Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

નખત્રાણા- મુંદ્રા- અંજાર – માતાના મઢ- ચૂડા- ચોટીલામાં ૧ ઇંચ વરસાદ

મિશ્ર વાતાવરણનો માહોલ યથાવતઃ ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસતો વરસાદ

રાજકોટ તા.૨૫: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા મિશ્ર વાતાવરણના માહોલ વચ્ચે કયાંક હળવો તો કયાંક ભારે વરસે છે. કચ્છના નખત્રાણા, મુંદ્રા, અંજાર, માતાના મઢ, ચુંડા, ચોટીલામા ૧ ઇંચ વરસાદ પડ્યો છે.

ભુજ

ભુજઃ સખત આગ ઝરતી ગરમી વચ્ચે કચ્છમાં ફરી એક વાર ભાદરવાના ભુસાકાને પગલે મુન્દ્રા, અંજાર, નખત્રાણા અને માતાના મઢમાં કેટલાક વિસ્તરોમાં જોરદાર ઝાપટા સાથે એકાદ ઇંચ વરસાદ પડ્યો હતો. ભાદરવાના ભુસાકાને પગલે ઘણી જગ્યાએ પદયાત્રી કેમ્પ ધોવાઇ ગયા હતા. મુન્દ્રા-અંજાર વચ્ચેના ગામો વલાડીયા, વવાર,વડાલા, ભદ્રેશ્વર,લુણી, જોગણીનાર, સંઘડ ઉપરાંત પ્રાગપર, બાબીયા,બેરાજા, વાંકીમાં જોરદાર ઝાપટા સાથે વરસાદ વરસ્યો હતો. નદી સરોવર સતત બીજી વાર ઓગનાઇ ગયું છે. નખત્રાણા પંથકના ગામો ઉપરાંત માતાના મઢમાં એકાદ ઇંચ પાણી થોડી મિનિટોમાં જ વહી નીકળ્યા હતા. ઘણી જગ્યાએ ભારે પવન સાથે જોરદાર ઝાપટા પડયા હતા. ખાસ કરીને પદયાત્રી કેમ્પ પવન અને વરસાદને પગલે ધોવાઇ ગયા હતા. માતાના મઢમાં પણ નવરાત્રિના મેળાને વરસાદી ઝાપટા અને પવનની અસર થકી અસર થઇ હતી.

વઢવાણ

વઢવાણઃ સુરેન્દ્રનગર જિલ્લામાં અચાનક બપોરના સમયે વરસાદ તુટી પડયો હતો ત્યારે જિલ્લામાં ૧૫ મિનિટ ધોધ માર વરસાદ પડ્યો હતો ત્યારે વરસાદના પગલે જિલ્લાના અનેક વિસ્તારોમાં થનડક પ્રસરી ગઇ હતી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી મંગળવારે વરસાદી માહોલ સર્જાયો હતો. ચુડા અને ચોટીલામાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. જયારે સુરેન્દ્રનગર અને વઢવાણમાં વરસાદી ઝાપટા આવ્યા હતા.

સુરેન્દ્રનગરમાં બે દિવસ સુધી સુર્યનારાયણે દર્શન દેતા ભાદરવો આકરો તપતા લોકો ગરમી અને બફારામાં અકળાયા હતા. જ્યારે મંગળવારે સવારથીજ ગરમી અને વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. જેમાં બપોર બાદ અને સાંજના અરસામાં ભારે વરસાદી ઝાપટુ થયુ હતું. જેના કારણે લોકોએ ફરી વરસતા વરસાદ અને ઠંડકનો અહેસાસ માણ્યો હતો. જયારે લખતર શહેરમાં આખા દિવસની ગરમી પછી સાંજના પાંચેક વાગ્યાનાં સુમારે વાદળ બંધાતા અને પવન ફુંકાતા વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જયારે મંગળવાર દિવસ દરમિયાન ચૂડા અને સાયલામાં એકાદ ઇંચ વરસાદ વરસ્યાનો અંદાજ છે.

ત્યારે ગઇ કાલે અચાનક વરસાદ તૂટી પડતા લોકો ને રસ્તા પર જ વિસામો ખાવો પડ્યો હતો. અને રોડ રસ્તા પર પાણી ફરીવળ્યાં હતા. ત્યારે ફરી એક વખત ધરતી પુત્રો પર ચિંતા ના વાદળો ઘેરાઇ જવા પામ્યા હતા. ત્યારે હાલ પણ આગામી વરસાદ ના પગલે જિલ્લાના ખેતરો પાણીમાં ગળા ડૂબ છે.

જામનગર

જામનગરઃ આજનું હવામાન ૩૪.૫ મહતમ, ૨૭.૫ લઘુતમ, ૮૩ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

લાલપુર તાલુકાના પડાણા અને મોડપરમાં અડધો ઇંચ વરસાદ પડયો છે. જયારે આજી-૪ ડેમ ઉપર પોણો ઇંચ વરસાદ તેમજ લાલપુર અને ધ્રોલમાં વરસાદી ઝાપટા પડ્યા છે.

ગારીયાધાર

ગારીયાધારઃ ગારીયાધારમાં કાલે સાંજે ૫ વાગ્યાના અરસામાં વદર,ડમરાળા, સાતપરાડ, ગણેશગઢ અને દુધાળા સહિતના ગામોમાં વરસાદ તોફાની બેટીંગ કરતા તમામ ગામો ફળી તળાવો ડેમો, વોકળાઓ પાણીથી છલકાઇને વહેતા થયા હતા.

આ ઓચિતો વરસાદ ખાબકી પડતા તમામ ખેતરોમાંથી પાણી નિકળી જવા પામ્યા હતા. જેના કારણે ખેડુતો ખુશ-ખુશાલ થયા હતા.

સતત એક કલાક ભારે વરસાદ વરસતા અંદાજે દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જયારે ગારીયાધાર શહેર અને અન્ય ગામોમાં વરસાદનું એક ટીપુ પણ જોવા મળ્યુ ન હતું.

વિંછીયા

વિંછીયાઃ વિંછીયા તથા પંથકમાં સાંજના ૪.૩૦ વાગ્યે અને ૬ વાગ્યે સખત ગરમી અને બફારા બાદ એકા-એક વરસાદી ઝાંપટા વરસી જતા રોડ રસ્તા પર પાણી વહી ગયા હતા. વરસાદને લીધે વારે-વારે વીજળી રાણીના રૂષણા શરૂ રરહ્યા છે. વરસાદી ઝાંપટાને લીધે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી ગઇ હતી.

ગોંડલ

ગોંડલઃ અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશરની અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે. આજે સમીસાંજે ગોંડલમાં ધોધમાર વરસાદ ખાબકયો છે દિવસભરના ભારે ગરમી અને અસહ્ય ઉકળાટ બાદ સાંજે ધોધમાર વરસાદ ખાબકયો છે એકાદ કલાકમાં બે વખત બે ઇંચ જેવો ભારે વરસાદ ખાબકયો હતો.

ગોંડલમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને રસ્તામાં નદીઓ વહેતી થઇ હતી.

ભાવનગર

ભાવનગરઃ સિહોર અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સિહોરના વરલ ટાણા અને આજુબાજુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકયો હતો. ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

રાજુલાના ડુંગર અને સાજણ વાવમાં પણ ધોધમાર વરસાદ ખાબકયો હતો. સર્વત્ર મેઘમહેર થતા કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળી છે. અમરેલી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

જુનાગઢ

જુનાગઢઃ વિસાવદરમાં બે કલાકમાં સવા બે ઇંચ વરસાદ ખાબકયો હતો. ગાજવીજ સાથે ભારે વરસાદના કારણે બજારોમાં પાણી ફરી વળ્યાં હતાં. વિસાવદરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે નદી નાળાઓમાં નવા નીરની પધરામણી થઇ હતી.

રાજુલા

અમરેલીઃ રાજુલામાં ધોધમાર વરસાદ ખાબકતા રસ્તાઓમાં નદીઓ વહી હતી બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને રાજુલામાં અનરાધાર વરસાદ વરસ્યો હતો રાજુલાની ધારનાથ સોસાયટી સહિત કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. અડધી કલાક ધોધમાર વરસાદ ખાબકતા નિચાણવાળા વિસ્તાર પાણીથી તરબોળ.

(11:27 am IST)