Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

જુનાગઢ શ્રી લોહાણા મહાજન દ્વારા આયોજીત સર્વ જ્ઞાતિ સમુહ ભાગવત સપ્તાહનો આજે પુર્ણાહુતી સમારંભ

ભજન, ભકિત અને ભોજનનાં ત્રિવેણી સંગમ સાથે મીની વિરપુર-જલારામ મંદિર જેવા દ્રશ્યો સર્જાયાઃ દરરોજ ર હજાર ભાવીકોએ ભોજનનો લાભ લીધો

જુનાગઢ, તા., રપઃ શ્રી લોહાણા મહાજનશ્રી જુનાગઢનાં ઉપક્રમે શ્રી લોહાણા મહાજનવાડી (જલારામ વાડી) ગીરનાર રોડ, જુનાગઢ ખાતે મહાજન પ્રમુખશ્રી મહેન્દ્રભાઇ મશરૂના નેતૃત્વ હેઠળ અને ભાગવતાચાર્ય પૂ. કેતનભાઇ પેરાણી (માળીયા વાળા)ના વ્યાસાસને સર્વ જ્ઞાતિ સમુહ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કાર્યક્રમનું ભવ્ય આયોજન થયેલ છે. આ સર્વ જ્ઞાતિય શ્રીમદ ભાગવત સપ્તાહમાં ૬૩ પરીવારજનો પોતાના આપ્તાજનો સાથે પિતૃઓના મોક્ષાર્થે સામેલ થઇ ભારે ઉત્સાહ અને પુર્ણ શ્રધ્ધા સાથે લાભ લઇ રહયા છે.

આ શ્રીમદ ભાગવત સપ્તાહનો મંગલ પ્રારંભ તા.૧૮ને મંગળવારના રોજ કરવામાં આવેલ છે. જુનાગઢના પોસ્ટ ઓફીસ રોડ ઉપર આવેલ શ્રી જલારામ મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા બેન્ડવાજાના ભકિતમય સંગીત સાથે સેંકડો ભાવીકોની ઉપસ્થિતિમાં શ્રી લોહાણા મહાજનવાડી ખાતે પહોંચી હતી અને ત્યારથી દરરોજ સેંકડો ભાવીકોએ કથાના રસપાનનો લાભ લઇ રહયા છે.

મહાજન પ્રમુખશ્રી મહેન્દ્રભાઇ મશરૂએ આ ધાર્મીક કાર્યક્રમમાં ધાર્મિક જ્ઞાન સાથે સામાજીક સેવા અને સામાજીક ક્રાંતી લાવવા ઉપસ્થિત વિશાળ સમુદાયને નીચે મુજબ સંકલ્પો લેવડાવવામાં આવ્યા હતા. જેની ઠેર-ઠેર પ્રશંસા થઇ રહી છે.

આ માટે ગૌરક્ષા માટે પ્લાસ્ટીકની થેલીમાં એઠવાડ ન નાખવો. પર્યાવરણના જતન માટે પ્લાસ્ટીકના ઝબલાઓનો ઉપયોગ ન કરવો. કેન્સર જેવા જીવલેણ રોગથી બચવા તમાકુ, બીડી, સીગારેટ , પાન માવાનો ત્યાગ કરી વ્યશનમુકત જીવન જીવવું. દારૂ (શરાબ)નું સેવન કયારેય ન કરવું કે ન થવા દેવું.

૧-દિકરીની જવાબદારી બે કુળને તારવાની હોય, મા-બાપે શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરવું.બેટી બચાવો બેટી પઢાવોનો મંત્ર અપનાવવા. દહેજ પ્રથા નાબુદીની ઝુંબેશ  ઉપાડવી દહેજ ન લઇ સામાજીક ક્રાંતી લાવવી. સગાઇ-લગ્ન પ્રસંગે શકય તેટલા ઓછા મહેમાનોને નિમંત્રીત કરવા. મુંગા પક્ષીઓને ગગનમાં વિહરવા દેવા, પાંજરામાં ન પુરવા અને પુરેલા પંછીઓને પાંજરામાંથી મુકત કરવા.

હાલ દેશમાં સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતની જે ઝુંબેશ ચાલી રહી છે. તેમાં તમામે ઉત્સાહભેર ભાગ લઇ આ ઝુંબેશને કાયમી ધોરણે સફળ બનાવવી.

આ કાર્યક્રમ સર્વજ્ઞાતિનો હોય જેમાંથી પ્રેરણા લઇ જ્ઞાતિઓના ભેદભાવ ભુલીને સમાજનાં કલ્યાણ અર્થે દરેક જ્ઞાતિના અગ્રણીઓએ દ્રઢ નિશ્ચય અપનાવવા જણાવ્યું હતું.  આ કાર્યક્રમ જુનાગઢની ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યામાં લઇ ધાર્મિક ઉપરાંત સમાજ કલ્યાણની ભાવના કેળવી જીવનમાં ધન્યતા અનુભવી રહી છે.

તા.રપને મંગળવારના રોજ પુર્ણાહુતી સમારંભમાં શાસ્ત્રીશ્રી કેતનભાઇ પેરાણી, અન્ય ભુદેવશ્રીઓ તેમજ આ કથામાં સેવા આપનાર ભાવીકોને સન્માનીત કરી તેમની સેવાને બિરદાવવામાં આવશે.

મા.શ્રી મહેન્દ્રભાઇ મશરૂના માર્ગદર્શન હેઠળ કાર્યરતઆ સર્વ જ્ઞાતિ શ્રીમદ ભાગવત સપ્તાહને સફળ બનાવવા સમીતીના સદસ્યો સર્વશ્રી બિલ્ડર શ્રી રાજુભાઇ ભોજાણી, શ્રી પ્રવિણભાઇ તન્ના, દિપકભાઇ રૂપારેલીયા, શ્રી નીતીનભાઇ તન્ના, ભુપેન્દ્રભાઇ મુલીયા તથા સર્વે કાર્યકર ભાઇઓ-બહેનો અથાગ પરીશ્રમ કરી રહયા છે.

(3:55 pm IST)