Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

મોરબીમાં અજાણ્યા યુવાનની હત્યામાં પોલીસ કર્મી અને પાંચ જીઆરડી જવાનો સામે ગુન્હો નોંધાતા ખળભળાટ

મકનસર પાસે આવેલ પોલીસ હેડકવાટર્સમાં બની રહેલ આવાસમાંથી યુવાનની લાશ મળી'તીઃ શંકાસ્પદ હિલચાલ જણાતા યુવાનને પોલીસ કર્મી અને જીઆરડીના જવાનોએ ઢોર માર મારતા મોત થયાનું તારણઃ પોલીસ કર્મચારી કિશોરભાઇ, જીઆરડી જવાનો હાર્દિક ઉર્ફે લાલો બરાસરા, કમલેશ દેગામા અને અન્ય ત્રણ સામે પોલીસમાં ફરીયાદઃ અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તપાસ

તસ્વીરમાં હત્યાનો ભોગ બનનાર અજાણ્યા યુવાનનો મૃતદેહ નજરે પડે છે. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ-મોરબી)

મોરબી, તા., ૨૫: મોરબી તાલુકાના મકનસર પાસે આવેલ પોલીસ હેડ કવાટર્સમાં બની રહેલ પોલીસ આવાસમાંથી ગઇકાલે એક અજાણ્યા યુવાનની લાશ મળ્યા બાદ આ યુવાનના શરીર પર મુંઢ માર માર્યાના નિશાન જોવા મળ્યા હતા. જેથી આ યુવાનની હત્યા કરાઇ હોવાની આશંકા સાથે મૃતક યુવાનની ડેડબોડીને ઘટના સ્થળે પહોંચેલ મોરબી તાલુકા પોલીસે સીવીલ હોસ્પીટલ ખસેડી હતી અને મોડી રાત્રીના સમયે એક પોલીસ કર્મીને પાંચ જીઆરડીના જવાનો સામે હત્યા સહીતનો ગુનો નોંધવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી-વાંકાનેર હાઇવે પર આવેલ મકનસર ગામ પાસે હાલમાં પોલીસ આવાસ બનાવવાની કામગીરી ચાલી રહી છે અને ગઇકાલે બની રહેલા આવા જ એક પોલીસ આવાસમાંથી એક અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી અને મૃતક યુવાન આશરે રપ-ર૭ વર્ષનો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું. બનાવની જાણ થયાના પગલે એસપી ડો. કરણરાજ વાઘેલા અને ડીવાયએસપી બન્નો જોશી સહીત કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

બનાવના પગલે પોલીસે પોલીસ આવાસનું કોન્ટ્રાકટ રાખનાર મૂળ કચ્છ જીલ્લાના માંડવી તાલુકાના ન્યુ તલવાણા ગામના રહીશ કોન્ટ્રાકટર રાકેશ છોટાલાલ રાઠોડ (ઉ.વ.૪૦) ની ફરીયાદ લઇને હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા કિશોરભાઇ જીઆરડી જવાન હાર્દિક ઉર્ફે લાલો બરાસરા, કમલેશ દેગામા અને અન્ય ત્રણ જીઆરડી જવાનો સામે પ્લાસ્ટીકની પાઇપ વડે મૃતક યુવાનને આડેધડ માર મારવાથી યુવાનનું મોત નિપજયું હોવાથી હત્યા સહિત ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મૃતક અજાણ્યા યુવાનની નવા બનતા આવાસમાં શંકાસ્પદ હાલતમાં નજરે પડતા ત્યાં ફરજ પર રહેલ પોલીસ કર્મી અને જીઆરડીના જવાનોએ ઢોર માર મારતા તેનું મોત નિપજયાની શંકા છે.

મોરબી તાલુકા પોલીસે મૃતકની ઓળખ મેળવવા સાથે હત્યા પાછળનું કારણ જાણીને તપાસ આદરી છે.

વધુ તપાસ પીએસઆઇ એમ.વી.પટેલ ચલાવી રહયા છે.

(11:49 am IST)