું કોઇ પાલન નહી થતા ખેડૂતોમાં હવે ભારોભાર રોષ ફેલાયો છે.

ખેડૂતો દ્વારા ગામેગામ બેઠકોનો દોર કરીને એકી અવાજ સાથે તાલુકાના લોકોની જીવાદોરી સમાન બિલેશ્વર ખાંડ ઉદ્યોગને માંદા એકમની આર્થિક સહાય રાજય સરકાર દ્વારા આપવામાં આવે અને ખાંડ ઉદ્યોગ પુનઃધમધમતો કરવા જોરદાર રજૂઆતો કરી છે.

(11:34 am IST)