Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

માળીયાના કડાયાના ખેડૂતે હેવી વીજલાઇન ફેરવી નાખી કર્મચારી ઉપર કર્યો હુમલો

પીજીવીસીએલને રૂ.ર૧,૪૦૦નું નુકસાન

જુનાગઢ તા.રપ : માળીયાના કડાયા ગામના એક ખેડુત આખે આખી હેવી વીજલાઇન ફેરવી નાખી કર્મચારી ઉપર હુમલો કરી પીજીવીસીએલને રૂ.ર૧,૪૦૦નું નુકસાન કરતા હલચલ મચી ગઇ છે.

આ અંગેની વિગત એવી છે કે માળીયા હાટીના તાલુકાના કડાયા ગામના રસીક પરસતોમ ઉકાણી નામના  ખેડુતને તેમનાં ખેતરમાં પસાર થતી પીજીવીસીએલ ૧૧ કેવી વીજલાઇન નડતરરૂપ જણાતા તેણે આખે આખી વીજ લાઇન ફેરવી નાખી હતી.

તેમજ ખેતરનાં શેઢા પર વીજ પોલ શીફટ કરવાનાં ઇરાદે ત્રણ થાંભલા તોડી નાખ્યા હતા. ઉપરાંત ફીડરમાં આવતા વીજ ગ્રાહકોનો પાવર સપ્લાય બંધ કરી દીધો હતો.

આ પ્રમાણે પીજીવીસીએલને રૂ.ર૧,૪૦૦નું નુકસાન પહોંચાડયુ હતુ. તેમજ વીજલાઇનને નવેસરથી ઉભી કરવા આવેલા પીજીવીસીએલના કર્મચારી પ્રવીણભાઇ રતિલાલ દુલેરાની ફરજમાં રૂકાવટ કરી રસીકભાઇ ઉકાણીએ હુમલો કર્યો હતો.આ બનાવ અંગે ગત રાત્રે પોલીસે વીજ કર્મીની ફરીયાદ લઇ ખેડુત સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ પીએસઆઇ એન.કે. વિંઝુડા ચલાવી રહયા છે.

(1:22 pm IST)