Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

ગીર જંગલમાં ૧૩ સિંહોના મોત થયા છે ત્યારે ગોહિલવાડનાં ૫૦ સાવજો સલામત

કુદરતી ગીરીમાળાઓ વચ્ચે બચ્ચાઓ સાથે સિંહ પરિવારનું પરિભભ્રમણઃ વન વિભાગ દ્વારા લોકેશન મેળવીને નિરીક્ષણ

ભાવનગર તા.૨૫: ભાવનગર જિલ્લાના પાંચ તાલુકાઓમાં સાવજ પરિવારો વિચરણ કરી રહયા છે. અંદાજે સિંહ-સિંહણ, બચ્ચારો સાથે વિવિધ ગૃપમાં પરિભ્રમણ કરી રહયા છે. ગીર જંગલમાં ૧૩ જેટલા સાવજોના મોત થતા ગોહિલવાડના જંગલોમાં પરિભ્રમણ કરતા સાવજોમાં કોઇ ઇન્ફેકશન કે ખતરો છે કે કેમ? તે માટે આદરવામાં આવેલ તપાસમાં તમામ સાવજો સલામત હોવાનું વનવિભાગ દ્વારા હાથ ધરાયેલ તપાસમાં બહાર આવેલ છે. ભાવનગર જિલ્લાના જેસર, તળાજા, મહુવા, પાલીતાણા અને ગારીયાધાર આ પાંચ તાલુકામાં સાવજો પરિભ્રમણ કરે છે. ડણકો સંભળાય છે. આ વિસ્તારમાં ધીરે-ધીરે સાવજોની સંખ્યામાં વધારો થઇ રહયો છે.

પરંતુ ગીરના જંગલમાં ૧૧ સાવજોના મોત થતા વનવિભાગ ઘોર નિંદ્રામાં હોવાનુ઼ બહાર આવ્યું. જેના પગલે ભાવનગર જિલ્લા વન વિભાગ દ્વારા પાલીતાણા ખાતે એક તાકીદની બેઠક બોલાવાઇ. આ બેઠકમાં ફોરેસ્ટ ઓફિસરો, વેટરનરી ડોકટરો, ટ્રેકર, બીટગાર્ડ સહિતનાને પોત-પોતાના વિસ્તારમાં પરિભ્રમણ કરતા સાવજો પર નજર રાખી, લોકેશન મેળવી શારીરિક ક્ષમતા બાબતે રીપોટીંગ કરવાનું જિલ્લા મુખ્ય વન અધિકારી દ્વારા આદેશ કરવામાં આવેલ.

જેમા જાણકાર સુત્રોએ જણાવ્યું હતું કે ખાસ કરીને જેસર, બગદાણા, રાણીગાળા, બેડા, ગેબરના જંગલો સહિતમાં સાવજ પરિવારો વિચરણ કરે છે. જેમાં નર-માદા અને બચ્ચાઓ પણ છે.

ગર્ભવતી સિંહણો પણ છે. તમામ સુરક્ષીત હોવાનું તમામની હીલચાલ પરથી જોવા મળેલ. જેના કારણે લોકેટ કરવામાં આવ્યા ન હતા.

વનવિભાગ દ્વારા ગોહિલવાડમાં વિચરતા સાવજ પરિવારો સલામત હોવાનો રીપોર્ટ પણ ઉચ્ચ લેવલે પહોંચાડવામાં આવ્યો છે.(૧.૮)

સાવજોમાં પણ કળીયુગ!  મેટીંગ સમય હવે ફિકસ નથી!

માત્ર માનવજાતના વર્તનમાંજ નહીં પશુઓના વર્તનમાં પણ સમયની, વાતાવરણની અસર વર્તાઇ છે. કહી શકાય કે કળીયુગની અસર જોવા મળે છે. પશુઓ માટે ખાસ ચોમાસાનો સમય મેટીંગ સમય ગણાય છે. તેમાં સાવજોનો પણ સમાવેશ થાય છે. સાવજોના ચોમાસાના સંવવન કાળ દરમિયાન જંગલમાં રજા પણ રાખવામાં આવે છે. પરંતુ જાણકાર વનકર્મીઓના જણાવ્યા પ્રમાણે સાવજો પણ હવે ગમે ત્યારેમેટીંગ કરે છે. જેના કારણે ગોહિલવાડમાં સિંહણો બચ્ચા સાથે જોવા મળે છે!(૧.૮)

 

(12:15 pm IST)