Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

ઉપલેટાના મોટી પાનેલી ગામે તળાવમાંથી પાણી છોડવામાં આવે તો બંધની ચિમકી

ઉપલેટા તા.રપ : ચાલુ વર્ષે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછુ રહેતા અને તેમાં પણ ઉપલેટા ધોરાજી વિસ્તારમાં પાછળનો વરસાદ ન થતા ઉભો પાક સુકાતો હતો. ખેડુતો ડેમોમાં ભરાયેલ પાણી છોડવાની માંગણી કરતા હતા ત્યારે ઉપલેટા વિસ્તારના ચેક ડેમો અને પાનેલી તળાવમાં રહેલ પાણી છોડવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવતા. આ નિર્ણયનો વિરોધ પાનેલી ગામ દ્વારા કરી પાનેલી તળાવમાંથી પાણી છોડવા ન સરકારને સિંચાઇ યોજનાના અધિકારીઓને અને કલેકટરને પત્ર લખી જાણ કરવામાં આવેલ છે.

જો પાણી છોડવામાં આવે તો ગામ બંધની ચિમકી પણ આપી છે. પાનેલીના સરપંચ મનુભાઇ ભાલોડીયાએ જણાવેલ હતુ કે ડેમમાં પુરૂ પાણી છે નહી. આ ડેમમાંથી પાનેલી આખુ વર્ષ પીવાનુ પાણી ઉપાડે છે. વરસાદ ઓછો થતા તળના પાણી પણ ચડેલ નથી. ત્યારે આ વર્ષ ઉનાળામાં પાણીની અછત ઉભી થવાની છે જો પાનેલી તળાવમાંથી અત્યારે પાણી આપી દેવામાં આવશે તો ઉનાળામાં લોકોએ પાણી માટે ઠેરઠેર ભટકવું પડશે અને સરકાર પાસે પાણીની ભીખ માંગવી પડશે. આમ ન થાઇ તે માટે પાનેલી તળાવનું પાણી છોડવુ વ્યાજબી નથી. એમ કહી સરકારની તમામ એજન્સીને પાણી ન છોડવા પંચાયતે લેખીત જાણ કરી દીધી છે. આમ છતા સરકાર પાનેલી તળાવમાંથી પાણી છોડવા પ્રયત્ન કરશે તો પાનેલી ગામ બંધ રાખી તેમનો વિરોધ કરાશે એમ સરપંચ મનુભાઇ ભાલોડીયાએ જણાવેલ હતુ.(૪૫.૫)

(1:12 pm IST)