Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

ધોરાજીમાં ડેંગ્યુનો કહેર.. ઘેર ઘેર માંદગીના ખાટલા... દવાખાનાઓમાં કીડીયારા જેમ દર્દીઓ ઉભરાયા...

પેશન્ટને ઇનડોર કરવા જગ્યા નથી... સરકારી તંત્ર, આરોગ્ય વિભાગ, નગરપાલિકા અને નેતાઓ મૌન... પ્રજામાં આક્રોશ...

ધોરાજી, તા.૨પઃ ધોરાજી શહેર હાલ રોગચાળાના સકંજામાં પૂરી રીતે સપડાઇ ગયું છે અને સમગ્ર શહેરને ડેન્ગ્યુ અને વાયરલ રોગોએ ભરડો લઈ લેતા ધોરાજી શહેરની હાલત અત્યંત કફોડી બની જવા પામી છે.

 

શહેરની વિકટ પરિસ્થિતિમાં લોકો પાસે કોઈ રસ્તો રહ્યો નથી અને શહેરની તમામ હોસ્પિટલો માં કીડીયારા સમાન દર્દીઓ ઉભરાઇ રહ્યા છે. છેલ્લા બે માસથી ધોરાજી શહેર ભયંકર રીતે રોગચાળાની ચપેટમાં આવી ગયું છે. સરકારી હોસ્પિટલમાં નિયમિત ૨૦૦ જેટલા ઓપીડી ને બદલે હાલ ૭૦૦થી વધારે દરરોજના ઓપીડી નોંધાઈ છે.

શહેરના ખાનગી દવાખાનાઓમાં પણ દર્દીઓના રાફડા ફાટયા છે. બાળક હોય કે વૃદ્ઘ બીમારી થી કોઈ બચ્યું નથી ઘરે ઘરે માંદગીના ખાટલાઓ જોવા મળે છે.

ધોરાજીમાં છેલ્લા દોઢથી બે માસ દરમ્યાન ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો છે જેમાં વાયરલ,ડેંગ્યુ, કોલેરાના કેસો ખૂબ વધ્યા છે.

ધોરાજીના એમડી ડોકટરો હાર્દિક સંદ્યાણી અને ભાવેશ પટેલ કે ધોરાજીમાં વધારે પ્રમાણમાં રોગચાળો પ્રવર્તી રહ્યો છે ખાસ કરીને ગંભીર પ્રકારનો ડેન્ગ્યુ અને વાયરલ રોગો વધારે પ્રમાણમાં જોવા મળે છે. મચ્છરજન્ય રોગચાળો નાથવો આવશ્યક છે.

ધોરાજી શહેરમાં છેલ્લા બે માસથી ડેન્ગ્યુના કેસ પુષ્કળ પ્રમાણમાં આવી રહ્યા છે જેમાં દર્દીને પ્લેટલેટ કાઉન્ટ ઝડપથી ઘટી જાય છે અને દર્દી જોખમમાં મુકાઈ જાય છે એ માટે તેમને તરત સફેદ લોહીની બોટલ ચડાવી પડે છે. ધોરાજી જેતપુર ઉપલેટા અને જામકંડોરણા વિસ્તારમાં બ્લડ બેંકની સુવિધા ન હોવાથી આ સફેદ લોહીની બોટલ લેવા દર્દીના સગા વાલા ઓએ પોતાનો સમય પૈસા ખર્ચી રાજકોટ સુધી જવું પડે છે અથવા દર્દીને જ રાજકોટ ખસેડવા પડે છે.

સંદેશ દ્વારા શહેરના નામાંકિત ડોકટરો ને પૂછતાં રોજના ૨૦ જેટલા ડેંગ્યુ ના પેશન્ટ ડિટેકટ થાય છે. શહેરની અમુક હોસ્પિટલમાં સારવાર માટે હવે જગ્યા મળતી નથી. ડોકટર ભાવેશ પટેલ એ જણાવેલકે તેમની ઓપીડી ૧૫૦ થી વધારે થતી હોવાથી હવે નવા દર્દીઓ નોંધવા મુશ્કેલી પડે છે. આવી જ હાલત સરકારી કે અન્ય હોસ્પિટલની છે.

કોઈપણ પેશન્ટને ડેન્ગ્યુ ડિટેકટ થાય એટલે તેમને ઇન્ડોર સારવાર લેવી પડે અને પાંચ-સાત દિવસમાં ઓછામાં ઓછા ૨૫ થી ૫૦ હજાર રૂપિયા ખર્ચાઈ જાય ત્યારે રોજેરોજનું કરી ખાનાર મજુર વર્ગ કે ગરીબ અને સાધારણ વર્ગના લોકોની કેવી હાલત હશે તે કલ્પના બહાર છે.

હાલ ધોરાજીના લોકો નિરાધાર સ્થિતિમાં હોય તેવું જણાય છે. સરકારી તંત્ર આરોગ્ય વિભાગ અને અધિકારી બાબુઓ સબ સલામતના ગાણાં ગાઈ રહ્યા છે. કદાચ એ લોકો પાસે ડેન્ગ્યુના પેશન્ટનો સાચો આંકડો પણ નહીં હોય. ગ્રાઉન્ડ લેવલ કામ કરવાને બદલે કાગળ પર કામ ચાલતું હોય તેવી તંત્ર ની કામગીરી જણાય છે. પાલિકા તંત્ર દ્વારા સ્વચ્છતા માં ધ્યાન અપાતું નથી શહેરમાં ગંદકી અને ઠેર ઠેર પાણી ભરાયેલા રહેતા હોવાથી મચ્છરજન્ય રોગચાળો વધે છે.

બીજી તરફ જે નેતાઓ પ્રજાના મતથી ચૂંટાતા હોય તેઓ હાલ પોતપોતાની પાર્ટીના કાર્યક્રમોમાં વ્યસ્ત જોવા મળે છે અને પ્રજા લાચાર અને ત્રસ્ત જોવા મળે છે. હાલ સમગ્ર શહેર માં નાના બાળકોથી લઈ વૃદ્ઘો બીમારીની ચપેટમાં આવી ગયા છે તંત્રની લાપરવાહી અને નેતાઓનું મૌન જનતા જનાર્દનને આક્રોશિત કરી રહ્યું છે.

(1:06 pm IST)