Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

કચ્છના ગાંધીધામના મગફળીકાંડ મુદ્દે સરકારની નિષ્ક્રીયતા સામે કોંગ્રેસનો આક્રોશઃ રામધુન સામે વિરોધ પ્રદર્શિત

ભુજ તા. રપઃ ગાંધીધામમાં સરકારી ગોડાઉનોમાં રખાયેલ મગફળીના જથ્થામાંથી ધૂળ, ઢેફા અને ફોતરાં નીકળ્યા બાદ સરકાર નિષ્ક્રિય હોઇ હવે કોંગ્રેસે ફરી વિરોધ શરૂ કર્યો છે. કોંગ્રેસના કિસાન સેલના ચેરમેન પાલભાઇ આંબલિયા અને કચ્છ કોંગ્રેસ પ્રમુખ રાજુવેન્દ્રસિંહ જાડેજા, પ્રવકતા ચેતન જોશી સહિતના આગેવાનોએ જનતા રેડ પાડી તેને પાંચ દિવસ થયા પણ સરકાર કે નાફેડ કોઇએ કંઇપણ કામગીરી કરી નથી.

અંજારમાં મીડીયા સાથે વાત કરતાં પ્રદેશ કોંગ્રેસના આગેવાનો પાલાભાઇ આંબલિયા, જયદીપભાઇ મોરી અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે, આજે પહેલેથી ટાઇમ લઇને કોંગ્રેસના કાર્યકરો મગફળી કૌભાંડની તપાસ માટે રજુઆત કરવા પ્રાંત કચેરીએ અંજાર પહોંચ્યા ત્યારે પ્રાંત અધિકારી ઓફિસે ગેરહાજર હતા. એટલે, નારાજ કોંગ્રેસના આગેવાનોએ કચેરીમાં જ અડ્ડો અજમાવીને રામધૂન બોલાવી હતી અને સરકારને સદ્દબુદ્ધિ આપવા પ્રાર્થના કરી હતી. કચ્છ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી. કે. હુંબલ અને કોંગ્રેસના પ્રવકતા ચેતન જોશીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા ગાંધીધામ પોલીસને તેમ જ પ્રાંત અધિકારીને ગાંધીધામના ગોડાઉનોમાં રખાયેલ મગફળી કૌભાંડની તપાસ કરવા માટે રૂબરૂ અને લેખિતમાં માંગ કરી છે.

આ સમગ્ર મામલો મીડીયામાં સતત ચર્ચામાં છે, પણ સરકાર કંઇ કરતી નથી. જોકે, ગફળીનો જથ્થો નાફેડ દ્વારા વિવિધ સહકારી મંડળીઓ પાસેથી ખરીદાયો છે. પણ ગાંધીધામમાં નીકળેલ મગફળીના ભેળસેળ કૌભાંડ સંદર્ભે નાફેડના ચેરમેન દિલીપ સંઘાણીએ તપાસનું આશ્વાસન આપીને કોંગ્રેસ પર રાજકારણ રમવાનો આક્ષેપ કર્યો છે. પણ, વાસ્તવિકતા એ છે કે, લાખો કિલો મગફળીમાં રેતી, ધૂળ અને ઢેફા હોવા છતાંયે સરકારે કે નાફેડ દ્વારા ગાંધીધામ મગફળી કૌભાંડની કોઇ તપાસ થઇ નથી.

(3:39 pm IST)