Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

જૂનાગઢના ૪૩માં કલેકટર તરીકે પદભાર સંભાળતા રચીત રાજ

કોવિડની સંભવિત ત્રીજી લહેર પર નિયંત્રણને પ્રથમ પ્રાથમિકતા

જૂનાગઢ, તા.૨પઃ રાજય સરકાર દ્વારા તાજેતરમાં સનદી અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. જે અન્વયે જૂનાગઢ જિલ્લા કલેકટર તરીકે શ્રી રચીત રાજની નિમણુંક કરવામાં આવી છે.૩૦ વર્ષિય શ્રી રચીત રાજે ગઇકાલે જૂનાગઢના ૪૩ માં કલેકટર તરીકેનો પદભાર સંભાળ્યો હતો.

રાજય સરકાર દ્વારા સનદી અધિકારીઓની બદલી કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લાના નવનિયુકત કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી રચિત રાજે વેલોરમાં બાયો-ટેકનોલોજીમાં બી.ટેક કર્યુ છે. તેઓ ટેકનોસેવી છે.દેશની સૌથી અદ્યરી ગણાતી યુપીએસસી પરીક્ષા તેમણે વર્ષ ૨૦૧૪ માં પ્રથમ પ્રયત્ને અને ઓલ ઇન્ડિયામાં ત્રીજા રેન્ક સાથે પાસ કરેલ છે. તેમજ તેમણે યુપીએસસીની લેખિત પરીક્ષામાં સૌથી વધુ માર્કસ સ્કોર કર્યા હતા. અને તેઓ એકમાત્ર ઉમેદવાર હતા જેઓ ઇન્ટરવ્યુ વગર પસંદગી પામ્યા હતા.

આ ઉપરાંત વર્ષ ૨૦૧૪માં એમઆઇટી સ્કુલ ઓફ પુણે દ્વારા,વર્ષ ૨૦૧૫માં વીઆઇટી યુનિવર્સિટી દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.શ્રી રચીત રાજે એમ.બી.એ.ના અભ્યાસ માટે મળેલ ૧૭ લાખ રૂપિયાની સ્કોલરશીપ સનદી અધિકારી બની દેશની સેવા કરવા માટે છોડી દીધી હતી. વર્ષ ૨૦૧૪માં તેમણે ઝારખંડ સરકાર દ્વારા મુખ્યમંત્રીશ્રી હેમંત સોરેન અને પૂર્વ સીએમ અર્જુન મુંડા દ્વારા સન્માનિત કરાયા હતા.તેઓ વિઝનરી, સફળ યુથ આઇકોન, પબ્લીક સ્પીકર અને લેખક છે. તેમને તત્કાલીન રાષ્ટ્રપતિશ્રી પ્રણવ મુખર્જી દ્વારા પણ સન્માનિત કરાયા હતા.

કલેકટર શ્રી રચિત રાજે જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં કોવિડ વેકસીન અને સંભવિત ત્રીજા વેવનો મુખ્ય એજન્ડા રહેશે. જિલ્લાને કોરોનામૂકત રાખવા તમામ પ્રયાસો કરાશે. તેમજ જિલ્લામાં મહેસૂલ લગત કામગીરી, કાયદો અને વ્યવસ્થાની જાળવણીને અગ્રતા અપાશે. જૂનાગઢના ઐતિહાસિક સ્થળો ગિરનાર, સાસણ, ઉપરકોટ વગેરેને પ્રોજેકટ કરાશે. વિશ્વના પ્રવાસનના નકશામાં જૂનાગઢ જિલ્લાને  હોટ ફેવરીટ બને તેવા પ્રયાસો રહેશે.

કલેકટર શ્રી રચિત રાજે અગાઉ આસીસટન્ટ કલેકટર સાવલી, જિલ્લા વિકાસ અધિકારી તરીકે છોટા ઉદેપુર અને  દાહોદ જિલ્લામાં પ્રશંસનીય કામગીરી કરી છે.ડાયનેમીક વ્યકિત્વ ધરાવતા કલેકટરશ્રી રાજે જૂનાગઢ જિલ્લાના વિકાસ માટે પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી.

(12:50 pm IST)