Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

જુનાગઢ પોલીસની રીમાન્ડમાં રહેલ 'રૂખડનાથ ગેંગ' દ્વારા ગુન્હાની કબૂલાતઃ મુદામાલ પરત કરવા તૈયારી

જુનાગઢ,તા.૨૫ : જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.એન.સગારકા તથા સ્ટાફના હે.કો. નાથાભાઇ, નિલેશભાઈ, પો.કો. જૈતાભાઈ સહિતના સ્ટાફની ટીમ દ્વારા ૭ દી'ના પોલીસ રીમાન્ડ ઉપર રહેલા આરોપીઓ (૧) રૂખડનાથ ગુલાબનાથ ચૌહાણ ઉર્ફે વાઘસિયા બાપુ ઉવ. ૨૫ રહે. ભોજપરા, વાંકાનેર હાલ રહે. ખીરસરા તા. જી. રાજકોટ, (૨) જાનનાથ સુરમનાથ પઢીયાર ઉર્ફે ગુરુદેવ ઉવ. ૩૦ રહે. મકનસર, વાદીપરા તા.જી. મોરબી, (૩) કવરનાથ રૂમલનાથ ભાટી ઉવ. ૩૫ રહે. મકનસર, વાદીપરા તા.જી. મોરબી, (૪) નરેશનાથ રૂખડનાથ પઢીયાર ઉવ. ૨૫ રહે. મકનસર, વાદીપરા તા.જી. મોરબી તથા (૫) ઘાસનાથ રૂખડનાથ પઢીયાર ઉવ. ૩૫ રહે. મકનસર, વાદીપરા તા.જી. મોરબીની પૂછપરછ કરવામાં આવતા, પહેલા તો આ ગુન્હો કર્યાનો જ ઇનકાર કરી દીધેલ હતો. પરંતુ, જૂનાગઢ પોલીસ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરતા અને ત્રીજું નેત્ર ખોલતા 'રૂખડનાથ ગેંગ' દ્વારા સમગ્ર ગુન્હાની કબૂલાત કરવામાં આવેલ હતી અને છેલ્લા આઠેક મહિના દરમિયાન કરવામાં આવેલ છેતરપિંડી વિશ્વાસઘાતના ગુન્હાની કબૂલાત કરી અને મુદામાલ પણ આપી દેવા માટે કબૂલાત કરવામાં આવેલ હતી

પકડાયેલ આરોપીઓની કબૂલાત આધારે જૂનાગઢ તાલુકાની પોલીસ ટીમ આરોપીઓને સાથે લઈ, મોરબી તાલુકા પોલીસની મદદથી મકનસર ગામે આરોપી જાનનાથ સુરમનાથ પઢીયાર દ્વારા છેતરપીંડી વિશ્વાસઘાત કરી, મેળવેલ ફરિયાદીના ઓરીજીનલ સોનાના દાગીના હાર, મંગળસૂત્ર, વીટી, ટીકો, ચેઇન, પેન્ડલ, કુલ ૦૮ તોલા કિંમત રૂ. ૪,૧૧,૯૦૦/- તથા રોકડ રૂ. ૫,૦૦,૦૦૦/-  મળી, કુલ રૂ. ૯,૧૧,૯૦૦/- નો મુદામાલ કબજે કરવામાં આવેલ છે. આરોપીઓએ બાકીના રોકડા રૂપિયા જુદી જુદી જગ્યાએ વાપરેલ હોઈ, તે તમામ રૂપિયા પણ બે દિવસમાં મેળવી, રજૂ કરવા પણ કબૂલાત કરવામાં આવેલ છે

આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી કરવામાં આવેલ છેતરપિંડી વિશ્વાસઘાતના ગુન્હામાં આઠ માસ જેટલા સમય બાદ રૂપિયા તથા મુદામાલ રિકવર કરવાનું અત્યંત અઘરૂ કામ હોય, પરંતુ, તાલુકા પોલીસની ટીમ દ્વારા આરોપીઓને ભીંસમાં લેતા, માતબર રકમનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને બાકીનો મુદામાલ પણ રજુ કરવા આરોપીઓ તથા તેના કુટુંબીજનો દ્વારા કબૂલાત કરવામાં આવેલ છે. તાલુકા પોલીસની ટીમ દ્વારા ફરિયાદીને મદદ કરી, તમામ મુદામાલ કબજે કરવા કાર્યવાર્હીં કરી, વધુ તપાસ તાલુકા પોલિસ સ્ટેશનના પીએસઆઇ એસ.એન.સગારકા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

(11:28 am IST)