Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

અમરેલી જીલ્લાના આશાવર્કર બહેનોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા નારણભાઇ કાછડીયા સમક્ષ રજૂઆત

અમરેલી તા.રપ : જીલ્લામાં કાર્યરત એવા આશાવર્કર બહેનોના વિવિધ પ્રશ્નો અંગે આજ તા. ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ જીલ્લાની તમામ આશાવર્કર બહેનોએ અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયાને આવેદનપત્ર આપી યોગ્ય કરવા રજૂઆત કરી હતી.

આશાવર્કર બહેનો દ્વારા સાંસદને કરવામાં આવેલ રજૂઆત મુજબ પહેલા સગર્ભા બહેનોને સરકારશ્રીની યોજનાનો લાભ લેવા આધાર સ્વરૂપ લગ્ન કંકોત્રી રજૂ કરવાની થતી હતી પરંતુ સરકારશ્રીના નવા પરીપત્ર મુજબ હવેથી તેઓએ લગ્નનોંધણીના પ્રમાણપત્ર રજૂ કરવુ પડી રહ્યુ છે. હાલમાં મોટાભાગના લાભાર્થીઓ લગ્નનોંધણી પ્રમાણપત્ર ન ધરાવતા હોવાને લીધે તેઓને લાભ મળી રહ્યો નથી અને જેના લીધી આશાવર્કર બહેનોને તેમનુ મહેનતાણુ મળવાપાત્ર નથી થતુ. (ર) લાભાર્થી મહિલાઓ જો બીપીએલ ધારક હોય અને સરકારી હોસ્પિટલમાં અથવા સરકાર માન્ય હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હોય તો જ આશાવર્કર બહેનોને મહેનતાણુ ચુકવવામાં આવે છે ઘણા કિસ્સાઓમાં સગર્ભા મહિલાઓ એપીએલ ધારક હોય અથવા સારવાર સમય દરમિયાન કોઇ ખાનગી હોસ્પિટલમાં ટ્રાન્સફર થયેલ હોય તેવા કેશોમાં આશાવર્કર બહેનોને મહેનતાણુ મળતુ નથી.

આશાવર્કર બહેનોને સેટકોમ પ્રોગ્રામ નિહાળવા માટે પહેલા સરકાર તરફથી રૂ. ૧૨૫ લેખે ભથ્થુ ચુકવવામાં આવતુ હોય જેમાં સુધારો કરી સરકારશ્રી તરફથી ફકત રૂ.રપ લેખે ભથ્થુ ચુકવાઇ રહ્યુ છે. આવા કિસ્સામાં દૂર બહારગામથી કાર્યક્રમ અર્થે જતી બહેનોને સ્વખર્ચે કાર્યક્રમ અર્થે જવુ પડી રહ્યુ છે. જેથી સરકારશ્રી તરફથી આપવામાં આવતા ભથ્થામાં વધારો કરવામાં આવે. બાળકના જન્મના ૪૨ દિવસમાં જ જન્મની નોંધણી કરાવી પ્રમાણપત્ર રજૂ કરવામાં આવે તો જ આશાવર્કર બહેનોને તેમનુ મહેનતાણુ મળે છે. જેથી જન્મ નોંધણીની સમય મર્યાદા તથા સહાય દરખાસ્તની સમય મર્યાદા વધારવા તથા જીલ્લામાં સીમ વિસ્તારમાં વસવાટ કરતા લાભાર્થીઓ મોટેભાગે મજૂર વર્ગ હોવાથી તેઓ પાસે સહાય મેળવવા માટે પુરાવાઓ દસ્તાવેજો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોતા નથી. જેના લીધે આશાવર્કર બહેનોને મહેનતાણુ મળતુ નથી. જેથી અન્ય વિભાગ પાસે આ કામ કરાવવા તેમજ સરકારશ્રીના પરિપત્ર મુજબ આશાફેસીલીટેટર બહેનોને ૧ ટુર પર રૂ. ૪૦૦ ચુકવવાના થાય છે પરંતુ હજુ એક ટુર પેટે રૂ. ૩૦૦ લેખ ચુકવવામાં આવી રહ્યા છે.

ઉપરાંત હાલમાં અમરેલી જીલ્લામાં પોરાનાશક, મેલેરીયા વગેરે જેવી આરોગ્ય વિષયક કામગીરી આશાવર્કર બહેનો પાસે કોઇપણ પ્રકારના મહેનતાણા વગર કરાવવામાં આવી રહી છે. જેથી આ પ્રકારની કામગીરીનું મહેનતાણુ ચુકવવામાં આવે અથવા તો આ કામગીરી અન્ય કર્મચારીઓ પાસે કરાવવામાં આવે તેવી આશાવર્કર બહેનોએ રજૂઆત કરી હતી.

આશાવર્કર બહેનો દ્વારા સાંસદશ્રીને કરવામાં આવેલ રજૂઆતના અનુસંધાને સાંસદશ્રીને તાત્કાલીક સરકારશ્રીમાં લેખીત રજૂઆત કરી અમરેલી જિલ્લાની આશાવર્કર બહેનોના વિવિધ પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા અને યોગ્ય નિર્ણય લેવા અસરકારક રજૂઆત કરેલ હતી.

(11:31 am IST)