Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

કેરીની સિઝન હવે અઠવાડિયામાં પૂરી

વાવાઝોડાના કારણે આવક ઓછી થઈઃ વરસાદ પડતા હવે કેરીનો સ્વાદ થોડા દિવસ માણી શકાશે

રાજકોટ, તા. ૨૫ :. કેરીની સિઝન હવે અઠવાડિયામાં પૂરી થઈ જશે. વાવાઝોડાના કારણે આ વર્ષે કેરીની આવક ઓછી થઈ હતી અને હવે વરસાદ શરૂ થતા કેરીનો સ્વાદ ગણતરીના દિવસો સુધી જ માણી શકાશે.

તાલાલામાં સીઝન પૂરી થયાને પંદર દિવસ કરતા વધારે સમય થઈ ગયો છે પણ ફળ માટે પ્રખ્યાત બનેલા ગોંડલ યાર્ડમાં હજુ કેરી રાજ કરી રહી છે. ગોંડલ યાર્ડમાં હજુ કેરીની ૮થી ૯ હજાર બોકસની આવક થાય છે. અલબત હવે સ્વાદ ફેર અને ઈયળોની ફરીયાદ આવવા લાગી છે, એ જોતા અઠવાડિયામાં સીઝન સમેટાઈ જાય તેમ છે.

ગોંડલ યાર્ડમાં કેસર સહિતની પરપ્રાંતીય કેરીની આવક સૌ પહેલા શરૂ થાય છે અને સીઝનના અંત સુધી આવક ચાલુ રહે છે. અત્યારે ગોંડલ યાર્ડમાં કચ્છની કેસર કેરી ઉપરાંત હાફુસ, રાજાપુરી અને બદામની આવક થાય છે. જો કે હવે જૂન મહિનો પુરો થાય એટલે યાર્ડમાં કેરીની આવક પણ બંધ થઈ જાય એવી શકયતા છે.

ગોંડલ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શીંગાળા કહે છે કે, કેરીની સીઝન હવે અંત ભણી છે. અત્યારે કેસરની આવક થાય છે પણ હવે સ્વાદ, સુગંધ અને ગુણવત્તામાં ફરક પડી ગયો છે. કેરીના ભાવ પણ ઉંચા છે એટલે ગ્રાહકોને પોસાય તેવા રહ્યા નથી. ગોેંડલ યાર્ડમાં ચાલુ વર્ષે ૨૩ જૂન સુધીમાં કુલ ૧૦,૨૫,૮૪૩ બોકસ કેસર કેરીની આવક થઈ છે.

(11:44 am IST)