Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

કચ્છ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના મંત્રીની જીપથી કચડીને હત્યાનો પ્રયાસ :

સરાજાહેર ફિલ્મી ઢબે જીપથી અડફેટે લેવા કોશિશ : પાંચ શખ્શો લોખંડના પાઇપ સાથે તૂટી પડ્યા : ડાબા પગે ફ્રેક્ચર

ભુજઃ કચ્છ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના મંત્રી અમીન આમદભાઈ મોગલ (ઉ.વ.37) (  રહે. મોટાપીર જાગીર, સંજોગનગર બહાર, ભુજ)ની ભરબપોરે સરાજાહેર ફિલ્મી ઢબે હત્યાનો પ્રયાસ થતાં ચકચાર મચી ગઈ છે.  બપોરે દોઢેક વાગ્યાના અરસામાં અમીનભાઈ તેમની 7 વર્ષની દીકરીને સ્કુલેથી લેવા મોટર સાયકલ લઈ જતા હતા ત્યારે પાટવાડી નાકા બહાર ખાસરા ગ્રાઉન્ડ તરફથી પૂરપાટ વેગે આવતી એક જીપે તેમને અડફેટે લેવા પ્રયાસ કર્યો હતો.જેથી તે જીપ સાથે ઢસડાઈને રોડ પર પટકાયાં હતા.

  નીચે પટકાયાં બાદ જીપમાંથી 5 શખ્સો લોખંડના પાઈપ સાથે બહાર આવ્યા હતા અને 'આજે તો તને મારી નાખવો છે' તેમ કહી તૂટી પડ્યાં હતા. જો કે, અમીનભાઈએ પોતાના બચાવ માટે રાડારાડ કરી મુકતાં લોકોનું ટોળું એકત્ર થઈ જતાં આરોપીઓ 'તું અમારી વચ્ચે બીજી વખત આવતો નહીં, નહિતર તને જાનથી મારી નાખશું' તેમ કહી જીપમાં બેસી નાસી ગયા હતા. ઘાયલ અમીનભાઈને તેમના બનેવી જુસબ વિધાણીએ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હુમલામાં ડાબા પગે ફ્રેક્ચર થયું છે.

   બનાવ અંગે અમીને ઈસ્માઈલ હાજી લતીફ ચાકી, તેમના પુત્રો અસલમ, આસીફ, અખતર અને એક અજાણ્યા શખ્સ વિરુધ્ધ હત્યાના પ્રયાસ, મહાવ્યથા, જાનથી મારી નાખવાની ધમકી આપવા સહિતની કલમો તળે ભુજ એ ડિવિઝન  પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. અમીને બનાવ અંગેનું કારણ આપતાં પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, અસલમ ચાકીએ મોટા પીરની બાજુમાં આવેલી સરકારી જમીન પર દબાણ કર્યું હોઈ તે દબાણ દૂર કરવા તેમણે કલેક્ટરને રજૂઆત કરેલી. જે મુદ્દે દોઢ-બે માસ અગાઉ આરોપીઓ સાથે ઝઘડો પણ થયો હતો. દબાણ અંગે કરેલી રજૂઆતની અદાવતમાં પોતાના પર જાનલેવા હુમલો થયો હોવાનું તેમણે જણાવ્યું છે.

(8:22 pm IST)