Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

જામનગર એરબેઝને મળશે નવું રડાર સેન્ટર

આર્મીનું કેન્દ્ર છે જામનગર : મોટી રીફાઇનરી પણ આવેલી છે : શહેર વધુ સુરક્ષિત થશે

અમદાવાદ તા. ૨૫ : ચીન - પાકિસ્તાન સરહદે ચાલતી તંગદિલી વચ્ચે સુરક્ષાને મજબૂત કરવા માટે ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય બુધવારે લીધો હતો. જામનગર એરફોર્સ સ્ટેશનને નવી રડાર સીસ્ટમ માટે ૧૪૦૦ ચોરસ મીટર જમીન ફાળવવાનો તેણે નિર્ણય કર્યો હતો.

ગુજરાત સરકારે કેબીનેટ મીટીંગમાં બુધવારે સાંજે ચર્ચા વિચારણા કરીને આ નિર્ણય લીધો હતો. જામનગર જિલ્લામાં કેટલીક રિફાઇનરીઓ અને ઉદ્યોગો આવેલા છે. ત્યાં દુનિયાની સૌથી મોટું ઓઇલ રીફાઇનીંગ અને પેટ્રોકેમીકલ કોમ્પ્લેક્ષ અને ભારતની બીજા નંબરની ખાનગી રીફાઇનરી આવેલી છે.

નવી આધુનિક રડાર સીસ્ટમથી દેશની અને રાજ્યની સુરક્ષામાં સુધારો થશે એટલું જ નહીં, આ મહત્વના ઉદ્યોગોનું રક્ષણ કરવામાં પણ મદદરૂપ બનશે.

જામનગર સેનાની ત્રણે પાંખો એરફોર્સ, સેના અને નેવીનું બેઝ સ્ટેશન છે. ભૌગોલિક રીતે જામનગર સૈન્યની ત્રણે પાંખો માટે મદદરૂપ છે કેમકે તે દરીયાકાંઠે હોવાથી નેવીને, મોટું એરબેઝ સ્ટેશન ધરાવતું હોવાથી એરફોર્સને અને પાકિસ્તાનથી નજીક હોવાથી સેના માટે અગત્યનું છે. જામનગર એરબેઝ દક્ષિણ પશ્ચિમ કમાન્ડનું સૌથી મોટું એરબેઝ છે.

(11:37 am IST)