Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

કચ્‍છના માંડવીમાં દરિયામાં ન્‍હાવા પડેલા ર૦ યુવાનો ડૂબતા જતા હતા સ્‍થાનિક વેપારીઓએ રેસ્‍કયુ કરી તમામને બચાવી લીધા

કચ્છ :ઉત્સવોમાં હંમેશા પ્રવાસન સ્થળો પર ભીડ જામતી હોય છે. આવામાં ક્યારેક એવી ઘટનાઓ બનતી હોય છે, જેમાં જીવનુ જોખમ થઈ જાય છે. ત્યારે કચ્છના માંડવીમાં દરિયામાં જન્માષ્ટમી પર્વની સાંજે મોટી ઘટના બની હતી. દરિયામાં નહાવા પડેલા 20 જેટલા યુવાનો ડૂબ્યા હતા, જેમાંથી 15 યુવાનોનુ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં 2 યુવાનો હજી પણ લાપતા છે.

ઉત્સવોના દિવસમાં માંડવીના દરિયા કિનારા ઉપર પ્રવાસીઓની ભીડ જામે છે. સાતમ-આઠમના તહેવારોમાં પણ અહીં મોટી ભીડ હોય છે. ત્યારે ગઈકાલે આઠમના સાંજે કેટલાક યુવાનો દરિયામાં નહાવા પડ્યા હતા. દરિયાના પાણીમાં મસ્તી કરતા યુવાનો ઊંડા પાણીમાં નાહી રહ્યા હતા, ત્યારે યુવાનોને કોઈ અંદાજ ન રહ્યો અને અચાનક ઊંડા પાણીમાં જવાથી ડૂબવા લાગ્યા હતા. ત્યારે દરિયા કિનારે લાંગરેલી બોટ તેમજ કિનારે ખાણીપીણી અને અન્ય વેપાર કરતા લોકોએ તરત યુવાનોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. સ્થાનિકોએ રેસ્ક્યુ કરીને પંદર જેટલા યુવાનોને બચાવ્યા હતા. હજુ પણ બે યુવાનો લાપતા છે. રેસ્ક્યૂ કરાયેલા એક યુવાનને ગંભીર ઈજાઓ થતા તેને ભૂજની જી.કે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે.

યુવાનોને બચાવવા માટે સ્થાનિકોએ અથાગ પ્રયાસો કર્યા હતા. બોટ લઈને લોકો દરિયામાં કૂદી પડ્યા હતા. યુવાનોને દરિયામાંથી બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. તો યુવાનોને બહાર કાઢ્યા બાદ તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડવાની કામગીરી પણ ઝડપી કરાઈ હતી. યુવકોને બચાવવા ઊંટનો ઉપયોગ કરાયો હતો.

આમ તો, માંડવીનો દરિયો શાંત હોય છે. પરંતુ લોકોને ખ્યાલ ન હોવાથી ઘણી વખત અંદર ઊંડા પાણીમાં જાય છે, ત્યારે આવી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. ખાસ કરીને જ્યારે તહેવારોમાં ભીડ જામતી હોય છે ત્યારે લોકોએ પોતાની સલામતીનું પણ ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે. યુવાનો જાગૃત થાય અને તંત્ર સાબદું બને એ જરૂરી છે.

(4:53 pm IST)