Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

મોરારીબાપુ, આપ જુનાગઢ આવો... અમો સૌ આપને ખુબ બિરદાવવા માંગીએ છીએ...

'સવાયા ઘર'માં બાપુ માટે અનેરો ભાવ વ્યકત કરાયો : નરસૈયાની નગરીના પ્રજાઓની અનેરી લાગણી સાધુ-સંતો, વરિષ્ઠ આગેવાનોએ બાપુ પરના હુમલાના પ્રયાસને વખોડતુ આવેદન કલેકટરને પાઠવ્યું

જુનાગઢ તા.રપ : મોરારીબાપુ, આખુ જુનાગઢ આજે હતપ્રભ છે. આપ જુનાગઢ આવો અમારે આપને અસલ સ્વરૂપમાં જોવા છે. અમો રામનું નામ જપતા અદભુત સંતાને જોવા માંગીએ છીએ. આ શબ્દો જુનાગઢના સાધુ સંતો વરિષ્ઠ આગેવાનો અને ખુદ પ્રજાજનોના.... જુનાગઢના મિનરાજ અને બાદમાં સર્કીટ હાઉસ ખાતે મળેલ વરિષ્ઠ આગેવાનોની બેઠકમાં આ શબ્દો બોલાયા હતા. દ્વારકામાં પૂ. શ્રી મોરારીબાપુ પર થયેલા હુમલા બાદ સંતો - મહંતો, આગેવાનો સહિતના લોકોમાં ભારે રોષ પ્રવર્તે છે. ત્યારે આજ રોજ મહામંડલેશ્વર પૂ. શ્રી ભારતીબાપુની આગેવાનીમાં કલેકટર ડો. સૌરભ પારઘીને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ અને દેશના વરિષ્ઠ સંત મોરારીબાપુ ઉપર થયેલા હુમલાના પ્રયાસ માટે જવાબદાર સામે કાયદેસરના પગલા લેવા રજુઆત કરવામાં આવી હતી અને એ પહેલા શ્રી મોરારીબાપુ પર થયેલા હિંચકારા હુમલાના પ્રયાસ બાદ જુનાગઢમાં ભવનાથ સ્થિત મિનરાજ શૈક્ષણિક સંકુલ ખાતે ડો. ડી. પી. ચીખલીયા, આગેવાનો હેમંતભાઇ નાણાવટી, યોગીભાઇ પઢીયાર, ધીરુભાઇ પુરોહીત, કૃષ્ણકાંત રૂપારેલીયા અને દાદુભાઇ કનારા વચ્ચે મળેલી સંકલન બેઠકમાં પુ. બાપુ માટે જુનાગઢ 'સવાયા ઘર' સમાન હોય ત્યારે આવા ગંભીર ધ્રુણાસ્પદ બનાવ બાબતે જુનાગઢ શહેર એકી અવાજે વખોડે તેના માટે કાર્યક્રમ યોજવાનું નકકી કરાયુ હતું. કાર્યક્રમનાભાગરૂપે ગઇકાલે જુનાગઢમાં મનોરંજન સર્કિટ હાઉસ ખાતે બેઠક મળી હતી. આ બેઠકના અધ્યક્ષ સ્થાનેથી મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીબાપુએ જણાવેલ કે, શ્રી મોરારીબાપુ સૌરાષ્ટ્ર સહિત ભારતના મહા સંત છે. તેમણે સનાતન ધર્મ જ નહીં સૌની સાથે રાખી કામ કર્યુ છે. શ્રી ભારતીબાપુએ આ મામલે મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળીને રજૂઆત કરીશ અને નબળુ સ્વાસ્થ્ય હોવા છતાં હું મોરારીબાપુ માટે કાર્યરત થયો હોવાનું પણ શ્રી ભારતીબાપુએ જણાવ્યું હતું જયારે મેયર ધીરૂભાઇ ગોહેલે જણાવેલ કે, શ્રી મોરારીબાપુ સૌને માફી આપે છે અને તેમના માટે જેટલુ કાર્ય થાય તેટલુ ઓછુ છે. ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ જણાવેલ કે, શ્રી  મોરારીબાપુ પર થયેલ હુમલાનો હિંચકારો પ્રયાસ સહન થઇ ન શકે તેવો છે. મહામંડલેશ્વર જગજીવનદાસબાપુ, ગીરનાર અંબાજી મંદિરના મહંત તનસુખગીરીબાપુ, પુનીત આશ્રમના પૂ. શ્રી શૈલેજા દેવીએ શ્રી મોરારીબાપુ પર થયેલા હુમલાના પ્રયાસનો સખ્ત શબ્દોમાં વખોડી કાઢયો હતો. આ બેઠકમાં શહેર ભાજપના પ્રમુખ શશીકાંતભાઇ ભીમાણી, ડે. મેયર હિમાન્શુ પંડયા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન રાકેશ ધુલેશીયા, શાસક પક્ષના નેતા નટુભાઇ પટોળીયા, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નટુભાઇ પોંકીયા, કોંગ્રેસ શહેર પ્રમુખ અમિતભાઇ પટેલ, પૂર્વ મેયર આદ્યાશકિતબેન મજમુદાર, પૂર્વે ડે. મેયર ગીરીશભાઇ કોટેચા, પૂર્વ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર વનરાજસિંહ રાયજાદા, ડો. બકુલ બુચ, ડો. ઉર્વિશ વસાવડા, ડો. શૈલેષ વારા, બાર એસો.ના પ્રમુખ ભાવેશ ઝીંઝૂવાડીયા, એડવોકેટ પી. ડી. ગઢવી, રાજેશ બુચ, એન. ડી. મોરી, જયકીશનભાઇ દેવાણી, બ્રહ્મ સમાજના આગેવાન અશોકભાઇ ભટ્ટ, લોક સાહિત્યકાર અમુદાનભાઇ પઢવી, જીતુદાદ, કવિશ્રી મિલીન્દ ગઢવી, હાજી રમકડુ, અગ્રણીઓ ભુપતભાઇ શેઠીયા, મનસુભાઇ વાજા, રમેશભાઇ શેઠ સહિત મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતી રહ્યા હતાં. આ બેઠકમાં ઉપસ્થિત સાધુ-સંતો તેમજ રાજકીય સામાજીક અગ્રણીઓ વગેરેએ પૂ. શ્રી મોરારીબાપુ પરના હુમલાને વખોડી કાઢીને આક્રોશ વ્યકત કર્યો હતો.

દરમ્યાન આજે બપોરે ૧ર વાગ્યે અપાયેલા આવેદનપત્રમાં સંતો સહિત આગેવાનોએ જણાવ્યું હતુ કે સનાતન હિન્દુ  ધર્મના વરિષ્ઠ સંત પૂ. શ્રી મોરારીબાપુએ રાજયના પ્રતિષ્ઠીત સાહિત્યીક એવોર્ડ નરસિંહ મહેતા એવોર્ડ માટે ખુબ પુરૂષાર્થ કર્યો છે. તેમજ તેઓએૃ  જુનાગઢમાં એક નહી પણ રામાયણની સાત-સાત કથા કરીને શહેરને રામમય બનાવ્યું છે. પૂ. શ્રી મોરારીબાપુએ હંમેશા બધાને આપ્યું છે માનવતા વાદી કરૂણામય જીવન વ્યતિત કરી રહેલા ઉમદા સંત શ્રી મોરારીબાપુ ઉપર દ્વારકામાં જે થયું છેુ તે કલ્પી ન શકાય તેવું છે. અને સમગ્ર  સમાજ હતભ્રત બનેલ છે. વરિષ્ઠ સંત શ્રી મોરારીબાપુ પર થયેલા હુમલાના પ્રયાસ માટે જે કોઇ જવાબદાર હોય તેની સામે કાયદેસરના પગલા લેવાવા જોઇએ અને આવા બનાવો ફરી  ન બને તેવી કાર્યવાહી કરવા કલેકટરશ્રી સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. મહામંડલેશ્વર શ્રી ભારતીબાપુ,  ગિરનાર અંબાજી મંદિરના મહંત તનસુખગીરીબાપુ તથા સુર્યદેવ મંદિરના મહંત શ્રી જગજીવનદાસબાપુની આગેવાની માં ધારાસભ્ય ભીખાભાઇ જોષી, મેયર ધીરૂભાઇ ગોહેલ, શહરે ભાજપના પ્રમુખ શશીકાંતભાઇ ભીમાણી, ભાજપના યુવા આગેવાનો યોગીભાઇ પઢીયાર, શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઇ ઠુંમર, સામ્યવાદી પાર્ટીના બટુકભાઇ મકવાણા વગેરેએ કલેકટરશ્રીને આવેદનપત્ર આપીને પોતાની લાગણી વ્યકત કરી હતી. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(12:54 pm IST)