Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

જામનગરમાં જયશ્રી સિનેમા વાળી શેરી માં જયશ્રી કોમ્પલેક્સમાં એક દુકાનદાર દ્વારા નવતર પ્રકારની વિજચોરી : વિજમીટર ને પાછળના ભાગમાંથી નાનો ચોરસ ટુકડો કાપી મીટર ના અંદરના વાયરીંગ માં રઝિસ્ટન્સ જોડી ને કાપેલા ટુકડા ને ફરીથી પેક કરી ને સ્માર્ટ રીતે મીટર ફિક્સ કરી દેવાયું હતું

વીજ ચેકિંગ દરમિયાન મીટરમાં ચેડાં કર્યા નો મામલો સામે આવતાં ૧.૧૦ લાખ નું પુરવણી બિલ ફટકારાયું; પોલીસ ફરિયાદ નોંધાવાઈ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૨૫, 

     જામનગરમાં જયશ્રી સિનેમા વાળી શેરીમાં જયશ્રી કોમ્પ્લેકસમાં એક બુટ ચપ્પલ ના વેપારી દ્વારા નવતર પ્રકારની વિજ ચોરી કરી પોતાની દુકાનમાં ઝળહળતી રોશની કરાઈ હતી, પરંતુ વીજ ચેકિંગ દરમિયાન  મીટરમાં નવતર પ્રકારે ચેડા કરીને વીજચોરી કરાતી હોવાનું ધ્યાનમાં આવી જતાં વેપારી સામે રૂપિયા એક લાખ દસ હજારની વિજ ચોરીનું પુરવણી બિલ અપાયું છે, અને વેપારી સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

જામનગરમાં તારીખ ૨૩.૬.૨૨ ના રોજ પી.જી.વી.સી.એલ. ના સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝન હેઠળ આવતા વિસ્તાર ની વીજલોસ ઘટાડવાની કામગીરી હેઠળ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું, જે ચેકીંગ દરમ્યાન સુપર માર્કેટ વિસ્તાર ના સામેના ભાગે આવેલા જયશ્રી શોપિંગ કોમ્પલેક્ષ માં આવેલા જસ્ટ લેડી નામના બુટ ચંપલના એક શો રૂમ માં આવતા પાવર સપ્લાય નું વીજ મીટર અધિકારી દ્વારા તપાસતાં મીટર માં વીજ ચોરી જેવું જાણવા મળ્યું હતું.

જેથી વધુ તપાસ માટે વિજ મીટર ઉતારી લઇ પી.જી.વિ.સી.એલ. ની લેબોરેટરી માં વીજ મીટર ચેક કરવા માટે મોકલવામાં આવ્યું હતું.

લેબોરેટરીમાં આ મીટર ના.ઈ. શ્રીમતી ધારા બેન દ્વારા ટેસ્ટિંગ બેન્ચ પર તપાસતાં ફરી એક વાર મીટર માં વીજ ચોરી કરવાનો નવતર પ્રયોગ માલૂમ પડ્યો હતો. વિજમીટર ને પાછળના ભાગમાંથી નાનો ચોરસ ટુકડો કાપી મીટર ના અંદરના વાયરીંગ માં રઝિસ્ટન્સ જોડી ને કાપેલા ટુકડા ને ફરીથી પેક કરી ને સ્માર્ટ રીતે મીટર ફિક્સ કરી દેવાયું હતું અને વીજ ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

આવી અલગ પ્રકારની વિશિષ્ટ ચોરી ના આધારે સેન્ટ્રલ ઝોન સબ ડીવીઝનલ ના નાયબ ઇજનેર અજય પરમાર દ્વારા વીજ ચોરી કરાવનાર ટુકડીને પકડવા અર્થે અને વીજ ચોરીના ગુન્હા સબબ દુકાન માલિક મહંમદ હુસેન કાદર તેલી ને રૂ. ૧,૧૦,૮૮૭ ની રકમનો વીજચોરીનું પુરવણી બિલ અપાયું છે, અને જી.યુ.વી.એન.એલ. પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી છે. તથા આવી હાઇટેક રીતે વીજ ચોરી કરાવનાર અજાણી ટુકડીને પકડવા ખાસ તજ વીજ હાથ ધરી છે.

(12:41 pm IST)