Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

કંડલા ફ્રી ટ્રેડ ઝોનમાં ૪૦૦ કરોડનું જીએસટી કૌભાંડ ઝડપાયું- એકસપોર્ટના નામે ઓવર બિલિંગ બનાવી ઇનપુટ ક્રેડિટ રોકડી કરવાનું ૧૦૦૦ કરોડનું મોટું કૌભાંડ

ભુજ તા. ૨૫: દેશમાં એક બાજુ ઈમાનદાર નાગરિકો ટેકસ ભરી પોતાની રાષ્ટ્ર પ્રત્યેની ફરજ નિભાવે છે. બીજી બાજુ, ટેકસ ચોરો માત્ર કાગળીયાની હેરાફેરી કરીને વ્હાઇટ કોલર દાણચોરી જેવા ગુના દ્વારા કરોડો રૂપિયા ઘરભેગા કરી લે છે. જીએસટીના એડિશનલ ડીજી વિવેકપ્રસાદના જણાવ્યાનુસાર દિલ્હી એનસીઆરના ૨૦ જેટલા તમાકુ અને ગુટકાના વ્યાપારીઓ દ્વારા કંડલા સેઝના માધ્યમથી ૩૦૦૦ ઘણી ઊંચી કિંમતના ઓવર બિલિંગ દ્વારા એકસપોર્ટ બતાવીને મેળવાતી જીએસટીની કરોડો રૂપિયાની ઇનપુટ ક્રેડિટનું મોટું કૌભાંડ ઝડપાયું છે. આ કૌભાંડકારો સ્થાનિક બજારમાંથી ૧૫૦ થી ૩૫૦ રૂપિયે કિલો ગુટકા, તમાકુ અને કિમામ જેવો માલ ખરીદ્યા બાદ તેની કિંમત ૫૦૦૦ થી ૯૦૦૦ હજાર રૂપિયે કિલોના ભાવે નિકાસ કરાઈ હોવાનું બતાવતા હતા. જીએસટી ચોરીના આ કૌભાંડમાં આસામ, બિહાર, દિલ્હી, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશના ૨૫ સપ્લાયરો શોધી કઢાયા છે. અત્યારે આ જીએસટી કૌભાંડ ૪૦૦ કરોડનું છે, પણ તેનો આંકડો ૧૦૦૦ કરોડનો થશે એવો અંદાજ છે. દરમ્યાન અત્યારે ૩૦૦ કરોડની ઇનપુટ ક્રેડિટ અટકાવી દેવાઈ છે, પણ ૧૦૦ કરોડ રૂપિયા ચૂકવાઈ ગયા હોવાનું જાણવા મળે છે. કેન્દ્ર સરકારે આવા આર્થિક કૌભાંડિયાઓ સામે આકરી જેલની સજા તેમ જ સંપત્તિની જપ્તીનો કાયદો કરવો જોઈએ તો જ દેશ વિરોધી તત્વોની પ્રવૃતિઓ કાબુમાં આવશે.

(11:45 am IST)