Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

ગોંડલમાં ૪ વર્ષના વિદ્યાર્થી પર સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરનાર હવસખોર શિક્ષક સંદિપની ધરપકડ

સ્કુલ બસમાં હેવાનીયત કરનાર લંપટ શિક્ષક સંદિપ દાણીધારીયાને ભોગ બનનાર વિદ્યાર્થીએ ફોટોગ્રાફસ પરથી ઓળખી બતાવ્યો : પોલીસે આગવીઢબે સરભરા કરી હવસનું ભૂત ઉતાર્યું

તસ્વીરમાં પકડાયેલ લંપટ શિક્ષક સાથે પોલીસ સ્ટાફ નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

ગોંડલ તા. ૨૫ : ગોંડલની સ્કુલમાં ૪ વર્ષના માસુમ વિદ્યાર્થી પર સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરનાર લંપટ શિક્ષક સંદિપ દાણીધારીયાની પોલીસે મોડીરાત્રે ધરપકડ કરી હતી. પોલીસે આ શિક્ષકની આગવીઢબે સરભરા કરી હવસનું ભૂત ઉતારી નાંખ્યું હતું.

શહેરના મધ્ય વિસ્તારમાં આવેલ અને જાણીતા પરિવારનો ચાર વર્ષનો માસૂમ પુત્ર નિયત ક્રમ મુજબ કુંભારવાડા ખાતે આવેલ જૈન સંસ્કાર સ્કૂલના એલ કે જી કલાસ પહોંચ્યો હતો દરમિયાન સવારના ૧૦.૩૦ કલાકના સુમારે એક શિક્ષક તેનો હાથ પકડી સ્કૂલ બસમાં લઇ ગયેલ હતો અને અસંસ્કારી એવું સૃષ્ટિ વિરુદ્ઘનું કૃત્ય આચર્યુ હતું. માસુમ બાળકને પીડા થતી હોય બપોરના સુમારે ઘરે પહોંચતા પીડાની વાત તેના માતા પિતાને કરી હતી અને સઘળી ઘટના તેના માતા પિતાને જ જણાવતા તેઓ પણ કંપી ઉઠયા હતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો સીટી પોલીસ ઇન્સ્પેકટર રામાનુજ પી.એસ.આઇ સહિતનો કાફલો જૈન સ્કૂલ પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

પોલીસ તપાસ દરમિયાન જૈન સ્કૂલના તમામ શિક્ષકો સ્કૂલ પર હાજર ન હોય પ્રિન્સિપાલ આશાબેન પાસે પોલીસ દ્વારા શિક્ષકોના ફોટોગ્રાફસ માંગવામાં આવતા ચાર વર્ષના માસૂમ બાળકે ફોટોગ્રાફસ ઉપરથી સૃષ્ટિ વિરુદ્ઘનું કૃત્ય આચરનાર શિક્ષક ને ઓળખી બતાવવામાં આવ્યા હતા.બાદમાં જુદાજુદા મોબાઇલમાં પણ આ તસવીર બતાવવામાં આવતા બાળકે તેને ઓળખી બતાવ્યો હતો. બાદમાં પોલીસે મોડીરાત્રે માસૂમ બાળકના પિતાની ફરિયાદ પરથી જૈન સ્કૂલમાં ધોરણ ૫થી ૧૦ ના વિદ્યાર્થીઓના ગણિત નો વિષય લેતા શિક્ષક દાણીધારીયા સંદીપ વિરુદ્ઘ આઇપીસી કલમ ૩૭૭ તેમજ પોસકો એકટ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે જૈન સંસ્કાર સ્કૂલમાં સીસીટીવી કેમેરા ફીટ કરવામાં આવ્યા છે તો આજે જે લોબીમાંથી માસુમ બાળકને સ્કૂલ બસ તરફ લઈ જવામાં આવ્યો તેના બે સીસીટીવી કેમેરા આજે ટેકનિકલ કેમ બંધ હતા તે દિશામાં પોલીસને શંકા હોય તપાસ હાથ ધરી છે. માસૂમ બાળકના પિતાએ જણાવ્યું હતું કે તેના પુત્રને હવસખોર શિક્ષકે બસમા લઈ જઈ દોરી વડે બાંધી દીધો હતો બાદમાં તેનો સ્કૂલ યુનિફોર્મ ઉતારી સૃષ્ટિ વિરુદ્ઘનું કૃત્ય કર્યું હતું બાળકને ગંભીર ઇજા થઇ છે.

દરમિયાન પકડાયેલ લંપટ શિક્ષક સંદિપ દાણીધારીયાની સીટી પી.આઇ. રામાનુજ તથા સ્ટાફે આગવી ઢબે સરભરા કરી હવસનું ભૂત ઉતારી નાખ્યું હતું. પકડાયેલ શિક્ષક સંદિપને આજે મોડી સાંજે રીમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરાશે.

પોલીસના જણાવ્યા મુજબ શિક્ષક સંદિપ છેલ્લા અઢી વર્ષથી આ સ્કુલમાં નોકરી કરે છે અને તે અપરિણીત છે.

આ ઘટનાથી ભદ્ર સમાજમાં ભારે ફિટકાર વરસી રહ્યો છે.(૨૧.૧૪)

(1:09 pm IST)