Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

સુત્રાપાડાના કંદવાર ગામના હિરાકોટ બંદરના રપ૦૦ લોકો અનેક મુશ્કેલીમાં જીવી રહ્યા છે!!

પ્રભાસ પાટણ તા. રપ :.. સુત્રાપાડા તાલુકાનાં કદવાર ગામથી હિરાકોટ બંદરનો રસ્તામાં પાણી ભરાવાને કારણે તેમજ બંને બાજુની સાઇડમાં દબાણ અને બાવળીયાની જાળીઓથી વિદ્યાર્થીઓ, બિમાર લોકો સહિત બંદરનાં રપ૦૦ થી ૩૦૦૦ હજાર લોકો વર્ષોથી પરેશાન છે. અત્યારે મચ્છીની સીઝન ચાલુ થવાને કારણે નાના વાહનોની અવર-જવર રહે છે. અને એક વાહન સામે આવે તો બિજુ વાહન દૂર સુધી રીવસમાં લેવું પડે છે. તેમજ મચ્છી વેચનાર બહેનો પણ આ પાણીમાંથી રોજ પસાર થવું પડે છે.

બંદરમાંથી બાળકો અભ્યાસ માટે રોજના રપ૦ થી ૩૦૦ બાળકોને બહાર જવુ પડે છે તેઓ પણ આ વિસ્તાર રસ્તાનો ભોગ બને છે અને સ્કુલે જવાનું ટાળે છે આ રસ્તાની સમસ્યા વર્ષો જુની છે અને જયારે ચૂંટણી આવે ત્યારે આ બંદરમાં મંત્રી, ધારાસભ્યો, મંત્રી અને કેબીનેટ મંત્રી, સાંસદ સહિતનાં રાજકીય અગ્રણીઓ આવેલ છે અને આ રસ્તો બનાવવા વચનો આપેલા છે. પરંતુ ચૂંટણી બાદ આ વાયદો ભૂલી જાય છે.

આ રસ્તાને કારણે ૧૦૮ પણ આવી શકતી નથી તેથી જયારે કોઇ બીમાર પડે કે ડીલેવરીનાં કેસોમાં લોકો ખૂબજ હેરાન થાય છે. સરકાર દ્વારા બંદરોનાં વિકાસ માટે વારંવાર વાતો કરે છે પરંતુ આવી રસ્તાની સમસ્યાઓનો ઉકેલ લાવતી નથી.

આ હિરાકોટ બંદરનાં આગેવાનો વારંવાર રાજકીય અગ્રણીઓ અને કલેકટર કક્ષાનાં અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆતો કરે છે. પરંતુ પરીણામ શુન્ય આવે છે. જેથી આ બંદરનાં લોકોનો રસ્તાનો પ્રશ્ન તાત્કાલીક ઉકેલ લાવી અને બંને સાઇડમાંથી પેશકદમી દૂર કરીને બાવળીયાઓ સાફ કરીને તાત્કાલીક રસ્તો બનાવે તેવી બંદરનાં આગેવાનો દ્વારા માંગણી કરવામાં આવેલ છે.

(11:43 am IST)